નવી દિલ્હી : જો ધુમ્મસના કારણે કોઈ ફ્લાઈટ ત્રણ કલાકથી વધુ મોડી થાય છે તો મુસાફરોની સુવિધા માટે એરલાઈન્સે તે ફ્લાઈટ કેન્સલ કરવી પડશે. તેમજ તમામ એરલાઈન્સે ધુમ્મસ દરમિયાન તેમનાં એરક્રાફ્ટ અને પાઈલટોને કેટ-3 સાથે ઓપરેટ કરવાનું રહેશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ ધુમ્મસને ધ્યાનમાં રાખીને બોલાવેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ સૂચનાઓ આપી હતી.
કેન્દ્રીય મંત્રી નાયડુએ કહ્યું કે, આ વખતે દિલ્હીમાં ધુમ્મસ વહેલી આવી છે. ધુમ્મસની મોસમને ધ્યાનમાં રાખીને, એરલાઇન્સ, એટીસી, ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફ અને એરપોર્ટ ઓપરેટરો સહિત તમામ સંબંધિત એજન્સીઓએ એકબીજામાં વધુ સારું સંકલન જાળવવું પડશે.
જેથી ઓછામાં ઓછો વિલંબ થાય અને ફ્લાઇટો રદ ન થાય અને મુસાફરોની અસુવિધા ઓછી થઈ શકે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ધુમ્મસ દરમિયાન ફ્લાઈટ્સને માર્ગદર્શન આપવા માટે એરપોર્ટ પર ’ફોલો મી’ બીકલ પણ હોવા જોઈએ. એરપોર્ટ ઓપરેશન કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર હવાઈ ટ્રાફિકને શક્ય તેટલો સામાન્ય રાખવા માટે દરેક સંભવિત પ્રયાસો કરવા પડશે. દિલ્હી એરપોર્ટના ચાર રનવેમાંથી ત્રણને કેટ-3 આઇએલએસ સિસ્ટમથી સક્રિય કરવામાં આવ્યાં છે.
તમામ એરલાઈન્સે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ધુમ્મસ દરમિયાન, તેઓ ફક્ત તે જ એરક્રાફ્ટ અને પાઈલટોને જ તૈનાત કરે છે જે કેટ-2 અને કેટ-3 સિસ્ટમથી સજ્જ હોય છે, જેથી સમસ્યાઓ ઓછી થાય.
એવું પણ કહેવામાં આવ્યું છે કે, તમામ એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટરોએ ડીજીસીએ દ્વારા આપવામાં આવેલી જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ ધુમ્મસ દરમિયાન ફ્લાઇટ વિલંબના કિસ્સામાં મુસાફરોના ડી-બોર્ડિંગ અને ફરીથી બોર્ડિંગને સંચાલિત કરતાં પેસેન્જર-ફ્રેન્ડલી નિયમોની પણ પ્રશંસા કરી હતી.