અમદાવાદ : શ્વાસ લેવામાં તકલીફ, ગૂંગળામણનો અનુભવ, અચાનક ડર, અનિદ્રા, કારણ વિના સતત રડવું, સતત નકારાત્મક વિચારો, રોજિંદા કાર્યો કરવામાં અનિચ્છા, અથવા તો ફીટ આવવી આ લક્ષણો ચિંતા, ડિપ્રેશન અથવા અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો નિર્દેશ કરે છે. આવા મુદ્દાઓ ભાગ્યે જ ચર્ચામાં આવતાં હોય છે, હવે આ ચિંતાજનક સમસ્યાઓ સામાન્ય બની છે.
માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓનો વ્યાપ વધ્યો છે, અને પુરાવા ન્યુરોસાયકિયાટ્રિક દવાઓના વધતાં વપરાશ દ્વારા જાણી શકાય છે. ફાર્મરેકના ડેટા અનુસાર, ન્યુરો-સીએનએસ એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કેટેગરી હેઠળની દવાઓનાં બજારમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 56 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ડિસેમ્બર 2021માં, ન્યુરો-સીએનએસ દવાઓનું ટોટલ વેચાણ 456 કરોડ હતું. ડિસેમ્બર 2024 સુધીમાં આ આંકડો વધીને રૂ. 710 કરોડ થઈ ગયો છે
“તણાવ, ચિંતા અને અનિદ્રાની ઘટનાઓ વધી રહી છે, અને વધુ લોકો મદદ માંગી રહ્યાં છે.
જે સ્વાભાવિક રીતે આ દવાઓનાં વેચાણમાં વધારો કરે છે. તે સિવાય, આવી દવાઓનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે જે દવાનું વેચાણ વધવાનું એક કારણ છે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશનના ચેરમેન અલ્પેશ પટેલે જણાવ્યું કે એક જ પ્રિસ્ક્રિપ્શનનો દર્દીઓ દ્વારા ઘણી વખત ઉપયોગ કરવામાં આવે છે અને પછી એવાં લોકો છે.
જેઓ પ્રિસ્ક્રિપ્શન વિના ઊંઘની ગોળીઓ અને ચિંતાની દવાઓ પણ વેચે છે, જે આ દવાઓનાં દુરુપયોગમાં પણ વધારો કરે છે. ફાર્મરેક ડેટા સૂચવે છે કે એન્ટિ-એપીલેપ્ટિક દવાઓમાં 30.7 ટકા, એન્ટિ-ડિપ્રેસન્ટ્સ અને મૂડ એલિવેટર દવાઓમાં 18 ટકા, ન્યુરોપેથિક પીડા માટેની દવાઓમાં 13.5 ટકા, અને એન્ટિ-સાયકોટિક દવાઓમાં 5.6 ટકા દવાઓ 2024 માં સૌથી વધુ વેચાણી હતી. સ્લીપિંગ પિલનું વેચાણ પણ 2023માં 13 કરોડની સામે વાર્ષિક ધોરણે 23 ટકા વધ્યું છે
શહેર સ્થિત મનોચિકિત્સક ડો. પુનિતા ગ્રોવરે જણાવ્યું હતું કે, “કોવિડ પછી સૂચવવામાં આવેલી સલાહ અને દવાઓ બંનેમાં ચોક્કસપણે વધારો થયો છે. ન્યુરો-સીએનએસ કેટેગરીમાં ચિંતા વિરોધી અને એન્ટીડિપ્રેસન્ટ્સથી લઈને ઊંઘની ગોળીઓ સુધીની દવાઓની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે.
અમદાવાદના મનોચિકિત્સક ડો નેહલ શાહે જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં જાગરૂકતામાં વધારો થવાથી મોટો ફરક પડ્યો છે. ડો. હંસલ ભચેચે જણાવ્યું હતું કે સામાન્ય લક્ષણો સિવાય, મનોચિકિત્સકોએ ગભરાટના હુમલા, ચિંતાના હુમલા, ફોબિયા અને ઓસીડીના કેસોમાં વધારો જોયો છે.