
વિરાજ શાહ : ગત અંકમાં આપણે FII ની વેચવાલી અંગે ચર્ચા કરી હતી. આપણે જોયું હતું કે FII કાંઈ આજકાલની વેચવાલ નથી. તે તો સતત દરવર્ષે વેચવાલ જ રહી છે. આપણે એ પણ જોયું હતું કે માત્ર વર્ષ 2019 અને 2020 માં FII નેટ લેવાલ રહી હતી. આજે આપણે એ વાત થોડીક આગળ વધારીએ.
FIIની વેચવાલી અને DII ની લેવાલી વચ્ચેના તફાવતનું મહત્વ:
અહીં જૂન મહિનાથી અત્યાર સુધી FII – DII એક્ટિવિટીની એક સંક્ષિપ્ત માહિતી રજૂ કરી છે. તેમાં જોઈ શકાય છે તેમ, જૂન 2024 થી ફેબ્રુઆરી 2025 ના નવ મહિના દરમ્યાન FII એ નેટ રૂ.3,24,047 કરોડની વેચવાલી કરી. તેની સામે DII એ નેટ રૂ.4,70,449 કરોડની લેવાલી કરી. આમ, FII એ જેટલું વેચાણ કર્યું તેનાં કરતાં DII એ રૂ.1,46,402 કરોડનો માલ વધારે લીધો. તેમ છતાં બજાર ઘટતું રહ્યું. હવે, આ ગાળામાં બજારે શું કર્યું? 31 મે 2024 ના રોજ નિફ્ટી50 આંક 22530 પર બંધ હતો. ગત અઠવાડિયે તે બંધ રહ્યો 22552. ટૂંકમાં, નવ મહિનામાં FII એ જેટલી કિમતનો માલ વેચ્યો તેનાં કરતાં DII એ લગભગ રૂપિયા દોઢ લાખ કરોડનો વધુ માલ લીધો અને નિફ્ટી50 આંક માત્ર 22 પોઈન્ટના સુધારા પર છે. એક વખત એમ માની લઈએ કે માત્ર નિફ્ટી50 સમગ્ર બજારનો ચિતાર નથી આપતો. તો આપણે નિફ્ટી500 જોઈએ. 31 મે 2024 ના રોજ નિફ્ટી500 બંધ હતો 21103 અને ગત શુક્રવારના રોજ બંધ રહ્યો 20443. નવ માહિનામાં 660 પોઈન્ટનો ઘટાડો. આમ, માત્ર FIIની વેચવાલી બજારના ઘટાડા માટે કારણભૂત હોવાનું માનવું થોડુક મુશ્કેલ છે. FII ની સાથોસાથ અમુક HNI, અલ્ટ્રા-HNI દ્વારા પણ વેચાણ થયું હોવું જોઈએ. આમ, આપણે હાલ એક એવાં બજારમાં છીએ જ્યાં નવ માહિનામાં FII એ કરેલ વેચવાલી કરતાં DII એ રૂપિયા દોઢ લાખ કરોડની વધુ ખરીદી કરી છે અને છતાં નિફ્ટી500 સરવાળે 660 પોઈન્ટ એટલે કે 3% ઘટ્યો છે અને નિફ્ટી50 કુલ 22 પોઈન્ટ અથવા 0.01% વધ્યો છે અને છતાં આપણે FII – DII ના નેટ લેવાલી-વેચવાલીના આંકડાઓ પરથી બજારનો ટ્રેન્ડ પારખવા પ્રયત્ન કરવાનો છે. હમણાં જે ચર્ચા કરી તેમ, લાર્જર પીકચર જોઈએ તો આવો ડેટા કારગર નથી જાણતો. પરંતુ, જે તે દિવસ, અઠવાડીયા, પખવાડિયામાં આવો ડેટા ઉપયોગી થતો રહ્યો છે. અત્યાર સુધી, મોટેભાગે, એવું જોવા મળ્યું છે કે જે તે દિવસે FII ની નેટ વેચવાલી કરતાં DII ની નેટ લેવાલી થોડીક વધારે રહે છે, ત્યારે બજારમાં સુધારો જોવા મળે છે. આવા ટ્રેન્ડનું એક કારણ કદાચ એ હોય શકે કે DII જ્યારે FIIની વેચવાલી કરતાં વધુ રકમની ખરીદી કરે છે, ત્યારે બજારના નબળાં હાથોમાંથી માલ DIIના મજબૂત હાથમાં આવે છે અને તેના પગલે બજારમાં સુધારો જોવાતો હોઇ શકે. વિતેલા અઠવાડિયે જ્યારે શરૂઆતના બે ટ્રેડિંગ સેશન્સમાં DII ની ખરીદીની આંકડા FII ની વેચવાલી કરતાં વધુ રહ્યા ત્યારે સંકેત મળ્યો હતો કે હાલ બજાર ઘટાડાના મૂડમાં નથી.
ગત સપ્તાહે મુખ્ય ઇન્ડેક્સ કરતાં અન્ય ઇન્ડેક્ફ્સિમાં વધુ સુધારો
ગયા અઠવાડીયાનો ડેટા જોઈએ તો તા.3 માર્ચના રોજ FII ની રૂ.4788 કરોડની વેચવાલી સામે DIIએ રૂ.8790 કરોડની ખરીદી કરી. આ દિવસે નિફ્ટ50 આંક માત્ર છ પોઈન્ટના ઘટાડે બંધ રહ્યો. બીજા દિવસે તા. 4 માર્ચના રોજ FII ની રૂપિયા 34 સો કરોડની વેચવાલી સામે DIIએ રૂપિયા 48 સો કરોડનો માલ લીધો અને નિફ્ટી50 માત્ર 38 પોઈન્ટના ઘટાડે બંધ રહ્યો. વિતેલા અઠવાડિયે નિફ્ટી50નો સહુથી મોટો ઉછાળો જોવા મળ્યો તા. 5 માર્ચ બુધવારના રોજ. આ દિવસે નિફ્ટી50 સવા ટકા જેટલો સુધર્યો. આ દિવસે FII ની રૂ. 2900 કરોડની વેચવાલી સામે DIIએ રૂ. 3370 કરોડની ખરીદી કરી હતી. બીજી તરફ, નિફ્ટી નેક્સ્ટ50 ઇન્ડેક્સ જોઈએ તો તે ગત સોમવારે 1 ટકો, મંગળવારે અડધો ટકો, બુધવારે દોઢ ટકો અને ગુરુવારે ફરી એક ટકો સુધર્યો. આમ, નિફ્ટી કરતાં નિફ્ટી નેક્સ્ટ50 માં વિતેલા અઠવાડિયે વધુ સુધારો જોવા મળ્યો છે. આ ડેટા પરથી એટલું કહી શકાય કે, FII ની વેચવાલી સામે જે વધુ રકમની ખરીદી થઈ તે મુખ્ય શેર્સ સિવાયના શેર્સમાં વિશેષ થઈ છે.
નિફ્ટીના વિવિધ સેક્ટોરલ – થિમેટિક ઇન્ડેક્સનું સાપ્તાહિક પર્ફોર્મન્સ જોઈએ તો, વિતેલા અઠવાડિયે સુધરવામાં અવ્વલ રહ્યો નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ (+10.7%). ત્યારપછી મેટલ (+8.6%), મીડિયા, PSE, માઇક્રોકેપ 250, કોમોડિટીસ, CPSE વિગેરે 6 -7 ટકા સુધારે બંધ રહ્યા. સ્મોલકેપ 50, 100 અને 250 ત્રણેય સાડા પાંચ ટકા સુધર્યા. હવે, છેલ્લા નવ માહિનામાં બજારની પેટર્ન જોઈએ તો બજારમાં ઘટાડો શરૂ થયો તે પહેલાં નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ સપાટાબંધ વધી રહ્યો હતો. નિફ્ટી ડિજિટલ અને ફીનકેપ શેર્સ સપાટાબંધ વધી રહ્યા હતા. નિફ્ટી50 કરતાં મિડકેપ, મિડકેપ કરતાં સ્મોલ કેપ અને સ્મોલકેપ કરતાં માઇક્રોકેપ વધુ સુધારા દર્શાવતાં હતા. આવી પેટર્નને ‘ક્લાસિકલ ડિસ્ટ્રીબ્યુશન’ કહી શકાય. વિતેલા અઠવાડિયે જ્યારે આપણે એ જ પેટર્નનું પુનરાવર્તન જોઈ રહ્યા છીએ, ત્યારે આપણે બજારના આગામી વિષે શું અંદાજ લગાવવો તે આપણે નક્કી કરવાનું!
નિફ્ટી50ના 21,900 ના સ્તરનું ઐતિહાસિક મહત્વ:
ટેકનિકલ પેરમીટર્સના નિષ્ણાતોનું માનીએ તો કોઈક મહત્વનું લેવલ હોય તેમાં +/- બે – અઢી ટકાનું ઉપર-નીચે થવું માન્ય કહેવાય. આ બાબત નજર સમક્ષ રાખીને જોઈએ તો ગયા વર્ષે સળંગ ચાર મહિના નિફ્ટી50 એ 22,900 ના સ્તરની કસોટી કરી હતી. તા. 21 માર્ચ 2024 (21839), તા. 19 એપ્રિલ 2024 (22147 – નીચો ભાવ 21777), તા. 13 મે 2024 (22,104 – નીચો ભાવ 21,821) અને લોકસભા ચૂંટણીના પરિણામનો દિવસ 4 જૂન 2024 (21884). આજે નવ મહિના પછી નિફ્ટી50 આંક ફરી પાછો એ જ સ્તરે આવ્યો છે અને ગયા અઠવાડિયે 21964 ના નીચા સ્તરેથી નિફ્ટી50 આંકમાં સુધારો આવતો જોવા મળ્યો છે, જેમાં નિફ્ટી50 કરતાં અન્ય નાની કંપનીઓના શેર્સમાં વધુ લેવાલી આવતી જોવા મળી છે. ત્યારે પ્રશ્ન એ છે કે શું આ વખતે પણ નિફ્ટી50 પેલાં 21,900 ના ટેકાને માન આપશે કે કેમ?