વસ્ત્રાલ વિસ્તારમાં ગુનેગારો બેફામ બનીને રસ્તા પર ઊતરી આવ્યા હતા. જાણે કોઈને ડર ન હોય તેમ તેઓ હથિયારો લઈને નીકળી પડ્યા અને જે સામે આવ્યા તેને માર માર્યો. દુકાનો, વાહનોમાં તોડફોડની સાથે જે સામે મળ્યા તે બધાને રીતસરના માર્યા. મળતી માહિતી મુજબ જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા ફરતી હતી. તે દરમિયાન એકબીજાની ગેંગના લોકો ના મળતા જે સામે મળ્યા તે બધાને આ લુખ્ખાઓએ માર્યા છે.
શહેરના વસ્ત્રાલ પાસે આવેલા મહાદેવનગર નજીક સાંજે હોલિકાદહન માટે લોકો નીકળ્યા હતા. આ સમયે જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા માટે ફરતી હતી પરંતુ બંનેને એકબીજાના માણસો મળતા ન હતા. એ સમયે આ બધા લોકોનું એક ટોળું મહાદેવનગર નિરાંત ચોકડી તરફ આગળ વધી રહ્યું હતું. તેઓ પોતાની અદાવત હોય તેવા લોકો મળતા ન હોવાથી રસ્તામાં જે પણ આવતા તેમને મારતા હતા.
પથ્થરમારો શરૂ કર્યો અને હથિયારો લઈને ગંદી ગાળો બોલતા જે સામે મળે તેને મારતા હતા. અચાનક વિસ્તારમાં થયેલી અફરાતફરીથી સ્થાનિકો ફ્ફડી ઊઠ્યા હતા અને થોડીવાર તો શું કરવું તેની પણ કંઇ ખબર નહોતી પડતી.
લુખ્ખાઓએ દુકાનોમાં પથ્થરો મારવાના શરૂ કર્યા જેમાં બે-ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે આવીને 10 જેટલા લોકોની અટકાયત કરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.
આ ઘટનામાં 9 અસામાજિક તત્વોને રામોલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમને બરાબરનો મેથીપાક આપવામાં આવ્યો. જાહેર રસ્તા પર જ તેમને પાઠ ભણાવાયો હતો. જેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. જોકે અન્ય તોફાની તત્વોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.