વિરાજ શાહ : નવા વર્ષની સર્વે ‘વેપારી’ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 2025 નું પહેલું અઠવાડિયું અપેક્ષા કરતાં સારું ગયું, નિફ્ટીએ અઠવાડીયાની શરૂઆતમાં જે ઘટાડો બતાવ્યો હતો ત્યાંથી સારી રિકવરી આપી, એક ટકાથી સહેજ ઓછા (0.8%) સાપ્તાહિક સુધારા સાથે બંધ રહી, બેન્કનિફ્ટી અડધા ટકાના સાપ્તાહિક ઘટાડે બંધ રહી છે. સરવાળે 2025 નું પહેલું અઠવાડિયું ‘સારો વેપાર’ કરાવી ગયું.
ગયા અઠવાડિયે આપણે બજારમાં ટ્રેડર, ઈન્વેસ્ટર્સ વિગેરે બનવા કરતાં ‘વેપારી’ બનવાની વાત કરી હતી. હાલના વેપારમાં સ્થિતિ એવી છે કે, સો રૂપિયા કમાવા હોય તો ચાર સો રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો! પાંચ સોદા ખોટાં પડે તોય છઠ્ઠો સોદો કરવાનું માર્જિન પડ્યું હોવું જોઈએ. એટલે ચારસોનો સ્ટોપલોસ રાખી જે વેપાર ગોઠવો તેના માટે સ્ટોપલોસ પેટે રૂ.2400 હાથ પર હોવા જોઈએ. આ રૂ.2400 સ્ટોપલોસ પેટે હાથ પર રાખી, માર્જિનની રકમ અલગ રાખી વેપાર કરો, તો સો રૂપિયા કમાઈ શકાય. ટૂંકમાં રૂ.5000 રોકી રૂ.100 કમાવાનો પ્રયત્ન કરો તો સફળ થાવ. આવી સફળતા માટે પણ તમારે પૂરતું ‘મોક ટ્રેડિંગ’ કર્યું હોવું જોઈએ. યાદ રહે, મોક ટ્રેડિંગમાં તમારા નિર્ણયો ‘ભય’ કે ‘લાલચ’ થી દોરવાયેલા નહિ હોય, પણ જ્યારે ખરેખર સોદો કરશો ત્યારે આ બંને મનોવૈજ્ઞાનિક પરિબળો કામે લાગી ગયા હશે…!
અહી મને મારા એક મિત્ર સાથેની આ અઠવાડીયાની મુલાકાત યાદ આવે છે. મારા એ મિત્ર હાલ મ્યુચ્યુઅલ ફંડ સાથે સંકળાયેલા છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે (સ્વાભાવિકપણે)! ગયા અઠવાડીયાની કૉલમ વાંચીને એમને મારામાં કાઇક રસ જાગ્યો અને મળવા આવ્યા હતા. એમની મૂળ મુદ્દાની વાત એ હતી કે, “કોઈપણ ટ્રેડરે (વેપારીએ) ઘણી બધી ચીજો સાચીરીતે કરવી પડે છે, ઘણીબધી બાબતો પર નજર રાખવી પડે છે, જ્યારે રોકાણકારે એવી પળોજણમાં પાડવાનું નથી હોતું અને બસ, ફંડ મેનેજર્સ પર પોતાની ચિંતાઓ છોડી દેવાની હોય છે.” એમની વાત સો ટકા સાચી છે. પણ, એ રોકાણકાર (ઇન્વેસ્ટર)ની વાત છે, વેપારીની નહીં. વેપારી અને રોકાણકારના વળતરમાં હમેશા ફરક રહેવાનો જ! જેણે ‘વેપાર’નો સ્વાદ ચાખ્યો છે એ આ સુપેરે જાણે છે. જો બજારનો ‘વેપાર’ શીખી નથી શકતા, તો રોકાણકારની મોજ માણવી જ હિતાવહ છે. હા, એ વાત પણ સાચી કે, બજારના ‘વેપાર’માંથી કમાયેલ રકમનું રોકાણ કરવાનો નિર્ણય લેતી વખતે મ્યુચ્યુઅલ ફંડને પણ ધ્યાને લેવાનું.
હવે, ઓપન ઇન્ટરેસ્ટ નિર્ણાયક નથી
મુળ મુદ્દા પર આવીએ તો, અત્યાર સુધી આપણે નિફ્ટી ફ્યુચરનું ઓપન ઇન્ટરેસ્ટ જોઇને ‘વેપાર’ ગોઠવતાં હતા. વેપાર માટે આપણે બજારની સ્થિતિ નજર સમક્ષ રાખતાં. બજારમાં છેલ્લાં ચાર વર્ષથી અઢળક નાણાં ઠલવાઇ રહ્યા છે, મ્યુચ્યુઅલ ફંડ્સ, પેન્શન ફંડ્સ જેવી મોટી સંસ્થાઓ બજારમાં છે. લિક્વિડિટી ધરખમ છે. બજારનું સૌથી મોટું પરિબળ આ જ છે. પણ, સાથે જ હાલ આરબ દેશો, સિંગાપોર, જર્મની, ઇંગ્લેન્ડ જેવાં વિકસિત દેશોના સોવેર્ન ફંડ પણ છે, જે વૈશ્વિક બજારોમાં પોઝીશનો બનાવતાં હોય છે. આ પરિસ્થિતિઓ નજર સમક્ષ રાખી આપણે નિફ્ટી ફ્યુચરનું ચાલુ મહિનામાં ઓપન ઇન્ટરેસ્ટ એક કરોડ દસ લાખ કે તેથી ઓછું હોતું, તો પુટ રાઇટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતાં અને જો આ ઓપન ઇન્ટરેસ્ટ એક કરોડ પાંત્રીસ લાખ કે તેથી વધુ રહેતું તો કોલ રાઇટિંગ વિશે વિચારતા હતા. આમ, સરવાળે પેલું વીસેક લાખનું જે ઓપન ઇન્ટરેસ્ટ હતું તે ઊભું થયું છે કે નહિ તેના આધારે આપણે વેપાર ગોઠવી લેતાં.
પણ ગયા મહિને એક માળખાગત (સ્ટ્રક્ચરલ) બદલાવ આવી ગયો. સેબીએ પી-નોટ આધારિત ડેરિવેટિવ વેપાર પર નિયંત્રણો લાદ્યા. નવા નિયમો મુજબ હવે FPIએ એવાં ખત કે જેમાં અંડરલાઇંગ તરીકે ડેરિવેટિવ હોય, તો તેમણે આખર લાભાર્થી કે ધારક વિશે વિગતો રજૂ કરવાની રહે છે. પાછી આવી સવલત તમામ વિદેશી રોકાણકારો માટે ઉપલબ્ધ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે જે મોટાં રોકાણો એક બજારથી બીજા બજારમાં ફરતાં હોય છે તેમાં ઘણાંખરામાં આખરી લાભાર્થી કે ધારકની વિગતો જાહેર હોતી નથી. આ જ કારણ હતું કે ગયા મહિને નિફ્ટી ફ્યુચરમાં ઓપન ઇન્ટરેસ્ટ એક કરોડ દસ લાખ હોવા છતાં મોટી વધઘટ જોવાઇ. તેનાથી નિષ્કર્ષ એ આવે છે કે, હવે તે ઓપન ઇન્ટરેસ્ટની ગણતરીઓ બદલાઇ છે અને હવે, ઓપન ઇન્ટરેસ્ટ આપણાં વેપાર માટેનું નિર્ણાયક પરિબળ નથી રહ્યું. હાલ આપણે વિદેશી સંસ્થાઓની ડેરિવેટિવ પોઝીશન પર ધ્યાન આપવાનું થાય. જ્યારે આ પોઝીશન તેમની પોઝીશન લઇ શકવાની મર્યાદાના પંદર ટકા જેટલી નીચી હોય, ત્યારે નિફ્ટીમાં સુધારો જોવાય અને જ્યારે આ પોઝીશન પાંસઠ, સિત્તેર ટકે પહોંચે, ત્યારે ઘટાડો જોવાય.
વીતેલા સપ્તાહે આ પોઝીશન પંદર ટકે હતી અને આપણે જોયું કે ગુરૂવારે બજારે કેવો વળાંક લીધો. હજુપણ આ પોઝીશન પંદર ટકા આસપાસ છે. ટૂંકમાં, હાલ ‘વોલેટિલિટી’નો વેપાર કરવાનો છે. વોલેટિલિટી – વધઘટ છે, તો મોકો છે. ટ્રેડર્સ વધઘટે ફસાય અને બજારની ચાલ કળવાની કોશિશ કરે. આપણે આ વધઘટને જ આપણી મિત્ર બનાવી લેવાની છે. બજાર જે દિશામાં રૂખ કરે, આપણે આપણી પોઝીશનો તે મુજબ ગોઠવવાની, બહુ ચિંતા રાખવાની નથી કે નથી બજારની ચાલ વિશે અનુમાનો લગાવવાના!