મુંબઇ
દેશની સરકારી સહિતની બેન્કો અને નોનબેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ દ્વારા અનસ્કિયોર્ડ ધિરાણ મુદ્ે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ચિંતા વ્યકત કરાયા બાદ અને ખાસ કરીને જે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડનું ધિરાણ ડીફોલ્ટ બની રહ્યું છે તે અંગે પણ બહાર આવેલા ચોંકાવનારા આંકડા બાદ રીઝર્વ બેન્કે આ પ્રકારના ધિરાણ પર અંકુશ મુકવા તૈયારી કરી છે અને ખાસ કરીને એક વ્યકિત એકથી વધુ બેન્કો કે નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીમાં પર્સનલ લોન મેળવે છે
તેમજ એકથી વધુ ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરે છે તેની સામે હવે આરબીઆઇએ નવા પગલાની જાહેરાત કરી છે જેથી મલ્ટીપલ પર્સનલ લોન લેવાનું મુશ્કેલ બની જશે. નવા નિયમ મુજબ હવે ધિરાણ લેનારનો જે ક્રેડીટ રેકોર્ડ ચકાસાય છે તેમાં દર મહિને અપડેટ થાય છે તેના બદલે હવે દર પંદર દિવસે અપડેટ થશે જેના કારણે ધિરાણ આપનારને લોનીના ક્રેડિટ રેકોર્ડ અંગે વધુ ઝડપથી માહિતી મળશે. આરબીઆઇએ તા.1 જાન્યુઆરીથી આ ફરજીયાત કરી દીધું છે.
આ ઉપરાંત ધિરાણ લેનાર માસ દરમિયાન જે કાંઇ લોન સહિતના હપ્તા ભરતો હશે તેની માહિતી પણ એક સાથે ઉપલબ્ધ બની જશે અને 40 દિવસ કે વધુના ડીફોલ્ટ પીરીયડ અંગે પણ માહિતી અપડેટ કરાશે જેને કારણે ક્રેડિટ રેકોર્ડ વધુ ચોક્કસ મળશે. હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન સી.એસ. શેટ્ટીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જ્યારે નવો વ્યકિત ધિરાણ લેવા આવે તો તેમાં ક્રેડીટ સિસ્ટમના આધારે તેનો ક્રેડીટ રેકોર્ડ તપાસાય છે પરંતુ તે અપડેટ જ ન હોવાથી તેને કારણે એક જ પ્રકારનું ધિરાણ એકથી વધુ બેન્કો કરે છે
ઉપરાંત લોન લેનાર આ પ્રકારના ધિરાણમાં જે હપ્તાની તારીખ હોય છે તેના વચ્ચે અંતર રાખે છે જેથી ડેટા પુરતા મળતા નથી તેથી હવે 40 દિવસ દરમ્યાન જે હપ્તા ભરશે તેની માહિતી તેને ઉપલબ્ધ થશે. જેના કારણે એકથી વધુ પર્સનલ લોન લેવી મુશ્કેલ બની જશે.