નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2023/24 માટે લેઈટ ફી સાથે આવકવેરા રિટર્ન ભરવાની તારીખ હવે લંબાવાઈ છે. મૂળ શેડયુલ મુજબ તા.31 ડિસેમ્બરની જે અંતિમ તારીખ હતી તે વધારી 15 જાન્યુઆરી કરવામાં આવી છે.
આવકવેરા વિભાગે આ અંગે એક નોટીફીકેશન બહાર પાડયું હતું. 2023/24ના નાણાકીય ખર્ચ જે માર્ચ 2024ના પુરૂ થાય છે તેમાં વ્યક્તિગત કરદાતા માટે તા.31 જુલાઈની રીટર્ન ફાઈલની આખરી તારીખ હોય છે અને 31 ડિસેમ્બર સુધીમાં લેઈટ ફી ભરીને રીટર્ન ફાઈલ થઈ શકે છે.
જે આજે અંતિમ તારીખ હતી. આ ઉપરાંત જેઓએ અગાઉ 31 જુલાઈ સુધીમાં આઈટી રીટર્ન ફાઈલ કર્યા છે. તેઓને રીવાઈઝ રીટર્ન ફાઈલ કરવાની મુદત પણ હવે વધી છે. સીધા કરવેરા બોર્ડ દ્વારા આજે એક જાહેરનામામાં લેઈટ ફી સાથે અથવા રીવાઈઝ (સુધારેલુ) રિટર્ન ફાઈલ કરવાની તારીખ 15 જાન્યુઆરી 2025 સુધી લંબાવાઈ છે.
અગાઉ મુંબઈ હાઈકોર્ટે આવકવેરા ધારાની કલમ 87એ હેઠળ જે કરમુક્તિ મળે છે તે અંગે આવેલા એક ચૂકાદા બાદ કરદાતાને સરળતા રહે તે હેતુથી રિટર્ન ફાઈલ કરવાની મુદતમાં વધારો કરવા આવકવેરા વિભાગને જણાવ્યુ હતું. તા.20 ડિસેમ્બરના આ આદેશ અપાયો હતો.
કરવેરા નિષ્ણાંતએ સ્પષ્ટતા કરી છે કે ફકત કલમ 87એ ના લાભાર્થી જ અહી તમામ કરદાતા જેઓ રિટર્ન ફાઈલ કરવાનુ ચુકી ગયા છે અથવા રીવાઈઝ રિટર્ન ફાઈલ કરવા માંગે છે તેમને પણ આ મુદત વધારાનો લાભ મળશે.