કલકત્તા: આગામી બજેટમાં સરકાર શેરબજારમાં લિસ્ટેડ બોન્ડ પર જે 10 ટકા ટી.ડી.એસ. કાપવાની જોગવાઈ છે તે નાબૂદ કરે તેવી ઉદ્યોગજગતે નાણાં વિભાગને વિનંતી કરી છે.
IndiaBonds.com ના સહસ્થાપક વિશાલ ગોએન્કાએ જણાવ્યુ છે કે, એપ્રિલ 2023 માં લાગૂ કરવામાં આવેલ આ જોગવાઈથી ટેક્સ કોંપલાયન્સ વધ્યું છે, પરંતુ તેનાથી રોકાણકારો, ખાસકરીને સેકન્ડરી માર્કેટમાંથી બોન્ડ ખરીદનાર રોકાણકારો, ના કેશ-મેનેજમેંટ ફ્લો પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. બોન્ડ ખરીદતી વખતે તેના પર લેણાં થયેલ વ્યાજ સહિતની કિંમત ખરીદદારે વેચાણકારને ચૂકવી દીધી હોવા છતાં બોન્ડના આખા કૂપન વેલ્યૂ પર કર-કપાત થાય છે.
આ અતાર્કિક જોગવાઈને કારણે કેશ-ફ્લો મેનેજમેંટને આડઅસર થાય છે અને તેનાથી યીલ્ડ-ટુ-મેચ્યોરિટીની ગણતરીઓમાં પણ ખામીયુક્ત બને છે. બોન્ડની બજારકિંમતની ગણતરી માટે યીલ્ડ-ટુ-મેચ્યોરિટી ખૂબ ચાવીરૂપ પાસું છે. તેમાં આવી ખામી જાણતા સ્થિર-આવક ઇચ્છુક રોકાણકારો પોતાના રોકાણો માટે આ વિકલ્પનો ઉપયોગ કરવાનું ટાળે છે.
આ જોગવાઈને પરિણામે સિનિયર સિટીઝન્સને ખાસ્સી પરેશાની થતી હોવાનું પણ ઉદ્યોગજગતનું માનવું છે. બેશક કોઈપણ રોકાણકાર નમૂનો 15જી અને 15એચ ભરી TDS રિફંડ કે કપાત મેળવી શકે છે. પરંતુ આ સમગ્ર કાર્યવાહી સિનિયર સિટીઝન્સ કે જેઓ ફિક્સ ઇન્કમ વિકલ્પના સૌથી મોટા ખરીદદાર હોય છે તેમના માટે શિરદર્દ બને છે.
હિતધારકોનું માનવું છે કે, TDSની જોગવાઈ નાબૂદ કરવામાં આવે તો બોન્ડની બજારકિમત નિર્ધારણ સરળ બને અને તેનાથી સરકાર સહિત તમામ પક્ષકારોને આખરમાં લાભ જ થવાનો છે.
વધતી ડિજિટલ લિટરસી, ફાઇનાન્સ લિટરસી અને ઇન્ટરનેટની સુગમ્યતાને પગલે ભારતમાં બોન્ડ માર્કેટ ઝડપભેર વિકસી રહ્યું છે. નિયમનકારી માળખું પણ સતત સકારત્મક સુધારા લાવી રહ્યું છે. તેવામાં TDS વાળી જોગવાઈ નાબૂદ કરવામાં આવે તો તમામ હિતધારકો માટે તે લાભદાયી પૂરવાર થાય.