નવી દિલ્હી – ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી) એ મંગળવારે જણાવ્યું હતું કે તેના પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન વર્ટિકલે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા ઓર્ડર મેળવ્યા છે.
એલ એન્ડ ટીના શ્રેણી-વર્ગીકરણ મુજબ રૂ.2,500 કરોડથી રૂ.5,000 કરોડની રેન્જના ઓર્ડરને ‘મોટા ઓર્ડર’ ગણવામાં આવે છે.
લાર્સન એન્ડ ટુબ્રોએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને કરેલ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, કંપનીએ પશ્ચિમ બંગાળમાં એડવાન્સ ડિસ્ટ્રિબ્યુશન મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવાનો ઓર્ડર મેળવ્યો છે.
કંપનીએ સાઉદી અરેબિયામાં એક મુખ્ય સબસ્ટેશન માટે ઓર્ડર મેળવ્યો છે, જે સૌર ઉત્પાદનના વહનને સરળ બનાવવા માટે રચાયેલ છે. વધુમાં, કુવૈતમાં એક મોટા પ્રોજેક્ટમાં, કંપનીએ 400 કેવી સબસ્ટેશન માટેનો કરાર મેળવ્યો છે.
વધુમાં, કંપનીએ દુબઈમાં “એક્સ્ટ્રા-હાઈ વોલ્ટેજ (EHV) સબસ્ટેશનનો સમૂહ સ્થાપિત કરવા માટેના ઓર્ડર મેળવ્યા છે જેમાં 400/132 kV સબસ્ટેશનનો સમાવેશ થાય છે”.
અમીરાત નવા રહેવાસીઓ, કામદારો અને પ્રવાસીઓને આકર્ષવા મોટાપાયે નિર્માણ કાર્યો કરી રહ્યું છે અને તે હાલ આ શ્રેણીના લોકોની પ્રથમ પસંદગી પણ બની રહ્યું છે અને તેથી તે પોતાના પાવર ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલાક સબસ્ટેશન ઉમેરી રહ્યું છે.
લાર્સન એન્ડ ટુબ્રો એ 27 અબજ ડોલરનું ભારતીય બહુરાષ્ટ્રીય સાહસ છે, જે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇ.પી.સી.) પ્રોજેક્ટ્સ, હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ અને સેવાઓમાં તેમજ બહુવિધ ભૌગોલિક વિસ્તારોમાં કાર્યરત છે.