નવી દિલ્હી : નવેમ્બર મહિના દરમિયાન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ રોકાણ માસિક ધોરણે 14 ટકાના ઘટાડા સાથે રૂ. 35943 કરોડ થયું છે, જ્યારે ઓક્ટોબરમાં રોકાણ રૂ. 42887 કરોડ હતું. આ ઘટાડો શેરમાં રોકાણ કરતી સ્કીમ્સમાં નોંધાયો છે.
મંગળવારે જારી કરાયેલાં એમ્ફી ડેટા અનુસાર, નવેમ્બરમાં મોટી કંપનીઓનાં લાર્જ કેપ ફંડ્સમાં રોકાણ 26 ટકા ઘટીને રૂ. 2548 કરોડ થયું છે, જે અગાઉનાં મહિનામાં રૂ.3452 કરોડ હતું. આ સિવાય સેક્ટર-વાર આધારિત ફંડ્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નવેમ્બર મહિનામાં રૂ. 7658 કરોડનું રોકાણ થયું હતું, જ્યારે ઓક્ટોબરમાં આ સેગમેન્ટમાં રૂ. 12279 કરોડ અને સપ્ટેમ્બરમાં રૂ. 13255 કરોડનું રોકાણ થયું હતું.
મિડ અને સ્મોલ કેપ ફંડ્સ ચમક્યાં
જો કે, મિડ કેપ અને સ્મોલ કેપ ફંડ્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. મિડ-કેપ ફંડ મહિના દર મહિને 4.3 ટકા વધીને રૂ. 4883 કરોડ અને સ્મોલ કેપ 9 ટકા વધીને રૂ. 4112 કરોડ થયું છે.
એસઆઇપીમાં રોકાણ ઘટયું
નવેમ્બરમાં એસઆઇપી માધ્યમથી રોકાણ 25319 કરોડ રહ્યું હતું જે ઓક્ટોબરમાં 25323 કરોડથી થોડું ઓછું હતું.
લાર્જ કેપમાં ઘટાડો
લાર્જ કેપમાં રોકાણ કરતાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ 26 ટકા ઘટીને રૂ. 2548 કરોડ થયું છે. જે ઓક્ટોબરમાં રૂ. 3452 કરોડ હતું.
મલ્ટિ-એસેટ ફંડ્સમાં ઘટાડો
નવેમ્બરમાં મલ્ટિ-એસેટ ફંડ્સમાં રોકાણ રૂ. 2443 કરોડ હતું, જે ઓક્ટોબરમાં રૂ. 3796 કરોડ કરતાં ઓછું છે. ડાયનેમિક એસેટ એલોકેશન/બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સમાં નવેમ્બરમાં રૂ. 1569 કરોડ રૂપિયાનું રોકાણ જોવા મળ્યું હતું.
ડેટ ફંડ્સમાં રોકાણ 92 ટકા ઘટ્યું
’નવેમ્બરમાં ડેટ ફંડ્સમાં રોકાણ 92 ટકા ઘટીને રૂ. 12915 કરોડ થયું હતું. ઓક્ટોબરમાં તે 1.57 લાખ કરોડ રૂપિયા હતું. ટૂંકા ગાળાનાં ભંડોળમાં રૂ. 4374 કરોડનું મહત્તમ રોકાણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન અલ્ટ્રા-શોર્ટ-ડ્યુરેશન ફંડમાં રૂ. 1961 કરોડનું રોકાણ થયું હતું. 10 વર્ષનાં નિશ્ચિત કાર્યકાળ સાથે ગિલ્ટ ફંડ્સમાં સૌથી ઓછું રોકાણ રૂ. 274 કરોડ હતું.
આર્બિટ્રેજ ફંડમાં માસિક ધોરણે લગભગ 119 ટકાનો ઘટાડો થયો છે. સૌથી મોટો ઘટાડો ડિવિડન્ડ ગોલ્ડ ફંડ્સમાં જોવા મળ્યો હતો, જે માસિક ધોરણે લગભગ 60 ટકા ઘટ્યો હતો. ફોકસ્ડ ફંડ્સ અને સેક્ટરલ અને થીમેટિક ફંડ્સમાં મહિને દર મહિને રોકાણમાં 38 ટકાનો ઘટાડો થયો હતો. તમામ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં ઈએલએસએસ ફંડમાં મહિના દર મહિને 61 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
રોકાણમાં ઘટાડાનાં કારણો :-
♦ ઑક્ટોબર-નવેમ્બરમાં સ્થાનિક બજારમાં અસ્થિરતા
♦ રોકાણકારો સાવધ બન્યાં અને ઓછું રોકાણ કરતાં થયાં
♦ વૈશ્વિક સ્તરે વિવિધ મોટા આર્થિક પરિબળો
♦ ભૌગોલિક-રાજકીય તણાવને કારણે બજારની વધઘટ
♦ એફડી પર વ્યાજ દરમાં વધારાને કારણે, રોકાણકારોએ સલામત વિકલ્પ પસંદ કર્યો