
સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં ઠરાવ
24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના આક્રમણના ત્રણ વર્ષ પૂરાં થયા. તેવા સમયે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં રશિયાના આક્રમણની ટીકા કરતો ઠરાવ પસાર થવાનો હતો. સહુ પ્રથમ અમેરિકા (યુ.એસ.એ.) એ એક મુસદ્દો તૈયાર કર્યો હતો જેમાં ‘શાંતિ’ માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં રશિયા વિરુદ્ધ કોઈ આલોચના કરવામાં આવી નહોતી. તેથી યુક્રેન સહિત યુરોપીયન દેશોએ તે મુસદ્દો ગ્રાહ્ય રાખ્યો નહિ. ત્યારબાદ યુરોપીયન યુનિયને ‘રશિયાના આક્રમણનો ત્વરિત અંત લાવવા’ માટેનો ઠરાવ રજૂ કર્યો. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં આ ઠરાવની તરફેણમાં 98 સભ્યોએ મત આપ્યો. 8 સભ્યોએ તેની વિરુદ્ધ મત આપ્યો અને 73 સભ્યો મત આપવાથી અળગા રહ્યા. જે 98 સભ્યોએ રશિયા વિરુદ્ધના ઠરાવની તરફેણ કરી તેમાં મોટેભાગે યુરોપીયન દેશો હતા. ભારત અને ચીન જેવાં 73 દેશો મત આપવાથી અળગા રહ્યા. જે 8 દેશોએ રશિયા વિરુદ્ધના ઠરાવને પસાર થતાં અટકાવવા મત આપ્યો તેમાં રશિયાની સાથે યુ.એસ. જોડાયું, જે સૌથી મોટો વળાંક કહી શકાય. આ આખો મામલો ઊંધા માથે પટકાયા જેવો થઈ ગયો.

સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા અને સલામતી સમિતિ :
અહી નોંધવું રહ્યું કે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં તમામ સભ્ય દેશોનો સમાવેશ થાય છે. પરંતુ લશ્કરી બળપ્રયોગ જેવાં પગલાં અંગે નિર્ણય લેનાર સલામતી સમિતિમાં 5 સ્થાયી સભ્યો (અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાંસ અને ચીન) અને 10 અસ્થાયી સભ્યો હોય છે. ઉપરોક્ત પાંચ સ્થાયી સભ્યોમાંથી કોઈપણ સભ્ય પોતાની વિટો સત્તાનો પ્રયોગ કરી કોઈપણ નિર્ણયની વિરુદ્ધ ‘મત’ આપે તો તે નિર્ણય સંયુક્ત રાષ્ટ્રો લઈ શકતાં નથી. આમ, સંયુક્ત રાષ્ટ્રો જે કોઈ મિલીટરી પગલાં લઈ શકે છે તેના પર પેલી પાંચ ‘વિટો સત્તાઓ’નો એકાધિકાર છે. યુક્રેન પરના આક્રમણ સામે રશિયા વિરુદ્ધ લેવાતાં દરેક નિર્ણયો, રશિયાની વિટો સત્તાને કારણે, સલામતી સમિતિમાંથી પસાર થઈ શકતાં નથી. આથી સંયુક્ત રાષ્ટ્રો રશિયા સામે મિલીટરી પગલાં લઈ શકતું નથી.
શું છે NATO

બીજા વિશ્વ યુદ્ધ વખતે જે રશિયા હતું તે ‘યુનિયન ઓફ સોવિયેટ સોશિયાલિસ્ટ રિપબ્લિક’ નામનો સમાજવાદી પ્રજાસત્તાક રાજ્યોનો સંઘ હતો. તેમાં સામ્યવાદી વ્યવસ્થા હતી અને દેશની તમામ મિલકતો દેશની માલિકીની હતી. કોઈ ખાનગી માલિકી હક નહોતો. તે સમયે સોવિયેટ સંઘ પોતાની આસપાસના દેશોને લશ્કરી પગલાં થકી પોતાનામાં ભેળવી દેતું. આવા જ એક લશ્કરી પગલાં તરીકે સોવિયેટે ડિસેમ્બર 1979 માં અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું. તે સમયે સોવિયેટ સંઘ સંયુક્ત રાજ્યો અમેરિકા (યુ.એસ.)નો કટ્ટર પ્રતિદ્વંદી હતું. સોવિયેટ સંઘનો પ્રભાવ પૂર્વ યુરોપના દેશો, બેલારુસ, યુક્રેન, ચેકોસ્લોવેકિયા ઈત્યાદી પર પ્રસરી ચૂક્યો હતો. સોવિયેટ સંઘ અને તેનાં પગલે સામ્યવાદને પ્રસરતો અટકાવવા માટે યુરોપીયન દેશો અને યુ.એસ., કેનેડા ભેગાં થયા અને NATO (નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન)ની સ્થાપના કરી. NATO નો નિયમ એ હતો કે તેનાં કોઈપણ સભ્ય પરના આક્રમણને તમામ NATO સભ્યો પરનું આક્રમણ માનવાનું અને તમામ સભ્ય દેશોએ સાથે મળી આક્રાંતા સામે લડવાનું. તેની સામે પૉલેન્ડના વોરશૉમાં સોવિયેટ તરફી દેશોએ ભેગાં મળી વોરશૉ પેક્ટ ઘડ્યો હતો. પરંતુ, સોવિયેટ સંઘ 1991 માં પડી ભાંગ્યો અને મીખાઈલ ગોર્બોચોવની સરકાર દરમ્યાન તેનું વિઘટન થયું, જેમાંથી કિર્ગિઝસ્તાન, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન (તુર્કી સિવાયનો અન્ય એક દેશ) જેવાં પંદર દેશોનું સર્જન થયું હતું.
શું છે રશિયા – યુક્રેન મામલો :
હાલનું પુટીન શાસન અગાઉ સોવિયેટ સંઘનો ભાગ રહેલાં દેશોને પોતાનાં રાજ્યો પરત મેળવવાના હોય તેવા વલણ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાનો પ્રભાવ જમાવી રહ્યું છે. દાખલા તરીકે યુક્રેનની ઉત્તરે આવેલ બેલારુસના એલેક્ઝેંડર લ્યુકાશેન્કો જાહેરમાં જ પોતાનું રશિયા તરફી વલણ સ્પષ્ટ કરે છે અને તેઓ બેલારુસના સરમુખત્યાર બની બેઠાં છે. તેમનો વિરોધ કરનારા નાગરિકો પર દમન કરવામાં આવી રહ્યું હોવાના આરોપ લાગતાં રહે છે. પાંચેક વર્ષ પહેલાં બેલારુસમાં સ્ત્રીઓએ જબ્બર આંદોલન કર્યું હતું. ત્યારબાદ, ત્યાંથી સમાચાર આવવા બંધ થઈ ગયા. 2014 માં રશિયાએ યુક્રેનનો એક ભાગ એવા ક્રિમિયા પર આક્રમણ કર્યું અને તેને રશિયામાં ભેળવી દીધું. તેવા સમયે સમગ્ર વિશ્વ મૂકપ્રેક્ષક બની જોતું રહ્યું. ત્યારપછીના પાંચ-છ વર્ષમાં રશિયાએ ક્રિમિયામાં પોતાનો મજબૂત પગદંડો જમાવી લીધો. (રશિયા એટલે કે પુટીને પગદંડો જમાવી દીધો. પગદંડો એટલે એવો દંડો કે આજે રશિયામાં ચૂંટણી થાય છે ત્યારે 99% વોટ પુટીનની તરફેણમાં પડે છે. 1% વોટ એટલા માટે કદાચ તરફેણમાં નથી આવતાં કે જ્યારે દોષનો ટોપલો કોઈક પર ઢોળવો હોય તો પ્રજાને કોઈક આભાસી શત્રુ તો બતાવવા પડે ને!)
આ તરફ યુક્રેનને સતત લાગતું રહ્યું કે રશિયા ગમે ત્યારે આખા યુક્રેનને તેના શાસન હેઠળ લાવી દેશે. એટલે તેણે પેલાં NATO માં સભ્ય બનવા પ્રયત્નો શરૂ કર્યા. રશિયાએ તેને જ બહાનું બનાવી લીધું કે યુક્રેનના માર્ગે પશ્ચિમી દેશો અને અમેરિકા તેનાં ક્ષેત્રમાં ઘુસણખોરી કરી રહ્યા છે અને પ્રભાવ જમાવી રહ્યા છે. આ કારણસર રશિયાએ 24 ફેબ્રુઆરી 2022 ના રોજ યુક્રેન પર આક્રમણ કર્યું. રશિયા તેને ‘આક્રમણ’ નથી કહેતું. તે એને ‘સૈનિક કાર્યવાહી’ કહે છે. ફેબ્રુઆરીમાં આ સૈનિક કાર્યવાહીના પાંચ મહિના પહેલાં, ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા કબ્જે કરી હતી. તે વખતે અફઘાનિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ઘની ગુપચુપ દેશ છોડી ભાગી ગયા હતા. તેથી પુટીનને કાઈક એવું સૂઝયું કે તેમણે જાહેરાત કરી કે જો યુક્રેનના તત્કાલીન રાષ્ટ્રપતિ વોલોદાયમિર ઝેલેંસ્કીને દેશ છોડીને જવું હોય તો રશિયા તેમને ‘સેફ પેસેજ’ આપશે. વોલોદાયમિર ઝેલેંસ્કી રાજનીતિમાં આવ્યા પહેલાં અભિનેતા હતા અને તેઓ એક મધ્યમ સ્તરના કોમેડિયન હતા. એક તરફ રશિયાની લશ્કરી તાલીમ મેળવેલ અને કે.જી.બી. જેવી જાસૂસી સંસ્થામાં કામ કરી ચૂકેલ, જૂડો – કુસ્તીમાં ચુસ્ત પહેલવાનોને ધૂળ ચટાવી દેનાર પુટીન અને બીજી તરફ ક્યાં આ ‘કોમેડિયન’! પણ, ઝેલેંસ્કી લશ્કરી પોશાકમાં સામે આવ્યા અને જાહેરાત કરી કે હું જીવીશ કે મરીશ મારા દેશમાં! ત્યાંથી યુક્રેનના યુવાનો મરણિયા બન્યા અને રશિયા જેવી મહાસત્તા સામે શિંગડા ભરાવી દીધા. અલબત્ત, યુક્રેનની હાલત કફોડી બની ગઈ. આજે યુક્રેનનો વીસ ટકા જેટલો હિસ્સો રશિયાના કબ્જા હેઠળ છે. રશિયાની સરહદની નજીકના શહેરો – કસબાઓમાંથી લોકોએ પોતાના પરિવારની સ્ત્રીઓ અને બાળકોને યુરોપના અન્ય દેશો કે દુબઈ, ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં મોકલી દીધા છે. આ સ્ત્રીઓ અને બાળકો પોતાના ઘરબાર છોડીને અન્ય દેશોમાં પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. જ્યારે પુરુષો શસ્ત્રો ઉપાડી રશિયન સેનાનો સામનો કરી રહ્યા છે.
અત્યાર સુધી આ યુદ્ધમાં વિશ્વના અન્ય દેશોની ભૂમિકા
રશિયાના આક્રમણને પશ્ચિમી દેશોએ વખોડયું. અમેરિકાએ ક્રિમિયા પરના હુમલા બાદ રશિયા પર લગાવેલ પ્રતિબંધો વધુ આકરાં કર્યા. યુરોપીયન દેશોએ અમેરિકાને ટેકો આપ્યો અને રશિયાની આવકનો મુખ્ય સ્ત્રોત એવાં તેના ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ લેવાના બંધ કરી દીધા. રશિયન ઓઇલ-ગેસનો પૂરવઠો બંધ થતાં આજે જર્મની, ફ્રાંસ, ઈટાલી જેવાં દેશો ઊર્જા કટોકટીની સ્થિતિમાં આવી ગયા છે. આ ઊર્જા કટોકટીને પગલે ડિસેમ્બર થી અત્યાર સુધીમાં ફ્રાંસ અને જર્મનીમાં સરકારો ઊથલાઇ ગઈ. બીજી તરફ રશિયા પોતાનું ક્રૂડ અને નેચરલ ગેસ યુરોપ – અમેરિકામાં વેચી શકતું ન હોઇ, કેટલાક દેશોના વડાઓએ તેમનાં ઓલિગાર્કો (ખાસ ઉદ્યોગપતિઓ)ને છદ્મ (શેલ) કંપનીઓ મારફત ક્રૂડ અને નેચરલ ગેસ ખરીદવાની ગોઠવણ કરી આપી. યાદ રહે કે ક્રિમિયા પરના આક્રમણ બાદ યુ.એસ.ના પ્રતિબંધો પછી આવી ગોઠવણ છેક 2015 થી ચાલી રહી હતી. તેવામાં પ્રતિબંધો આકરાં બનતા પેલો લાભનો લાડવો વધુ મોટો થયો. આવાં ઓલિગાર્કોએ (ખાસ ઉદ્યોગપતિઓએ) સસ્તાં રશિયન ઓઇલથી, ખાસકરીને છેલ્લાં ત્રણ વર્ષોમાં, ધિકતી કમાણી કરી. પ્રજાને કોઈ લાભ નથી થયો. તેમને હિસ્સે તો મોંઘા પેટ્રોલ-ડીઝલ-ગેસ જ આવ્યા છે. ગયા વર્ષે જ્યારે યુક્રેને અચાનક છેક રશિયાની રાજધાની મોસ્કો સુધી મિસાઇલ હુમલા કર્યા અને રશિયાના એક નાનકડાં પ્રદેશ પર કબ્જો જમાવી લીધો, ત્યારે આવાં દેશોના કેટલાક વડાઓ યુક્રેન દોડી ગયા હતા. ત્યારે ઝેલેંસ્કીએ તેમને રોકડું પરખાવ્યું હતું કે “કેમ છેક હવે યાદ આવી?” કેમ કે, તે નેતાઓ કોઈ ‘શાંતિ’ માટે નહોતા દોડ્યા આવ્યા. તેઓ તો તેમનાં ઓલિગાર્કોના રશિયન ઓઇલના હિતો ઠીકઠાક છે કે કેમ તે ખાતરી કરવા આવ્યા હતા. બીજી તરફ ફ્રાંસ, જર્મની, યુ.કે. જેવાં યુરોપીયન દેશો તેમજ અમેરિકા યુક્રેનને સતત હથિયારો અને આર્થિક મદદ પહોંચાડતા રહ્યા.
ટ્રમ્પનું આગમન અને 360 ડિગ્રીનો વળાંક

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે, અમેરિકાએ યુક્રેન જે મદદ કરી છે, તે બદલ યુક્રેને અમેરિકાને તેના ત્યાંથી ખનીજોનું ખનન કરવાના અધિકારો આપવા જોઈએ. યાદ રહે કે, યુક્રેન ખનીજોથી સમૃદ્ધ પ્રદેશ છે. તેની પાસે આધુનિક ઈલેક્ટ્રોનિક ઉપકરણો, બેટરી ઈત્યાદીમાં ઉપયોગમાં લેવાતાં દુર્લભ ખનીજોના ભંડારો હોવાનું કહેવાય છે. ટ્રમ્પે જેમને સરકારની કામગીરી પર નજર રાખવા માટેનું નવું બનાવેલું મંત્રાલય સોંપ્યું છે તે ઉદ્યોગપતિ ઇલોન મસ્કને આવાં ખનીજોમાં ખૂબ રસ છે. ‘મસ્ક’ ને જોઈએ એટલે ‘ટ્રમ્પ’ને જોઈએ અને “ટ્રમ્પ કો માંગતા યાને અમેરિકા કો માંગતા” એવો ઘાટ ઘડાયો છે. ઝેલેંસ્કીએ સામે જવાબ આપ્યો કે ટ્રમ્પ જેટલા મૂલ્યની સહાય આપ્યાનું કહી રહ્યા છે તે અતિશયોક્તિપૂર્ણ છે અને હકીકતમાં તેઓ જે આંકડા કહી રહ્યા છે તેનાથી અડધાથી પણ ઓછી સહાય મળી છે. તેના જવાબમાં ટ્રમ્પે ઝેલેંસ્કીને ‘તાનાશાહ’ કહી દીધા અને જાહેર કર્યું કે માત્ર ચાર ટકા યુક્રેનના લોકો જ તેમનું સમર્થન કરી રહ્યા છે. તેમણે હાલના યુદ્ધ માટે યુક્રેન અને ઝેલેંસ્કી જવાબદાર હોવાનું જાહેર કરી દીધું.
ડોનાલ્ડ ટ્રમ્પ હાલ જે કરી રહ્યા છે, તે અદ્વિતીય છે. તે એટલું બધુ અજોડ છે કે પાંચસો-સાતસો વર્ષના માનવજગતના ઇતિહાસમાં એનો જોટો મળવો મુશ્કેલ છે. પોતાનો એક પ્રદેશ ગુમાવી ચૂકેલું યુક્રેન જ્યારે એમ વિચારે કે હવે તેનાં પર મોટું આક્રમણ થઈ શકે તેમ છે અને તે અમેરિકાની પહેલથી બનેલ NATO માં જોડાવા આવે, NATO ના સભ્ય દેશો તેને સારો પ્રતિસાદ આપે અને તેવામાં, જેનો ભય હતો તે, આક્રમણ ખરેખર થાય, અને જ્યારે તેનાં વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં ઠરાવ પસાર થાય, ત્યારે અમેરિકા જ આક્રાંતાના ખોળામાં જઇને બેસી જાય, ત્યારે તે ઘટનાને કયા ચશ્માથી જોવી?