મુંબઈઃ પૂર્વ મહિલા નગરસેવકને વોટસએપ પર ‘યુ આર લુકીંગ વેરી સ્માર્ટ, આઈ લાઈક યુ અને યુ આર વેરી ફેર’જેવા વાંધાજનક મેસેજ મોકલનાર શખ્સને જેલની હવા ખાવી પડી છે.
મુંબઈની દિંડોશી સેશન કોર્ટે મેસેજના આ કથિત શબ્દોને મહિલાઓની ગરિમાનું અપમાન કરનાર માન્યા છે. સાથે જ કહ્યું કે આવા શબ્દો અપરાધની શ્રેણીમાં આવશે. કોર્ટે મામલા સાથે જોડાયેલ શખ્સની 3 મહિનાની કેદને કાયમ રાખીને આ નિર્ણય આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બોરીવલી મેજીસ્ટ્રેટે વર્ષ 2022 માં શખ્સને આ સજા સંભળાવી હતી. સજા સામે શખ્સે સેશન કોર્ટમાં અપીલ કરી હતી. એડીશ્નલ જજ ડી જે ઢોવલેને શખ્સની અપીલને ફગાવી જજના ફેસલાને યથાવત રાખ્યો છે.
મામલામાં જજે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે કોઈ મહિલા શખ્સને ખોટા કેસમાં ફસાવીને પોતાની ગરિમા દાવ ન લગાવે. આ કેસમાં મેસેજથી મહિલાને પરેશાની, શરમજનક સ્થિતિનો સામનો કરવો પડયો હતો.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2016 માં મહિલા નગર સેવકનાં વોર્ડમાં પૂજા કરી હતી. તે દિવસે શખ્સે રાત્રે 11-30 વાગ્યે મહિલાના વોટસએપ પર મોટી સંખ્યામાં અશ્લીલ સંદેશ અને ફોટો મોકલ્યા હતા.