ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે એક મિલકત તોડી પાડવા બદલ કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી હતી. સંબંધિત મામલો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પેન્ડિંગ હતો તેમ છતાં આ પગલું ભરવામાં આવ્યા બાદ હાઇકોર્ટે કડક કાર્યવાહી શરૂ કરી હતી.
એટલું જ નહીં હાઈકોર્ટે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર અને નગરપાલિકાને ચાર અઠવાડિયાના સમયગાળામાં હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં જમા કરાવવા માટે પ્રત્યેક રૂ.50000નો દંડ પણ લાદ્યો છે.
હાઈકોર્ટે ખોટી એફિડેવિટ દાખલ કરવા બદલ ડેપ્યુટી કલેક્ટર પાસે પણ ખુલાસો માંગ્યો હતો. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, અધિકારીઓ દ્વારા અદાલતી કાર્યવાહીની ઉપરવટ જઈને કોર્ટનો અનાદર કરવામાં આવ્યો હતો. કારણ કે મામલો નિર્ણય માટે પેન્ડિંગ હતો. HC એ ફાઇલને સુરક્ષિત કસ્ટડીમાં રાખવાનો આદેશ પણ આપ્યો છે. કેસની સુનાવણી 18 ડિસેમ્બરે મુલતવી રાખવામાં આવી હતી.
કેસની વિગતો મુજબ, હાલોલ નગરપાલિકાના સત્તાવાળાઓએ કબજેદારો દ્વારા કથિત રીતે અતિક્રમણ કરાયેલા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટે નોટિસ પાઠવી હતી. સ્પેશિયલ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ (SSRD) દ્વારા સ્ટે આપવાનો ઈન્કાર કર્યા બાદ કબજેદારોએ બાંધકામ તોડી પાડવાની કાર્યવાહીની નોટિસ સામે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતાં.
HCએ 18 નવેમ્બરે વધુ સુનાવણી રાખી હતી. જો કે, સુનાવણી થાય તે પહેલા 11 નવેમ્બરે હાલોલ નગરપાલિકા મિલકત તોડી નાખી હતી. આ બાબતે અરજદારો દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.
અરજી સાંભળ્યા બાદ હાઈકોર્ટે ચીફ ઓફિસરને સમન્સ પાઠવ્યા હતા અને હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ તે માટે નોટિસ પાઠવી હતી. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે મ્યુનિસિપાલિટી દ્વારા ખોટી ઉતાવળ કરીને મનસ્વી રીતે આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.
જે અદાલતના તિરસ્કાર સમાન છે. ચીફ ઓફિસર કોર્ટમાં હાજર થયા અને પોતાનો જવાબ દાખલ કર્યો. જો કે, હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે અધિકારીએ તેની કાર્યવાહીને ઓવરરીચ કરી અને તેની સામે અદાલતનાં તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી હતી.