
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગુરુવારે જણાવ્યું હતું કે શહેરના વેપારીઓ અને વ્યવસાયિકોએ અપૂરતી માળખાગત સુવિધાઓ, અસ્વચ્છતા અને વિકાસના અભાવ પર હતાશા વ્યક્ત કરી છે, અને ઉમેર્યું હતું કે તેઓ અગાઉની સરકારના ગેરવહીવટ અને અવ્યવહારુ નીતિઓથી પરેશાન છે. આગામી દિલ્હી બજેટ 2025-26 સંબંધિત એક કાર્યક્રમ દરમિયાન બોલતા, ગુપ્તાએ કહ્યું કે તેમની સરકારને વેપારીઓ અને ઉદ્યોગસાહસીઓ તરફથી સૂચનો મળ્યા છે અને તેમને નક્કર કાર્યવાહીની ખાતરી આપી છે.
“વર્ષોથી, વેપારીઓ અને ઉદ્યમીઓ અવ્યવહારુ નીતિઓ, અમલદારશાહી અવરોધો અને અગાઉની સરકારની બેદરકારીને કારણે પીડાઈ રહ્યા છે. કોઈ વાસ્તવિક વિકાસ થયો નથી – રસ્તાઓ અને ડ્રેનેજ સિસ્ટમ ખરાબ સ્થિતિમાં છે, અને મુખ્ય બજારોમાં શૌચાલય જેવી મૂળભૂત નાગરિક સુવિધાઓનો પણ અભાવ છે,” તેણીએ પત્રકારોને જણાવ્યું. તેણીએ ચાંદની ચોક, કરોલ બાગ અને લાજપત નગર જેવા નાના અને મોટા વાણિજ્યિક કેન્દ્રો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો, જે અપૂરતી ગટર વ્યવસ્થા, ખરાબ રસ્તાની સ્થિતિ અને માળખાગત સુવિધાઓની એકંદર ઉપેક્ષાથી પીડાઈ રહ્યા છે.
અગાઉની આપ સરકારની ટીકા કરતા ગુપ્તાએ કહ્યું કે તેણે “ફક્ત રોદણાં રોવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ અમે ઉકેલો શોધવા અને રાહત પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. આગામી બજેટમાં વેપારીઓને ટેકો આપવા અને રાજધાનીમાં આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા માટે માળખાગત વિકાસ, સ્વચ્છતા અને વ્યવસાય-મૈત્રીપૂર્ણ નીતિઓને પ્રાથમિકતા આપવામાં આવશે,” તેણીએ કહ્યું.