નવી દિલ્હી – સરકારે પ્રમાણિત ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસ માટે એક પ્રક્રિયા નિર્ધારિત કરી છે, જેમાં જાહેર કરવામાં આવેલ સૂચના અનુસાર આવા શિપમેન્ટ માટે નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન (એન.પી.ઓ.પી.) હેઠળ ફરજિયાત પ્રમાણપત્રની જરૂરી રહે છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક જાહેર સૂચનામાં જણાવ્યું હતું કે વાણિજ્ય વિભાગના NPOP હેઠળ આવી વસ્તુઓ માટે રાષ્ટ્રીય માન્ય સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર જે તે સંસ્થા દ્વારા જારી કરાયેલ વ્યવહાર પ્રમાણપત્ર (TC) સાથે જ ઉત્પાદનને “ઓર્ગેનિક પ્રોડક્ટ” તરીકે નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.
ભારતે 2030 સુધીમાં ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદનો માટે 2 અબજ અમેરિકી ડોલરની નિકાસનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. ઉક્ત અધિસૂચનામાં ઉમેરવામાં આવ્યું હતું કે આ ચીજવસ્તુઓની નિકાસ માત્ર ત્યારે જ પ્રમાણિત કરવામાં આવશે જ્યારે એન.પી.ઓ.પી. માં નિર્ધારિત ધોરણો અનુસાર ઉત્પાદન, પ્રક્રિયા, પેકેજિંગ અને લેબલ કરવામાં આવેલ હોય. પ્રમાણિત ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસ માટેની પ્રક્રિયાને સૂચિતબદ્ધ કરવામાં આવી છે.
એન.પી.ઓ.પી. ની સુધારેલી આવૃત્તિ 5 જાન્યુઆરીથી 180 દિવસ પછી અમલમાં આવશે. વાણિજ્ય મંત્રાલયની શાખા એ.પી.ઇ.ડી.એ. (એગ્રિકલ્ચરલ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી) એ એન.પી.ઓ.પી. ના નિયમોમાં સુધારો કર્યો છે જેથી તેને વધુ ફાર્મર-ફ્રેન્ડલી બનાવી શકાય અને ભારતને ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદનોની નિકાસને આગળ વધારવામાં મદદરૂપ થાય.
નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન (એન.પી.ઓ.પી.) ઓર્ગેનિક ઉત્પાદન માટે ધોરણો અને પ્રમાણપત્ર સંસ્થાઓની માન્યતા માટેની પ્રક્રિયા અંગે જોગવાઇ કરે છે. જૈવિક ઉત્પાદનોની આયાત અને નિકાસને નિયંત્રિત કરતા અન્ય આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુમેળમાં માપદંડો અને પ્રક્રિયાઓ ઘડવામાં આવી છે.
ચાલુ નાણાકીય વર્ષમાં માત્ર એપ્રિલ-નવેમ્બર દરમિયાન આ નિકાસ લગભગ 40 ટકા વધીને 45.6 કરોડ ડોલર થઈ હતી. જ્યારે સમગ્ર નાણાંવર્ષ 2023-24 માં તે 49.5 કરોડ ડોલર રહી હતી.
વૈશ્વિક બજારોમાં ભારતીય ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે એ.પી.ઇ.ડી.એ. જર્મનીના ન્યુરેમબર્ગમાં સૌથી મોટો ઓર્ગેનિક ખાદ્ય વેપાર મેળો ‘બાયોફેક’ માં સંખ્યાબંધ કંપનીઓ ભાગ લઇ શકે તે સબબ કામ કરી રહ્યા છે. ચાર દિવસીય મેળો 11 ફેબ્રુઆરીથી શરૂ થશે.
દેશની ઓર્ગેનિક ખાદ્ય પદાર્થોની નિકાસ સ્થિર ગતિએ વધી છે અને છેલ્લા એક દાયકામાં ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસ વર્ષ 2012-13માં 21.3 કરોડ ડોલરથી વધીને 494.80 કરોડ ડોલર થઈ છે. મુખ્ય નિકાસ સ્થળોમાં યુ.એસ.એ., યુરોપિયન યુનિયન, કેનેડા, યુ.કે., સ્વિટ્ઝર્લૅન્ડ, ઓસ્ટ્રેલિયા, મધ્ય પૂર્વ અને એશિયન દેશોનો સમાવેશ થાય છે. મુખ્ય નિકાસ વસ્તુઓ અનાજ અને બાજરી, પ્રોસેસ્ડ ફૂડ, ચા, મસાલા, સૂકા મેવા, ખાંડ, ઔષધીય વનસ્પતિ ઉત્પાદનો, કઠોળ, કોફી, ઓઇલ કેક/ખાદ્ય પદાર્થો અને તેલીબિયાં છે.