નવી દીલ્હી (PTI): એ.આઇ. એનેબલ્ડ સ્ટોરેજ ચીપસેટ્સના ભારતમાં ઉત્પાદન માટે માઇક્રોમેક્સ અને ફીશને મી.ફી.ના નામે એક જોઇન્ટ વેન્ચર ઊભું કર્યું છે, જેનું લક્ષ્ય વિદેશી ટેકનોલોજી પરની નિર્ભરતા ઘટાડવાનુમ અને સ્વદેશી નોકરીઓનું સર્જન કરવાનો છે.
માઇક્રોમેક્સ આજે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં પ્રચલિત બ્રાન્ડ બની ગઇ છે. જ્યારે ફીશન તાઇવાન સ્થિત નામાંકિત સ્ટોરેજ ચીપ ઉત્પાદક કંપની છે. આ બંને કંપનીઓએ એક સંયુક્ત સાહસ રચ્યું છે જે આર્ટિફીશીયલ ઇન્ટેલિજન્સ આધારિત સ્ટોરેજ ચીપસેટ્સના મોડ્યુલ્સ ભારતમાં નિર્માણ કરશે.
માઇક્રોમેક્સ ઇન્ફોર્મેટિક્સના સહ-સંસ્થાપક રાહુલ શર્માએ સમાચાર એજન્સી પી.ટી.આઇ. ને જણાવ્યું છે કે, કંપનીએ તેનાં નોયડા સ્થિત એકમમાં ઉત્પાદન શરૂ કરી દીધું છે.
એન.એ.એન.ડી. કંટ્રોલર અને એન.એ.એન.ડી. ટેકનોલોજીમાં ફીશન વૈશ્વિક સ્તરે નામાંકિત ઉત્પાદક છે. તેની સાથેના આ સંયુક્ત સાહસમાં ફીશનનો હિસ્સો ૪૫ ટકા અને માઇક્રોમેક્સનો હિસ્સો ૫૫ ટકા રહેશે.
એન.એ.એન.ડી. ટેકનોલોજી ફ્લેશ મેમરી માટેની ટેકનોલોજી છે. હાર્ડ ડિસ્ક જેવાં ડિવાસીસ નોન-વોલેટાઇલ મેમરીનો ઉપયોગ કરે છે. પરંતુ ડિજીટલ કેમેરા, મોબાઇલ હેન્ડસેટ જેવાં ડિવાઇસ માટે ફ્લેશ મેમરી વધુ કારગર સાબિત થાય છે. તેનાથી ચીપની ક્ષમતા વધે છે. કંપનીએ આપેલ જાણકારી મુજબ કંપનીનું ફોકસ સર્વર્સ માટેના ચીપસેટસ બનાવવા પર રહેશે. આધુનિક યુગમાં સર્વર કોઇપણ દેશની સુરક્ષા તેમજ વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે.
મેડ ઇન ઇન્ડિયા ચીપસેટસ અને હાર્ડવેરનો ઉપયોગ કરી આ સંયુક્ત સાહસ જી.પી.યુ઼.ની પડતર ૯૦ ટકા જેટલી ઘટાડવાનો લક્ષ્યાંક રાખી રહ્યું છે, જે થતાં વિશ્વમાં સૌથી નીચી પડતર આ સંયુક્ત સાહસની રહેશે, જે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સમાં સમગ્ર વિશ્વના સમીકરણોમાં બદલાવ લાવી શકે છે. કંપનીએ આપેલ જાણકારી મુજબ કેટલાંક અગ્રણી ઓર્ગેનાઇઝેશન્સ સાથેના ટ્રાયલ આ મહિને પૂરા થવાના છે અને કોમર્શિયલ શીપમેન્ટ ૨૦૨૫ ના પ્રથમ ત્રિમાસિકથી શરૂ થશે.
સ્ટોરેજ સોલ્યુશન્સ ક્ષેત્રમાં ગણી-ગાંઠ્યી કંપનીઓ જ કાર્યરત છે. ભારત જેવા દેશ કે જ્યાં એકપણ સ્થાનિક કંપની આ ક્ષેત્રમાં નથી ત્યાં આ પગલું ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે.
આ સંયુક્ત સાહસ વિદેશી ટેકનોલોજી પરની નિર્ભરતા ઘટાડશે અને આપણી પાસે આપણી પોતાની ટેકનોલોજી અને ડિઝાઇન ઉપલબ્ધ બનશે. કંપનીએ જાણકારી આપી છે કે, તે આ ક્ષેત્રમાં ફ્રેશર્સની નિયુક્તિ કરી તેમને તાલીમબદ્ધ કરશે.
કંપની વતી શ્રી શર્માએ જણાવ્યું છે કે, “સૌ પહેલાં ભારત માટે ડિઝાઇનિંગ અને પછી વિશ્વ માટે” એ અમારો ખ્યાલ છે. કંપની બે વર્ષમાં પ્રથમ ડિઝાઇન બજારમાં લાવવાની અપેક્ષા રાખી રહી છે. કંપનીએ ૧૦૦૦ ઇજનેરો આવતાં ત્રણ વર્ષમાં તૈયાર થવાની આશા વ્યક્ત કરી છે. હાલના ઉત્પાદકો પાસેથી વેફર્સ મેળવી, તેનો ઉપયોગ કરી સ્ટોરેજ મોડ્યુલ્સ બનાવવાનો કંપનીનો પ્લાન છે.
ઓટોમોબાઇલ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, મોબાઇલ ડિવાઇસીસ, ડેટા સેન્ટર્સ, આઇ.ટી. હબ્સ, કન્ઝ્યુમર ડિવાઇસીસ માટે કંપની ભારતભરમાં સેલ્સ સ્ટાફની નિયુક્તિ કરશે.