નવી દિલ્હી – ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (આઇ.પી.એ.) ના પ્રમુખ અને ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સમીર મહેતાએ જણાવ્યું હતું કે, ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ 2030 સુધીમાં તેના કદને બમણું કરીને $1 અબજ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખી રહ્યો છે કારણ કે તે વિશ્વની આરોગ્ય-સંભાળ સંરક્ષક બનવા માટે નવીનીકરણ પર સવાર થવા થનગની રહ્યો છે.
છેલ્લા 25 વર્ષોમાં, ભારતીય દવા ઉદ્યોગ લગભગ 20 ગણો વધ્યો છે-બજારનું કદ $58 બિલિયન છે, જે 1999-2000 માં માત્ર $3 બિલિયન હતું, સાથે જ આજે સ્થાનિક વેચાણ અને નિકાસ લગભગ એકસરખા બન્યા છે. આ ક્ષેત્ર ભારતના વિદેશ વેપારમાં જમા બાજુ આવતાં ટોચના પાંચ ક્ષેત્રોમાંનું એક છે, જે 1999-2000 માં માત્ર 1 અબજ યુએસ ડોલર હતું તે વધીને 19.5 અબજ યુએસ ડોલર થયું છે.
“ભારતીય ફાર્માની સફર એ વાતનો પુરાવો છે કે કેવી રીતે ઉદ્યોગસાહસિકતાની ભાવના સાથે મુખ્ય નીતિગત સુધારાઓએ આ ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપ્યું છે “, મહેતાએ આઇ.પી.એ.ના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક લેખમાં લખ્યું હતું. “ભારત 2047 તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર એક નિર્ણાયક તબક્કે છે. રોજગાર સર્જનથી માંડીને ગ્લોબલ ટ્રેડ અને નવીનીકરણથી માંડીને જાહેર આરોગ્ય સુધી, આ ઉદ્યોગનું યોગદાન ‘વિકસિત ભારત “ના લક્ષ્યોને સાકાર કરવામાં કેન્દ્રિય સ્થાને રહેશે.”
સહકારયુક્ત અને સક્ષમ નીતિગત માળખું, સંશોધન અને વિકાસમાં પ્રબળ રોકાણ અને સસ્તી અને સુગમ્ય સ્વાસ્થય સુવિધા માટેની પ્રતિબદ્ધતા આ ક્ષેત્રને તેની સંપૂર્ણ ક્ષમતાને ઉજાગર કરવા માટે સશક્ત બનાવે છે, એમ તેમણે ઉમેર્યું હતું કે, આ આકાંક્ષા હાંસલ કરવા માટે હિતધારકો-દવા ઉદ્યોગ, આનુષંગિક ક્ષેત્રો, નિયમનકારો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નક્કર પ્રયાસો જરૂરી રહેશે.
“‘વસુધૈવ કુટુંબકમ “એટલે કે વિશ્વ એક પરિવાર છે તેવી પ્રાચીન ભારતીય ફિલસૂફીને સ્વીકારીને ભારત વિશ્વનું આરોગ્ય સંભાળ સંરક્ષક બનવા આતુર છે. તેમણે કહ્યું કે ઉચ્ચ ગુણવત્તાની, સહુને પોષાય તેવી જેનરિક દવાઓ અને રસીઓના ઉત્પાદનમાં ભારતની ઉત્કૃષ્ટતાએ રાષ્ટ્રને વૈશ્વિક મંચ પર એક મુખ્ય ખેલાડી તરીકે સ્થાન અપાવ્યું છે. વૈશ્વિક મંચ પર, ભારત વ્યાપાર, સાતત્યતા, નવીનતા, ટેકનોલોજી અને સ્વાસ્થય સુવિધાઓ જેવા નિર્ણાયક મુદ્દાઓની સતત હિમાયત કરતું રહ્યું છે.
“નવી વૈશ્વિક વ્યવસ્થામાં ભારતની ભૂમિકા કોવિડ-19 મહામારી સામેની તાજેતરની લડાઈ કરતાં વધુ ક્યારેય સ્પષ્ટ થઈ નહોતી. ભારત વૈશ્વિક સ્તરે દર્દીઓને જીવનરક્ષક દવાઓનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે આ પ્રસંગે આગળ વધ્યું, વૈશ્વિક આરોગ્ય સંભાળમાં તેની નેતૃત્વની સ્થિતિને મજબૂત કરી. આ સિદ્ધિ આકસ્મિક નથી પરંતુ નવીનતા, ઉત્પાદનમાં શ્રેષ્ઠતા અને સતત વૈશ્વિક ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરવા માટેના વર્ષોના સમર્પણનું પરિણામ છે.”
સમય જતાં આપણી દ્રઢતાની કસોટી થઈ છે અને આપણે પ્રતિકૂળતાનો સામનો કરતી વખતે સતત આપણો લડાયક મિજાજ દર્શાવ્યો છે. આજની સફળતા ભૂતકાળની સખત મહેનત પર આધારિત છે અને અત્યારે આપણે જે નિર્ણયો લઈએ છીએ તે સમૃદ્ધ ભવિષ્યનો માર્ગ મોકળો કરશે. ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એ દેશની વિકાસગાથાનો નિર્ણાયક ઘટક છે, એમ શ્રી મહેતાએ જણાવ્યું હતું.
મહેતાએ જણાવ્યું હતું કે વૈશ્વિક ઉત્પાદન પાવરહાઉસ તરીકે, ભારત વિશ્વની જેનેરિક દવાની માંગના 20 ટકા પુરવઠો પૂરો પાડે છે અને જથ્થા અને મૂલ્યની દ્રષ્ટિએ 11મા ક્રમે છે. “આજે, વૈશ્વિક આરોગ્ય સંભાળ પરિદ્રશ્ય નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે – બીમારીઓની પેટર્ન અને વસ્તીની ઉંમરમાં પરિવર્તન, આરોગ્ય સંભાળનો ઉપયોગ અને સર્વગ્રાહી આરોગ્ય વિગેરે પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી બન્યું છે.” ભારતીય ફાર્મા ઉદ્યોગનું લક્ષ્ય 2030 સુધીમાં ૧૨૦-૧૩૦ બિલિયન યુ.એસ. ડોલર અને 2047 સુધીમાં ૪૦૦-૫૦૦ બિલિયન ડોલર સુધી પહોંચવાનું છે.
આગામી દાયકાઓમાં આ તકને હાંસલ કરવા માટે ચાર મુખ્ય સહયોગીઓની જરૂર પડશે – નવીનતાઓને પ્રોત્સાહન આપવા માટે મજબૂત ભંડોળ પ્રણાલીઓ અને જીવ વિજ્ઞાન (બાયોફાર્મા) અને ડિજિટલ તકનીકોમાં નિપુણ પ્રતિભા સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઉપરાંત, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વની આકાંક્ષા રાખવા અને જાળવી રાખવા માટે, વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક નિયમોને અનુસરવાની જરૂર છે. ઉપચાર સંશોધનો, ઉત્પાદન અને મોટા પાયે વ્યાપારીકરણ અને દવાઓ, ડેટા અને ઉપકરણોના સમન્વય માટે તકનીકીઓને અસરકારક રીતે સંકલિત કરવાની પણ જરૂર છે.
અંતે, સમગ્ર પુરવઠા શૃંખલામાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે હાલની માળખાગત સુવિધાઓ વધારવી એ આરોગ્ય સુરક્ષા માટે મહત્વપૂર્ણ રહેશે, એમ તેમણે જણાવ્યું હતું. “બલ્ક ડ્રગ પાર્ક, ઉત્પાદન પ્રોત્સાહન યોજનાઓ આત્મનિર્ભરતા અને ભારતમાંથી વૈશ્વિક ચેમ્પિયન બનાવવાના હેતુથી વિશ્વ કક્ષાના ઉત્પાદન અને સંશોધન અને વિકાસ કેન્દ્રો બનાવવામાં સહાયભૂત થશે.”