અમદાવાદ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વેપારીને હેરાનગતિ નો કિસ્સો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ કેલાને હાઇકોર્ટે ફટકાર લગાવી હતી તે મામલો તાજો છે તેમ છતાં પોલીસ સુધારવાનું નામ લેતી નથી.
આવો જ એક મામલો મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે ભાગીદારો વચ્ચેની દીવાની તકરારમાં વચ્ચે પડીને એક ભાગીદારની તરફેણ કરીને બીજા ભાગીદાર ઉપર દબાણ તેમજ ધમકી આપવાનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચતા જસ્ટિસ સંદીપ ભટ્ટ દ્વારા મોરબી પોલીસને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે.
જસ્ટિસ સંદીપ ભટ્ટે ટિપ્પણી કરી હતી કે શું ઇન્ડિયન પીનલ કોડ અને ભારતીય ન્યાય સંહિતા મોરબીની ક્રાઈમ બ્રાન્ચ માટે અલગ બનાવવામાં આવી છે અને શા માટે આવી ભાગીદારોની તકરારમાં પોલીસ વચ્ચે પડે છે?
કેસની વિગતો મુજબ હિતેશ નાથુભાઈ કાલીયા નામના વેપારી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરીને રજૂઆત કરવામાં આવી હતી કે તેમના પૂર્વ ભાગીદાર હેમેન્દ્ર શિલું સાથે તેઓએ ભાગીદારી છૂટી કરી હતી અને ભાગીદારી પેઢીના નાણાકીય તેમજ અન્ય દીવાની તકરારો બાબતે શીલુ દ્વારા દીવાની કોર્ટમાં કેટલાક મનાઈ હુકમો માંગવામાં આવ્યા હતા.
પરંતુ તે કોર્ટ દ્વારા આપવામાં આવ્યા ન હતા અને તેમની અરજી નો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઘટના 2022 માં બની હતી ત્યારબાદ સામા વાળા દ્વારા મોરબીના તાલુકા પોલીસ સ્ટેશન સહિત અલગ અલગ ત્રણ વખત અરજી કરવામાં આવી હતી અને ત્રણે અરજીઓ પોલીસ દ્વારા એવા આધાર ઉપર નિકાલ કરી દેવામાં આવ્યો હતો કે આ એક દિવાની તકરાર હોવાથી પોલીસમાં સામેલ થશે નહીં.
તેમ છતાંય આવી જ એક અરજી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી અને લોકલ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દ્વારા તેમણે બોલાવીને તેમની ઉપર ધમકી અને દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. આથી પોલીસની સામે કાર્યવાહી થવી જોઈએ.
આ ઘટનાની ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે એક વખત જ્યારે સ્થાનિક પોલીસ દ્વારા અરજીનો નિકાલ કરવામાં આવ્યો ત્યારે ક્રાઈમ બ્રાન્ચ કેવી રીતે આમાં સામેલ થઈ શકે? શું ક્રાઈમ બ્રાન્ચ લોકલ પોલીસથી ઉપલી સત્તા ધરાવે છે? બીજું કે જો લોકલ પોલીસ દ્વારા તપાસ કરવામાં યોગ્ય ન આવી હોય અને તેઓ દ્વારા અરજદારની તરફેણ કરવામાં આવી હોય તો શું લોકલ પોલીસ ઉપર પગલાં લેવાના?
જો અરજદાર સાચો હોય તો ક્રાઈમ બ્રાન્ચ સામે પગલાં લેવાનાં? એક પોલીસ સ્ટેશનમાં તપાસ થઈ ગઈ હોય તો બીજા પોલીસ સ્ટેશનમાં તે જ ગુના સબબ શા માટે તપાસ કરવી જોઈએ?
પોલીસ તંત્ર દ્વારા આ બાબતે એક મિકેનિઝમ ડેવલપ કરવું જોઈએ કે કોઈ બીજા પોલીસ સ્ટેશનમાં આવી અરજી થઈ હોય અને તેવી જ અરજી અન્ય પોલીસ સ્ટેશનમાં થાય તો તેની જાણ થઈ શકે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે ભાડા કરાર અને તેના જેવા દીવાની તકરારોમાં પોલીસ શું કામ સામેલ થાય છે?
ત્યારબાદ અદાલતે હેમેન્દ્ર શીલુંને પક્ષકાર તરીકે જોડવાનો આદેશ કરીને પોલીસ સહિતના તમામ પક્ષકારોને નોટિસ કાઢીને વધુ સુનાવણી 20 માર્ચ ના રોજ રાખી હતી.