જો તમે કોઇ નોંધાયેલા પણ જાણીતા નહીં તેવા રાજકીય પક્ષને દાન આપીને આવકવેરામાંથી જે તે દાન કરમુક્ત કરવા માટે તમારા રીટર્નમાં દર્શાવ્યું હોય તો ચેતી જજો. આવકવેરા ખાતુ તમારા નિવાસે ટકોરા મારી શકે છે.
આવકવેરાની કલમ 80 જીજીસી/80જીજીબી હેઠળ જે રીતે માન્ય રાજકીય પક્ષો દાન અપાય છે તે 100 ટકા કરમુક્ત હોય છે પરંતુ રાજ્યમાં આ પ્રમાણે અપાતા દાનમાં મોટુ રેકેટ બહાર આવ્યું છે અગાઉ જ એવા અહેવાલ આવ્યા હતા કે ગુજરાતમાં નોંધાયેલા પરંતુ જાણીતા નહીં તેવા રાજકીય પક્ષોને દાન આપીને મોટી કરચોરી થઇ છે.
સપ્ટેમ્બર-2022માં આવકવેરા વિભાગે આ હેતુથી 23 જેટલા પક્ષોની ઓફિસ પર દરોડા પાડ્યા હતા પરંતુ તેનું અસ્તિત્વ જ નહીં હોવાનું કે તે કોઇ રાજકીય પ્રવૃત્તિ પણ નહીં કરતા હોવાનું બહાર આવ્યું હતું. છેક ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યમાંથી આ રીતે ભંડોળ અપાયું હતું તેમાં હવે ભંડોળ આપનાર પર તવાઇ ઉતરી છે. અને તેઓને નોટીસ આપવાનું શરુ થઇ ગયું છે.