
15 મહિનામાં રોકાણકારોના રૂ.78,405 કરોડ સ્વાહા
અમદાવાદ: ઇન્ડસઇન્ડ બેન્કે ગયા અઠવાડિયે બજારને સારો એવો આંચકો આપ્યો. કોવિડ પૂર્વેની તેજીમાં જુલાઇ 2018માં ઇન્ડસઇન્ડ બેન્કના શેરનો ઉચ્ચત્તમ ભાવ રૂ.2028 નોંધાયો હતો. ત્યારબાદના બજારના ત્રણ મહિનાના કરેક્શન દરમ્યાન તેનો ભાવ નીચેમાં રૂ.235 સુધી ઘટ્યો હતો. કોવિડ પછી બજારમાં તેજી આવી અને તમામ શેર્સના ભાવ જે રોકેટ ગતિએ વધ્યાં, તેમાં ઇન્ડસઇન્ડ બેન્કનો ઉચ્ચત્તમ જાન્યુઆરી 2024 માં જોવાયો. રૂ.1694 ના સર્વોચ્ચ ભાવેથી આ શેરમાં ફરી ઘટાડો જોવાયો. આમ, ઇન્ડસઇન્ડ બેન્કનો શેર કોવિડ-પૂર્વેની તેજીના ઉચ્ચત્તમ ભાવને પાર કરી શક્યો નહોતો. જ્યારે કે આ સમયગાળામાં નિફ્ટી અને બેન્કનિફ્ટી કોવિડ પૂર્વેના ટોપથી અનુક્રમે લગભગ 110 ટકા અને 70 ટકા જેટલાં વધ્યાં હતા. બજારના વિશેષજ્ઞોમાં આ બેન્ક દ્વારા કરાયેલ ધિરાણો બાબતે ગણગણાટ સંભળાયા કરતો હતો. પરંતુ, કોઈ નક્કર બાબત સામે આવતી નહોતી.
મંગળવારે બેન્કે કરેલ જાહેરાત અને ભાવમાં કડાકો:
મંગળવારે બેન્કે જાહેરાત કરી કે તેને ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાં રૂ.1500 કરોડ જેટલી નુકશાની થઈ છે અને તેનાં કારણે તેની બેલેન્સ શીટ પ્રભાવિત થઈ શકે છે. આ જાહેરાત થયા બાદ શેરમાં 27% થી વધુનો કડાકો બોલાઈ ગયો. સાથે જ એ ચર્ચા પણ ચાલવા માંડી કે આ બેન્કે માઇક્રો ફાયનાન્સ કંપનીઓને કરેલ ધિરાણોમાંથી કેટલાક ધિરાણોનું વાસ્તવિક જોખમ ઊંચું છે. બીજી તરફ બેંકિંગ શેર્સ જોઈએ તો કોવિડ બાદની તેજીમાં બેંકિંગ શેર્સ વધવામાં ધીમા રહ્યા છે. ત્યારે સ્વાભાવિકપણે પ્રશ્ન થાય કે, શું અન્ય બેન્કોમાં પણ આ માઇક્રો-ફાયનેન્સ ધિરાણો સંબંધિત સમસ્યાઓ હોઈ શકે?
બેંકિંગ સિસ્ટમમાં આડેધડ થયેલ માઇક્રો ફાયનેન્સિંગનું જોખમ અને વાસ્તવિકતા
શા માટે બેન્કો માઇક્રો ફાયનેન્સ કંપનીઓને ઊંચા ધિરાણો કરી રહી છે?
બેન્કોની આવકનો મુખ્ય સ્ત્રોત તેમના દ્વારા કરવામાં આવતાં ધીરાણોમાંથી થતી વ્યાજની આવક હોય છે. રિટેલ સેગમેન્ટમાં હાઉસિંગ લોન, એજયુકેશન લોન, પર્સનલ લોન, કન્ઝ્યૂમર લોન જેવી લોન પ્રોડક્ટસ બેન્કો માટે સારી કમાણી કરે છે. પરંતુ, તેમને જરૂરી બલ્ક – વોલ્યુમ કોર્પોરેટ ધીરાણોમાંથી મળે છે. કોર્પોરેટ્સ પોતાની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા બેન્કો પાસેથી ધીરાણો લેતાં હોય છે, અલબત્ત, તેમને રિટેલ ગ્રાહકો કરતાં ઓછા દરે ધિરાણ મળતું હોય છે. પરંતુ, છેલ્લા સો મહિના કરતાં વધુ સમયથી શેરબજારમાં ભારે તેજી ચાલી રહી છે. તેમાં પણ કોવિડ પછી નાનાં રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIP થકી મોટાપાયે રોકાણો કરી રહ્યા છે. તેનાથી બે પરિબળો ઊભા થયા. (1) બેન્કોના બચત ખાતાં – ચાલુ ખાતાં (CASA) તેમજ ફિક્સ ડિપોઝિટોમાં જમા પડી રહેતી રકમ ઘટી. આથી બેન્કો પાસે ધીરાણપાત્ર સિલકમાં ઓટ આવી. (2) કોર્પોરેટ્સને જેટલાં નાણાં જોઈએ તેટલાં શેરબજારમાંથી વગર વ્યાજે ઉપલબ્ધ થવા માંડ્યા. લગભગ તમામ કંપનીઓએ બુક-બિલ્ડીંગ કે ઓફર ફોર સેલ કે પ્રેફરન્સ ઇશ્યૂ કે રાઇટ ઇશ્યૂ વિગેરે સાધનો થકી ભંડોળ મેળવ્યા. કેમકે, બજારમાં ઇક્વિટીની માંગમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો હતો અને કોર્પોરેટ્સ તેને સપ્લાય પૂરો પાડવા લાગી પડ્યા.
આમ, એક તરફ બેન્કો પાસે ધીરાણપાત્ર સિલક ઘટી તો બીજી તરફ જે મોટા ઋણધારકો હતાં તેઓ ધીરાણો પરત કરવા માંડ્યા અને નવાં ધીરાણો લેતાં બંધ થયા. આવા સમયે બેન્કોએ પોતાની નફાકારકતા જાળવી રાખવાં માઇક્રો ફાયનેન્સ કંપનીઓ કે જેઓ ઊંચા વ્યાજે ધિરાણ લેવાં તત્પર હોય છે તેમને મોટાપાયે ધીરાણો કર્યા.
માઇક્રો ફાયનેન્સ કંપનીઓનું બિઝનેસ મોડેલ:
જે ગ્રાહકો બેન્કો પાસેથી સીધું ધિરાણ મેળવવા માટેની પાત્રતા ન ધરાવતાં હોય, તેવાં નાનાં ઋણધારકોને આ કંપનીઓ ઊંચા વ્યાજે અને નાની રકમના ધીરાણો કરે છે. નાની રકમના અસંખ્ય ધીરાણો થતાં હોઈ, અમુક ઋણધારકો ફેર ચુકવણીમાં નિષ્ફળ જાય તો પણ ફાયનેન્સ કંપનીને મોટી નુકશાની નથી થતી, કેમ કે બાકીના ઋણધારકો પાસેથી તેને જે ઊંચા વ્યાજની આવક થાય, તેનાથી તેની ભરપાઈ થઈ જાય.
કેટલીક માઇક્રો ફાયનેન્સ કંપનીઓનું સંદિગ્ધ બિઝનેસ મોડેલ:

માઇક્રો ફાયનેન્સ કરતી ઘણી કંપનીઓ હાલ અત્યંત ગંભીર કહી શકાય તેવાં સંદિગ્ધ બિઝનેસ મોડેલનો આશરો લઈ બેફામ નફો કમાઈ રહી છે. ડિજિટલ લોન્સ, ઇંસ્ટંટ લોન વિગેરેના નામે ઓનલાઈન માર્કેટિંગ કરવામાં આવે છે. પે-ટી-એમ જેવી કંપની પણ આવી ઇંસ્ટંટ લોન્સ આપતી કંપનીઓની જાહેરાતો કરે છે. (મજાની વાત એ છે કે પે-ટી-એમ પાસે ધીરધારનો ધંધો કરવાનું લાઇસન્સ નથી. તે અન્ય બેન્કો કે કંપનીઓની (થર્ડ પાર્ટી) ફાયનેંશ્યલ પ્રોડક્ટસનું માર્કેટિંગ કરી શકે છે. પણ જ્યારે ઋણધારક સમયસર ચુકવણીમાં નિષ્ફળ રહે ત્યારે એને પે-ટી-એમના નામે નોટિસ મોકલવામાં આવે છે.) નોટબંધી પછી ડિજિટલ પેમેન્ટનો વ્યાપક પ્રસાર થયો હોઈ, આવી ઇન્સ્ટન્ટ લોન કે ડિજિટલ લોનની જાહેરાતોના માધ્યમથી છેક છેવાડાના સંભવિત ગ્રાહક સુધી પહોંચી શકાય છે. જ્યારે કોઈ સંભવિત ગ્રાહક આવી લોન માટેની લિન્ક ક્લિક કરે ત્યારે તેને સહુ પ્રથમ જે તે માઇક્રો ફાયનેન્સ કંપનીની મોબાઈલ એપ ડાઉનલોડ કરવી પડે. આવી એપ ડાઉનલોડ કરતી વખતે તેણે પોતાના કોંટેક્ટ લિસ્ટ, ફોટો ઈત્યાદી ‘એક્સેસ’ કરવાની પરવાનગી આપવી પડે. જો ડાઉનલોડ કરતી વખતે તે આવી પરવાનગીમાં ‘નોટ એલાઉ’ કરે, તો તેની લોન ના થાય. ગ્રાહક જેવો આવી પરવાનગી આપે કે તુરંત તેનું કોન્ટેક લિસ્ટ ફાયનેન્સ કંપની પાસે આવી જાય. પછી ગ્રાહકને તથાકથિત ઇન્સ્ટન્ટ લોન પેટે પાંચ-દસ હજાર સીધા તેનાં ખાતાંમાં જમા આપવામાં આવે.
આટલે સુધી તો સબ ઠીકઠાક રહે. પરંતુ જ્યારે રી-પેમેન્ટનો સમય આવે, ત્યારે પેલા તથાકથિત માઇક્રો ફાયનેન્સવાળા ગ્રાહક પાસેથી દસ હજારની સામે ટૂકડે ટૂકડે વીસ-ત્રીસ હજાર પડાવવાની ઉઘરાણી કરવા માંડે. આવી ઉઘરાણી કરવા માટે વિશેષ કોલ સેન્ટર્સ બન્યા છે. આવાં કોલ સેન્ટર્સ એક થી વધુ ધીરાણકર્તાઓ માટે ઉઘરાણીનું કામ આઉટ-સોર્સ બેઝિસ પર કરી રહ્યા છે. આવાં કોલ-સેન્ટર્સમાં ગ્રાહકને ‘શરમ’માં નાખનાર, ખૂબ અપમાનિત કરી તેનાં આત્મસમ્માન કે ગરિમાને તોડીને ભૂકકો બોલાવી દેનાર મહિલા કોલર્સની ભારે ડિમાન્ડ રહે છે. “બેન્ક કા પૈસા ખા કે બેઠ ગઈ હૈ, તેરે ઘરવાલેને ભી તુઝે છોડ દિયા હૈ.” આવું બોલનાર કોલર આવાં કોલ-સેન્ટરની સ્ટાર પરફોર્મર હોય. આટલી હેરાનગતિ વેઠવા છતાં ગ્રાહક ચુકવણીમાં આનાકાની કરે, તો તેનાં કોન્ટેકટ લિસ્ટમાં સામેલ નંબરો પર મેસેજ મોકલવાની ધમકી આપવામાં આવે. (તાજેતરમાં એક આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાએ આ તથાકથિત ડિજિટલ લોન્સ પર એક ડોક્યુમેન્ટરી બનાવી છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ તથાકથીત ફાયનેન્સ સામાન્ય લોકોના ઘરબાર અને જિંદગી ખતમ કરી રહ્યા છે.) તો ય કોઈ ગ્રાહક આડોડાઈ કરે તો તેણે દિલ્હી, નોઇડાના વકીલના સરનામાંવાળી લીગલ નોટિસ મોકલવામાં આવે. અમે રીતસર ગેરકાયદેસર વ્યાજખોરીનો ધંધો માઇક્રો ફાયનેન્સને નામે આચરવામાં આવે છે.
બોગસ માઇક્રો ફાયનેન્સ કંપનીની ઓળખ કેવી રીતે કરવી?
આવી કંપનીઓની વેબસાઇટ પર ગ્રાહક પોતાનું ખાતું ઓનલાઈન જોઈ શકે તેવી કોઈ સવલત હોતી નથી. માત્ર મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની લિન્ક હોય, બે-ચાર ઈમેલ આઈ.ડી. હોય અને કંપની કઈ રીતે માઇક્રો ફાયનેન્સથી સમાજની ‘સેવા’ કરી રહી છે, તેની ગાથા હોય. પણ, ગ્રાહક પોતાના ધીરાણ અને રિપેમેંટ ઓનલાઈન ચકાસી શકે તેવી સવલત ન હોય. આવી કંપનીઓ જ્યારે રિકવરીની ‘લીગલ નોટિસ’ ફટકારે ત્યારે તેમાં કંપનીએ ગ્રાહકને ક્યારે, કેટલી રકમનું કયા ટ્રાન્સઝેકશન નંબરથી ધીરાણ કર્યું તેની પૂરતી માહિતી ન હોય. એવી અધૂરી વિગતો જણાવી હોય કે ફલાણા લોન નંબર ખાતાંમાં તમે અમારા અસીલ પાસેથી ધીરાણ મેળવ્યું છે. મધ્યમ વર્ગનો ભારતીય જ્યાં પોતાની આબરૂ જાળવી રાખવાં તમાચા મારીને ગાલ લાલ રાખતો હોય, ટ્રાફિકનું ચલણ ઘરે આવે એમાંય બેબાકડો થઈ જતો હોય, તે સ્વાભાવિકપણે દિલ્હી, નોઇડા જેવાં દૂરના મેટ્રોમાં કાનૂની કાર્યવાહીથી ગભરાઈ જ જવાનો!
ગ્રૂપ લોનના નામે વ્યાજખોરી:
કેટલીક કંપનીઓ ‘ગ્રૂપ લોન’ના નામે 18% ના ધારાધોરણથી વધુ વ્યાજ વસૂલે છે. શેરબજારમાં કામ કરતી કોઈ કંપની સેબી પાસે નોંધણી કરાવીને પણ NBFC બની શકે. આવી NBFC અન્ય ફાયનેન્સ કંપનીઓની થર્ડ-પાર્ટી પ્રોડકટ્સનું માર્કેટિંગ કરી શકે. પણ, તેઓ ‘ગ્રૂપ-લોન’ના નામે પોતે જ ધીરાણો કરે છે. આવું ધીરાણ માટે રિઝર્વ બેન્ક પાસેથી મેળવવાનું થતું લાઇસન્સ તેમની પાસે હોતું નથી. ગ્રાહક રી-પેમેન્ટ કરે ત્યારે તેને QR કોડ મોકલવામાં આવે. એમાં ગ્રાહકને ક્યાંથી ખબર પડે કે કયા ખાતાંમાં તેનાં પૈસા જમા થયા!
બેન્કોની ઊંચા અર્નિંગ જાળવી રાખવાની હરીફાઈને કારણે રોકાણકારો રોયાં:
(1) રોકાણકારોની રાતોરાત લખલૂંટ કમાઈ લેવાની ઘેલછા (જેને પગલે શેરબજારમાં તોતિંગ રોકાણોનો પ્રવાહ અને બેન્કોને લિક્વિડિટીની હાડમારી); (2) બેન્કોની ઊંચા અર્નિંગ જાળવી રાખવાની હરીફાઈ (જેને પગલે માઇક્રો ફાયનેન્સ કંપનીઓને બેફામ ધીરાણો) અને (3) માઇક્રો ફાયનેન્સ કંપનીઓની વ્યાજખોરીની વૃત્તિ – આ ત્રણ પરિબળોને કારણે મધ્યમ વર્ગ પોતાની બચતો ગુમાવી રહ્યો છે અને ગરીબ વર્ગ વ્યાજના ભરડામાં સપડાઇ રહ્યો છે. જેથી આ બંને વર્ગને એમ લાગવા માંડ્યુ છે કે સરકાર મધ્યમ અને ગરીબ વર્ગ માટે કોઈ પગલાં લેતી નથી. રિઝર્વ બેન્કે આવી ઇન્સ્ટન્ટ લોન્સ, ડિજિટલ લોન્સ આપતી કંપનીઓની કામગીરીની તાત્કાલિક સમીક્ષા કરવી અત્યંત જરૂરી બની છે.