નવી દિલ્હીમાં યોજાયેલ સી.આઇ.આઇ. જેમ્સ એન્ડ જ્વેલરી કોન્ફરન્સમાં ઉપભોગતા મામલાઓના સચિવ સુશ્રી નિધિ ખરેએ જણાવ્યું છે કે, ગોલ્ડ બુલિયન માટે પણ હોલમાર્કિંગ ફરજીયાત કરવાના અને લેબ-ઉત્પાદિત હીરા માટે નિયમનો ઘડવાના પ્રસ્તાવ પર સરકાર વિચાર કરી રહી છે. ઉપભોક્તાને સારી ગુણવત્તાના ઉત્પાદનો મળી રહે અને તેમનું હિત જળવાય તે આશયથી સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
અત્રે નોંધપાત્ર છે કે, સરકારે જૂન ૨૦૨૧ થી સોનાના ઘરેણાં અને કલાત્મક વસ્તુઓ માટે હોલમાર્કિંગ ફરજીયાત કર્યું છે, જેનો સફળતાપૂર્વક અમલ થઇ રહ્યો છે. સુશ્રી ખરેએ જાણકારી આપી છે કે, અત્યાર સુધીમાં ૪૦ કરોડથી વધુ દાગીનાનું હોલમાર્કિંગ થયું છે, નોંધણીકૃત જ્વેલર્સની સંખ્યા લગભગ ૧.૯૫ લાખ થઇ છે અને ચકાસણી અને માર્કિંગ માટેના સેન્ટર્સની સંખ્યા ૧૬૦૦ જેટલી થઇ છે.
સુશ્રી ખરેએ જણાવ્યું હતું કે, “જ્યારે જ્વેલર્સ પણ સોનું ખરીદ કરતાં હોય છે, ત્યારે તેઓ તેની ગુણવત્તા બાબત ખાતરીપૂર્વક કહી શકતા નથી. આ પગલાંથી સમગ્ર વેલ્યુ-ચેનમાં ચોકસાઇ, સચ્ચાઇ અને ઇમાનદારી જળવાયેલાં રહેશે અને ઉપભોગતાનો ભરોસો વધશે.”
નોંધપાત્ર છે કે, સમગ્ર વિશ્વમાં ભારત સોનાનો બીજો સૌથી મોટો નિકાસકર્તા છે અને ભારતની કુલ નિકાસોમાં જ્વેલરી અને સોનાનો હિસ્સો સાડા ત્રણ ટકા જેટલો છે. સરકાર પણ આ ક્ષેત્રની સંભાવનાઓથી વાકેફ છે અને તેથી જ આ ક્ષેત્રને અગ્રતાક્રમવાળા ક્ષેત્ર તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.
સુશ્રી ખરેએ જણાવ્યું હતું કે સરકાર લેબ-ઉત્પાદિન હીરા પર પણ નિયમનો ઘડવા અંગે વિચારણાં કરી રહી છે. લેબ-ઉત્પાદિત હીરા કુદરતી હીરા કરતાં ઘણાં સસ્તા હોય છે અને હાલ, ચીન આવાં લેબ-ઉત્પાદિત હીરામાં અગ્રેસર છે.
નોંધનીય છે કે, હાલ ભારત, ખાસકરીને સુરત,નો હીરા ઉદ્યોગ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. હીરાના ઘણાં એકમોમાં હાલ છટણી, શટ-ડાઉન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.