અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદે ફરી ચૂંટાઈ આવ્યાના એક પખવાડિયામાં મુખ્ય ક્રિપ્ટોનો ભાવ રૂપિયા એક લાખ ડોલરની નજીક પહોંચી ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈને ૯૮૦૦૦ ડોલરથી ઊંચો ભાવ બતાવ્યો હતો અને એક લાખ ડોલરની સપાટી હાંસલ કરવા ભાવમાં ત્રણ ટકાથી પણ ઓછી વૃદ્ધિની આવશ્યકતા છે.
જો કે ફ્યુચર્સમાં બિટકોઈને એક લાખ ડોલરની સપાટી પાર કરી નાખી હોવાનું પ્રાપ્ત અહેવાલમાં જણાવાયું હતું. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનનો ભાવ સ્પોટમાં ઉપરમાં ૯૮૩૪૯ ડોલર અને નીચામાં ૯૨૯૫૮ ડોલર જોવા મળ્યો હતો. મોડી સાંજે ભાવ ૯૭૮૫૩ ડોલર મુકાતો હતો.
એક લાખ ડોલરની ભાવ સપાટીએ બિટકોઈનની માર્કેટ કેપ બે ટ્રિલિયન ડોલરને પાર કરી જશે. છેલ્લા પંદર દિવસમાં બિટકોઈનમાં ૪૦ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.
ક્રિપ્ટોકરન્સીસ માટેના નિયમોને ટ્રમ્પ વહીવટીતંત્ર હળવા બનાવશે તેવી અપેક્ષા સાથે ભાવને સતત ટેકો મળી રહ્યો હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. ટ્રમ્પના શાસનમાં ક્રિપ્ટોકરન્સીસને વધુ કાનૂની સ્વરૂપ મળવાની પણ આશા રાખવામાં આવી રહી છે. ડેરિબિટ ઓપ્શન એકસચેન્જ પર માર્ચ, જૂન તથા સપ્ટેમ્બર ૨૦૨૫માં એકસપાયર ફ્યુચર્સ કોન્ટ્રેકટમાં બિટકોઈને એક લાખ ડોલર પાર કરી નાખ્યા હોવાનું પ્રાપ્ત અહેવાલમાં જણાવાયું હતું. આમ સ્પોટ માર્કેટ કરતા ફ્યુચર્સમાં બિટકોઈન પ્રીમિયમે કવોટ થઈ રહ્યો છે.
અન્ય ક્રિપ્ટોસ એથરમ, સોલાના, બીએેનબી, એકસઆરપીમાં મિશ્ર પ્રવાહ રહ્યો હતો. ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ ૩.૨૩ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી.