અમદાવાદ
અમદાવાદના મણીનગર વિસ્તારમાં નવ વર્ષની બાળકી સાથે છેડતીનો પ્રયાસ કરનાર સ્કૂલ રીક્ષા ચાલક અમરત રેવાજી રાવળને પોકસોના ખાસ જજ એ. બી. ભટ્ટએ ગુનેગાર ઠરાવીને એક વર્ષ સખત કેદની સજા અને 3 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમજ દંડની રકમમાંથી 2 હજાર રૂપિયા બાળકીને હિંમત બતાવવા માટે પુરસ્કાર રસ્વરૂપે આપવામાં હુકમ કર્યો છે. કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપી પીડિતાની દાદાની ઉંમરનો છે. આરોપી પોતાની શારીરિક સંતોષની ચેષ્ટા કરી હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. તેને બાળકીની એકલતાનો લાભ લેવા પ્રયત્ન કર્યો છે. આવું કૃત્ય કર્યા બાદ માફી માંગીને બચી શકાય નહીં. જો આરોપીને છોડી દેવામાં આવે તો બીજા લોકોને પણ આનાથી પ્રેરણા મળે તેમ છે.
કેસને વિગતે જોતા, આરોપી સ્કૂલ રિક્ષાચાલક આશરે 9 વર્ષની બાળકીને અન્ય બાળકો સાથે શાળાએથી ઘરે લેવા-મૂકવા જતો હતો. ત્યારે અન્ય એક વિદ્યાર્થિનીને ઘરે મુકવા જતા સીડીઓમાં તેની સાથે અડપલા કરીને અયોગ્ય માંગણી કરી હતી. બાળકી જ્યારે ઘરે પહોંચી ત્યારે તે ચિડાયેલી હતી અને ચૂપચાપ ઊંઘી ગઈ હતી. તેની માતાએ તેની સાથે વાત કરતા પોતાની સાથે બનેલી ઘટના બાળકીએ પોતાની માતાને જણાવી હતી.જો કે, તેની માતાને લાગ્યું હતું કે, બાળકીને પડી જતા બચાવવા આરોપીએ તેને પકડી હશે. જો કે, ફરી વખત આ પ્રકારની ઘટના બનતા બાળકીએ તેની માતાને જાણ કરી હતી, જેથી બાળકીની માતાએ આરોપી રિક્ષાચાલક વિરુદ્ધ મણિનગર પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી. જેમાં પોલીસે રીક્ષા ચાલક અમરત રાવળની ધરપકડ કરી હતી જે કેસ ચાલતા સરકારી વકીલ કમલેશ જૈન અને દીલીપસિંહ ઠાકોરએ પાંચ સાક્ષી અને દસ દસ્તાવેજોના આધારે કેસ સાબીત કર્યો હતો. જો કે બાળકીએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, તેને આરોપી અંકલને માફ કરી દેવા છે, તેમને માફી માગી છે. વળી તેની મમ્મીને વારંવાર કોર્ટમાં આવવું પડે તે તેને ગમતું નથી.ત્યારબાદ કોર્ટે રીક્ષા ચાલક અમરત રાવળને ગુનેગાર ઠરાવીને એક વર્ષની કેદની સજા ફટકારી છે.