
નવી દિલ્હી – ફેબ્રુઆરીમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો ઇનફ્લો 26 ટકા ઘટીને રૂ.29,303 કરોડ થયો હતો, જે મુખ્યત્વે બજારની સતત અસ્થિરતા વચ્ચે સ્મોલ અને મિડકેપ યોજનાઓમાં રોકાણમાં નોંધપાત્ર ઘટાડાને કારણે હતો.
આ સતત બીજો મહિનો હતો જ્યારે ઇક્વિટી ફંડ્સના ઇનફ્લોમાં ઘટાડો થયો હતો. રોકાણકારો દ્વારા ભંડોળનો તાજેતરનો ઇનફ્લો પણ આ સેગમેન્ટમાં સતત 47મો નેટ ઇનફ્લો દર્શાવે છે.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ઇક્વિટી-ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફેબ્રુઆરીમાં રૂ.29,303 કરોડનો ઇનફ્લો જોવા મળ્યો હતો, જે જાન્યુઆરીમાં નોંધાયેલા રૂ.39,688 કરોડ અને ડિસેમ્બરમાં નોંધાયેલા રૂ.41,156 કરોડ કરતાં ઘણો ઓછો હતો.
આ તીવ્ર ઘટાડો મુખ્યત્વે મિડ અને સ્મોલ-કેપ ફંડમાં ઘટાડાને આભારી હતો, જે ફેબ્રુઆરીમાં ઘટીને રૂ.3,406 કરોડ અને રૂ.3,722 કરોડ થયો હતો, જે જાન્યુઆરીમાં અનુક્રમે રૂ.5,147 કરોડ અને રૂ.5,720 કરોડ હતો. લાર્જ-કેપ ફંડમાં કુલ રૂ. 2,866 કરોડનો ઇનફ્લો થયો હતો, જે જાન્યુઆરીમાં રૂ.3,063 કરોડ હતો. ઇક્વિટી શ્રેણીઓમાં, સેક્ટોરલ/થીમેટિક ફંડમાં સૌથી વધુ રૂ.5,711 કરોડનો ચોખ્ખો ઇનફ્લો જોવા મળ્યો હતો, ત્યારબાદ ફ્લેક્સી કેપ ફંડમાં રૂ.5,104 કરોડનો ચોખ્ખો ઇનફ્લો જોવા મળ્યો હતો.
ઇક્વિટી ઉપરાંત ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) માં રૂ.1,980 કરોડનો ઇનફ્લો જોવા મળ્યો હતો, જે જાન્યુઆરીમાં રૂ.3,751 કરોડ હતો. જોકે, જાન્યુઆરીમાં રૂ.1.28 લાખ કરોડનો ઇનફ્લો અનુભવ્યા બાદ ગયા મહિને ડેટ ફંડોએ રૂ.6,525 કરોડનો ઇનફ્લો નોંધાવ્યો હતો.
એકંદરે મ્યુચ્યુઅલ ફંડોએ સમીક્ષા હેઠળના મહિનામાં રૂ.40,000 કરોડથી વધુની AUM મેળવી હતી, જ્યારે જાન્યુઆરીમાં રૂ.187 લાખ કરોડનો આશ્ચર્યજનક અને વિક્રમી ઇનફ્લો હતો. આનાથી મ્યુચ્યુઅલ ફંડના વ્યવસ્થાપન હેઠળની કુલ સંપત્તિ (ટોટલ એસેટ્સ અંડર મેનેજમેંટ) ફેબ્રુઆરીના અંતમાં રૂ.64.53 લાખ કરોડ થઈ ગઈ છે, જે અગાઉના મહિનામાં રૂ.67.25 લાખ કરોડ હતી.