
કોમોડિટી કારોબાર
ચિરાગ ગોસ્વામી : ગત અઠવાડિયે આ કૉલમમાં રાહત ઇન્દૌરીની પેલી પ્રખ્યાત પંક્તિ ટાંકી હતી- “ગર લગેગી આગ…” વીતેલાં અઠવાડિયે બજારે તેને ચરિતાર્થ કરી બતાવી. આયાત ડ્યૂટીની બૂમરાણ મચાવી આખા વિશ્વના તમામ અર્થતંત્રોને ધમરોળનાર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની નીતિઓ હવે યુ.એસ.ને ભારે પાડવા માંડી છે. ગયા અઠવાડિયે ડાઉજોન્સ સવા ત્રણ ટકા, નેસ્ડેક 100 અને S&P 500 અઢી-અઢી ટકા ઘટ્યા. આગલાં અઠવાડિયે યુ.એસ. ડોલર ઇન્ડેક્સમાં જે સપાટો બોલાયો હતો તે ગયા અઠવાડિયે સહેજ આગળ વધ્યો અને ડોલર ઇન્ડેક્સ પણ ઘટ્યો.
યુ.એસ.નું બજાર હકીકતમાં અન્ય બજારોની સરખામણીએ વધુ ખોખલું છે. આજે યુ.એસ.ની જે 32-33 ટ્રિલિયનની માર્કેટકેપ જોઈએ છીએ, તેમાંથી 13-14 ટ્રિલિયન તો એન-વિડિયા, મેટા (ફેસબૂક), એપલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ, આલ્ફાબેટ (ગૂગલ) અને ટેસ્લા એ સાત મોટી કંપનીઓની માર્કેટ કેપ છે. ચીને એક ડીપ-સીક બનાવ્યું તેમાં એન-વિડિયાનો શેર પચીસ ટકા ગગડી ગયો હતો. (જાની, જીનકે ઘર શીશે કે હોતે હૈ વો દૂસરો કે ઘરો પર પત્થર નહીં ફેંકા કરતે)
ગયા અઠવાડિયે તમામ કોમોડિટીમાં ચાંદીની ચાલ સૌથી નોંધપાત્ર રહી. યુ.એસ. માર્કેટમાં ચાંદી લાંબા સમય પછી 33 ડોલરની પાર જતી જોવા મળી છે. 33.8 ડોલરના બંધ સાથે યુ.એસ. સિલ્વરે ચાર ટકાથી વધુનો સાપ્તાહિક સુધારો દર્શાવ્યો. ભારતીય બજારમાં જોઈએ, તો MCX પર 5 મે એક્સપાયરીવાળો વાયદો 1,00,738 બંધ રહી સાડા ત્રણ ટકાથી વધુ સુધર્યો છે. જ્યારે 30 એપ્રિલ એક્સપાયરીવાળો સિલ્વરમિનિ વાયદો 1,00,627 બંધ રહ્યો છે. ચાંદીની જેમ સોનામાં પણ તોફાની તેજી જોવા મળી. કોમેક્સમાં સોનું ફરી 3000 ડોલરની નજીક પહોંચ્યું છે. અગાઉ 3000 ડોલર નજીકથી તેમાં એક કરેક્શન જોવા મળ્યું હતું. બીજી નોંધપાત્ર હકીકત એ છે કે, પાછલી તેજીમાં, જ્યારે સોનું 800 ડોલર થી 2000 આવ્યું હતું, ત્યારે 2000 ના આંકને સ્પર્શ્યા પછી તેમાં ઘણો મોટો ઘટાડો જોવાયો હતો અને તે લાંબો સમય 2000 ડોલરની નીચે રહ્યું હતું. હાલ, 3000 ડોલર નજીક જ્યારે સોનું પહોંચ્યું છે, ત્યારે તે ફરી ભારે ઓવરબોટ ઝોનમાં ચાલી રહ્યું છે. જો કે, નિષ્ણાતોના મતે, સ્ટોક – કોમોડિટી – ઇન્ડેક્સ ઘણીવાર સતત ઓવરબોટ ઝોનમાં તેજીમય રહી શકે છે. આમ, સોનું-ચાંદી બંને સારી તેજી બતાવી તેમના અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક અવરોધોની નજીક પહોંચ્યા છે. ચાંદીમાં પણ અનેકવાર 35 ડોલર આસપાસથી કરેક્શન આવ્યાનું જોવા મળ્યું છે. સાથે જ અન્ય એક હકીકત એ છે કે, સોનાની સરખામણીએ ચાંદી ઘણી અંડરપરફોર્મ કરી રહી છે.
1 જાન્યુઆરી 2000 ના રોજ યુ.એસ. ગોલ્ડનો ભાવ 288.50 ડોલર હતો. ગયા અઠવાડિયે તે 2983.80 ડોલર બંધ રહ્યું. આમ, પચીસ વર્ષોમાં તેમાં 934.2 ટકાનો વધારો થયો. બીજા શબ્દોમાં કહીએ તો પચીસ વર્ષમાં ડોલર વોલ્યુએ સોનું સવા નવ ગણું થયું. જ્યારે આ જ સમયગાળામાં ચાંદી 5.34 ડોલર થી વધીને 33.80 ડોલર આવી અને તેમાં 533 ટકાનો વધારો થયો. બીજા શબ્દોમાં કહીએ તો સોનું જ્યારે સવા નવ ગણું થયું, ત્યારે ચાંદી સવા પાંચ ગણી થઈ. પચીસ વર્ષોમાં ડોલરમાં સોનાનો ભાવ જેટલો વધ્યો, તે મુજબ ગણતરી કરીએ તો ચાંદી હાલ 55.20 ડોલર હોવી જોઈએ. તે દ્રષ્ટિએ જોતાં ચાંદી સોના કરતાં અંડરપરફોર્મર રહી હોવાનું કહી શકાય.
એનર્જી વાયદાઓ જોઈએ તો, ક્રૂડ હાલ એવા સ્તરે છે કે જ્યાં લેણ કે વેચાણ કશું થાય તેમ નથી. બ્રેન્ટ ક્રૂડ જોઈએ તો તે સતત લોઅર ટોપ બનાવી રહ્યું છે, પણ સિત્તેર ડોલરનો એક ટેકો છે. સતત લોઅર ટોપ છતાં તે સિત્તેર ડોલર આસપાસથી ફૂંફાડાબંધ તેજી બતાવે છે, એ તેજી ત્રણ-પાંચ અઠવાડીયામાં ઓસરી જાય અને પાછું ઘટતું ઘટતું નીચે આવે. તે જોતાં આ ટેકો તૂટતાં મોટો ઘટાડો પણ આવી શકે. બીજી તરફ નેચરલ ગેસ સવા ચાર ડોલર સુધીનો સપાટાબંધ ઉછાળો બતાવી હવે પાછું પડી રહ્યું છે. સાથે જ MCX વાયદામાં જ્યાં બદલો નેગેટિવ હતો, ત્યાં હવે પોઝિટિવ બદલા શરૂ થયા છે. તે જોતાં હાલ તે વાયદામાં પણ કોઈ નક્કર ટ્રેન્ડ પારખવો મુશ્કેલ છે. બેઝ મેટલ્સમાં ડોલર ઇન્ડેક્સ તૂટ્યાની સપાટાબંધ તેજી આવ્યા પછી આગળનો ટ્રેડ લેવો મુશ્કેલ બની રહ્યો છે.