અમદાવાદ
ગુજરાતમાં ગત કેલેન્ડર વર્ષ-2024 માં 19.18 લાખની રેકોર્ડબ્રેક સંખ્યામાં નવા ઈન્વેસ્ટરો ઉમેરાયા હતા.2023 માં 11.76 લાખ તથા 2022 માં 9.74 લાખ નવા ઈન્વેસ્ટરોનો ઉમેરો થયો છે.
નેશનલ સ્ટોક એકસચેંજના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 2024 ના અંતે કુલ 96.8 લાખ રોકાણકારો હતા અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાત ત્રીજા નંબરે છે. નવા ઈન્વેસ્ટરોની સંખ્યામાં સૌથી મોટો વધારો ધરાવતા ટોપ-10 શહેર જીલ્લામાં સુરત, અમદાવાદ, તથા રાજકોટનો સમાવેશ થાય છે. ઉતર પ્રદેશમાં સૌથી વધુ 33 લાખ ઈન્વેસ્ટરો ઉમેરાયા હતા. જયારે મહારાષ્ટ્રમાં આ સંખ્યા 30 લાખ હતી.
ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી સુરત અને અમદાવાદમાં 3.27 લાખ ઈન્વેસ્ટરોનો ઉમેરો થયો હતો. ટોપ-10 શહેરોમાં અનુક્રમે 4 અને 5મુ સ્થાન મેળવ્યુ હતું. દિલ્હી, મુંબઈ, અને પુના ટોપ-3 માં હતા. રાજકોટમાંથી 1.54 લાખ નવા રોકાણકારો નોંધાયા હતા અને રાષ્ટ્રીય સ્તરે 10 મું સ્થાન મેળવ્યુ હતું જે ક્રમ 2023 માં 12 મો હતો.ટોપ-10 શેરોમાં ગુજરાત તથા મહારાષ્ટ્રના 3-3 શહેરોનો સમાવેશ થાય છે. દિલ્હીમાંથી 14 લાખ, મુંબઈમાંથી 9.7 લાખ તથા પુનામાંથી 3.4 લાખ નવા ઈન્વેસ્ટરો નોંધાયા હતા. સુરત 3.3 લાખ નવા ઈન્વેસ્ટરો સાથે ચોથા ક્રમે હતુ.
શેરબજારનાં જાણકારોનાં કહેવા પ્રમાણે ટેકનોલોજીને કારણે નવા ડીમેટ ખાતા ખોલવાનું તથા ટ્રેડીંગ કરવાનું સરળ બન્યુ હોવાથી ઈન્વેસ્ટરોની સંખ્યા સતત વધી રહી છે. બહુમતી ઈન્વેસ્ટરો આઈપીઓમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ ધરાવે છે.
યુવા ઈન્વેસ્ટરોની સંખ્યામાં મોટો વધારો છે. સાથોસાથ મહિલા રોકાણકારોની સંખ્યા પણ વધી રહી છે. યુવા પેઢી ફિકસ્ડ ડીપોઝીટ જેવા પરંપરાગત રોકાણને બદલે શેરબજાર તરફ વધુ આકર્ષિત છે.
એનએસઈનાં રીપોર્ટ પ્રમાણે 2024 માં દેશભરમાં ઉમેરાયેલા નવા ઈન્વેસ્ટરોમાંથી 35.6 ટકા હિસ્સો ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર તથા ગુજરાત જેવા ત્રણ રાજયોનો જ હતો સૌથી વધુ 73.5 ટકા નવા રજીસ્ટ્રેશન આંધ્રપ્રદેશમાં હતા.63.1 ટકા સાથે ગુજરાતનો બીજો ક્રમ હતો.