– નિફટી ૨૩૩૩૩ના સપોર્ટથી ૨૪૪૪૪ જોવાશે
અમદાવાદ વર્ષ ૨૦૨૪નો અંત વિશ્વ બજારોની સાથે ભારતીય શેર બજારોમાં અણધારી મોટી ઉથલપાથલનો નીવડી રહ્યો છે. ડિસેમ્બરના અંતે તેજીની અપેક્ષાથી વિપરીત ગત અઠવાડિયામાં જે પ્રકારે શેરોમાં કડાકા બોલાવાયા છે એ અણધાર્યા છે. જે પ્રકારે છેલ્લા કેટલાક વર્ષોમાં શેરોમાં અવિરત ઐતિહાસિક-વિક્રમી તેજીના નવા શિખરો બજાર સર કરી રહ્યું હતું અને સેકડા બદલી રહ્યું હતું, એ જ રીતે અત્યારે ભારતીય શેર બજારોમાં શરૂ થયેલા મોટા કરેકશનમાં કડાકા સાથે બજાર નવા તળીયાની શોધમાં નીકળ્યું છે. પાછલા દિવસોમાં બેરોકટોક, તેજીના અતિરેક સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં જે પ્રકારે બેફામ ભાવો વધતાં અને વેલ્યુએશન કંપનીઓના વાસ્તવિક ફંડામેન્ટલથી વધુ ખર્ચાળ બનતું જોવાયું હતું, એ હવે વાસ્તવિકતા તરફ ધસતું જોવાઈ રહ્યું છે.
રિટેલ રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડોમાં એસઆઈપી થકી વહેતા અવિરત રોકાણ પ્રવાહ અને મોટો યુવા વર્ગ મળ્યા ભાવે શેરો ખરીદવાની દોટ મૂકતો જોવાયો હતો અને એના કારણે તેજીની ગતિ, અતિની બની હતી. ભારતીય બજારોમાં આ નવા પ્રવેશેલા યુવા વર્ગે અત્યાર સુધી છેલ્લા ચાર વર્ષમાં તેજી જ જોઈ છે, ખાસ કોઈ મોટું કરેકશન કે નોંધનીય ઘટાડો હજુ જોયો નથી. આ વર્ગ માટે અત્યારે શેરોમાં મોટાપાયે ઘટાડો એકશિખ બની રહેશે.
વર્ષાંતે પરફોર્મન્સ બતાવવાની અને બોનસ મેળવવાની કવાયતમા ચોપડે નફો લેવા ફંડોનું શેરોમાં મોટાપાયે વેચાણ થતું જોવાઈ રહ્યું હોવાનું અને આગામી વર્ષ ૨૦૨૫માં અનેક પડકારો હોવાથી ઘણા ફંડો શેરોમાં નફો ઘરભેગો કરી રહ્યા હોવાનું જોવાઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૪ જીઓપોલિટીકલ ટેન્શન સહિતના પડકારોનું રહ્યા બાદ વર્ષ ૨૦૨૫માં પણ પરિસ્થિતિ અનિશ્ચિત જોવાઈ રહી છે. અમેરિકામાં સત્તાનું સુકાન હવે ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં આવવાની તૈયારી અને ટ્રમ્પ મજબૂત ડોલરની તરફેણમાં હોઈ એના ભાગરૂપ અત્યારે જાણે ભારતીય શેર બજારોમાંથી વિદેશી ફંડો રોકાણ સતત પાછું ખેંચવા લાગ્યાના સંકેતે શેરોમાં ધબડકો બોલાઈ રહ્યું છે. ટ્રમ્પની નીતિ અને એના પર વિદેશી ફંડોનું ભારત સહિતના બજારોમાં ફંડ એલોકેશન વર્ષ ૨૦૨૫માં કેટલું રહેશે એ નિર્ભર હોઈ અત્યારે વર્ષાંતે શેરોમાં બોલાઈ રહેલા ધબડકામાં એવરેજ કરવાની કે બોટમફિશિંગ કરવાની ઉતાવળ કરવાથી દૂર રહેવું સલાહભર્યું છે.
ટ્રમ્પ સરકારની નીતિ ચાઈના વિરૂધ્ધ અને ભારતની તરફેણમાં રહેવાની નિષ્ણાંતો શકયતા જોઈ રહ્યા છે, પરંતુ પાછલા દિવસોમાં ટ્રમ્પના નવા નીતિ ઘડવૈયાઓ દ્વારા ભારતને પણ નિકાસો પર વધુ આકરી ડયુટી ચૂકવવા તૈયાર રહેવાની ચીમકી સહિતના નેગેટીવ નિવેદનોએ શેરોમાં રોકાણકારો, ફંડો નવા કમિટમેન્ટ, ખરીદીથી દૂર થવા લાગ્યા છે. હવે વૈશ્વિક મોરચે આગામી સપ્તાહથી ક્રિસમસ વેકેશનને લઈ વિદેશી ફંડોની સક્રિયતા ઘટવાના અંદાજો વચ્ચે બજારની ચાલ સ્ટોક સ્પેસિફિક બનતી જોવાઈ શકે છે. પરંતુ હજુ આગામી સપ્તાહના આરંભિક દિવસો હજુ લોકલ ફંડો, ઓપરેટરોના તોફાનમાં ઉથલપાથલના બની રહેવાની પૂરી શકયતા રહેશે. જે પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૩૩૩૩ની ટેકાની સપાટીએ ૨૩૮૮૮ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૪૪૪૪ અને સેન્સેક્સ ૭૭૬૬૬ની ટેકાની સપાટીએ ૭૮૮૮૮ ઉપર બંધ થવાના સંજોગોમાં ૭૯૬૬૬જોવાઈ શકે છે.