નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મધ્યમવર્ગ માટે અત્યંત મહત્ત્વની ઇન્કમ ટેક્સ મુદ્દે મોટી રાહત આપતી જાહેરાત કરી છે. ટેક્સ રિબેટમાં વધારાના કારણે નવી ટેક્સ રેજિમમાં રૂ. 12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં. જેથી કરદાતાને રૂ. 12 લાખની આવક પર રૂ. 71500 સુધીનો ફાયદો થશે.
જૂના ટેક્સ સ્લેબની તુલનાએ નવા ટેક્સ સ્લેબમાં રૂ. 12 લાખની આવક પર રૂ. 80,000નો, જ્યારે 16 લાખની આવક પર રૂ. 50,000નો લાભ થશે. 23 લાખની આવક ધરાવતાં લોકો અગાઉ રૂ. 3,40,600 ટેક્સ પેટે ચૂકવતા હતા. તેમણે નવા સ્લેબમાં રૂ. 2,40,500 ટેક્સ ચૂકવવો પડશે. એટલે તેમને રૂ. 1,00,100 સુધીનો લાભ થશે. જ્યારે 24 લાખની આવક પર રૂ. 1,10,000નો લાભ થશે.
નાણા મંત્રીએ નવા ટેક્સ સ્લેબમાં આવકવેરાની કલમ 87 (A) હેઠળ મળતી ટેક્સ રિબેટ મર્યાદા રૂ. 25000થી વધારી રૂ. 60000 કરી છે. જ્યારે કેપિટલ ગેઇન્સ મારફત થતી આવક પર કોઈ ટેક્સ રિબેટનો લાભ ન મળવાની જાહેરાત કરી છે. નવા ટેક્સ સ્લેબમાં રૂ. 12 લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ, જ્યારે 20થી 24 લાખ સુધીની આવક પર રૂ. 25 ટકાનો સ્લેબ લાગુ કરવામાં આવ્યો છે. તદુપરાંત 24 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ લાગુ થશે.
સીએ જૈનિક વકીલે ટેક્સની ગણતરીને સરળ ભાષામાં સમજાવતાં જણાવ્યું હતું કે, ’12 લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં. જેના સ્લેબ રેટ મુજબ ભાગ પડશે. જેમાં પ્રથમ ચાર લાખ પર ઝીરો ટેક્સ, બાકીના ચાર લાખ પર 5 ટકા, અને બીજા ચાર લાખ પર 10 ટકા એટલે કુલ રૂ. 60000 ટેક્સ ચૂકવવાનો થાય છે. તેમાં ટેક્સ રિબેટ રૂ. 60000 કરવામાં આવતાં કુલ 12 લાખની આવક પર ટેક્સ ઝીરો ટેક્સ ચૂકવવો પડશે.’
નિર્મલા સીતારમણના બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે. હવે નોકરી કરતા લોકો જો નવી કર વ્યવસ્થા પસંદ કરશે તો તેમણે ₹12.75 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. તમને આ રીતે મળશે આ લાભ…
- ₹0 થી ₹4 લાખ – શૂન્ય
- ₹4 થી ₹8 લાખ – 5%
- ₹8 થી ₹12 લાખ – 10%
સરકાર 87A હેઠળ બીજા અને ત્રીજા સ્લેબનો ટેક્સ માફ કરશે. આ સિવાય ₹75 હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે. આ રીતે નોકરી કરતા લોકોની કુલ ₹12.75 લાખની આવક કરમુક્ત થઈ જશે.
ધ્યાનમાં રાખો કે આ રાહત માત્ર નોકરિયાત લોકો માટે છે. અન્ય કોઈપણ સ્ત્રોતમાંથી આવકના કિસ્સામાં કર મુક્તિની મર્યાદા માત્ર ₹12 લાખ હશે. આ ઉપરાંત હવે તમામ કરદાતાઓ છેલ્લાં 4 વર્ષનું IT રિટર્ન એકસાથે ફાઇલ કરી શકશે. અગાઉ આ મર્યાદા 2 વર્ષની હતી, જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા ₹50 હજારથી વધારીને ₹1 લાખ કરવામાં આવી છે.