વિરાજ શાહ : સાવ સુસ્ત, નીરસ અઠવાડિયું પૂરું થયું. સારું થયું કે હોળીના તહેવારની રજા ગુરુવારે નહીં, પણ શુક્રવારે હતી. સળંગ ત્રણ દિવસની રજા તો મળી!
અઠવાડીયા દરમ્યાન નિફ્ટીની સાંકડી રેન્જ:
ગયા અઠવાડિયે આ પેપરના પહેલાં પાનાં પર હેડલાઇન હતી – “નિફ્ટીની સાપ્તાહિક રેન્જ 22750 થી 22400”. સ્વાભાવિકપણે, જ્યારે બજાર આવું સપાટાબંધ ઘટતું આવ્યું હોય, ડોનાલ્ડ ટ્રમ્પ ગમે ત્યારે આવીને ગમે તે નિવેદન કરી દેતાં હોય, ત્યારે આખું અઠવાડિયું નિફ્ટી સાડા ત્રણસો પોઈન્ટની રેન્જમાં રહે એ કેવી રીતે માની શકાય.! પણ, જેણે બજારનો ડેટા જોયો હોય, બજાર જ્યારે વધતું હતું ત્યારે કયા સેક્ટર્સના શેર્સ કેટલી ગતિએ વધતાં હતા અને જ્યારે બજાર ઘટી રહ્યું છે ત્યારે વેચવાલી ક્યાંથી અને કયા સેક્ટર્સથી શરૂ થાય છે, તેની પર નજર રાખી હોય, તો સહેજે અચરજ ન થાય. ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયે નિફ્ટી સ્પોટ લગભગ 200 પોઈન્ટ ગેપ-ડાઉન ખૂલ્યું હતું અને આખરે લગભગ સાતસો પોઈન્ટના ઘટાડે બંધ રહ્યું હતું. તે સમયે F&O માં જે ઓપન ઇન્ટરેસ્ટ સર્જાયું હતું, તે એવાં સ્પષ્ટ સંકેત આપતું હતું કે હાલ પૂરતું તો બજાર અહીથી નીચે નહીં જાય. સામે, બજાર ઉપરની તરફ સતત અવરોધ અનુભવતું હતું. સપ્ટેમ્બરના સર્વોચ્ચ શિખરેથી નિફ્ટી આંકે હાલ 24 અઠવાડીયા પૂરા કર્યા. આ ચોવીસ અઠવાડીયામાંથી 13 અઠવાડીયા નિફ્ટી ઘટી. 1 અઠવાડિયું ખૂલ્યા ભાવથી સાવ નજીક બંધ રહી. 10 અઠવાડીયા નિફ્ટી સુધારા સાથે બંધ રહી. આટલું જાણ્યા પછી એક મિનિટ થોભીને પાછળ નજર કરવાની જરૂર છે.
‘ટોપ’ રચાયું હોવાનું કન્ફર્મેશન:
બજારમાં ‘ટોપ’ રચાઇ ગયું હોવાનું કન્ફર્મેશન હંમેશા ત્રણ મહિના – છ મહિના પછી જ મળવાનું! કેમ કે, જ્યારે બજાર સતત નવા હાઇ બનાવી રહ્યું હોય અને અચાનક પાંચ-સાત ટકા ઘટે, તો તે સમયે કોઈપણ વ્યક્તિ એવું સચોટ રીતે ન કહી શકે કે જે હાઇ રચાયો છે, તે ‘ટોપ’ છે. ઘટાડો શરૂ થયા પછી, તેની આસપાસના પરિબળોને આધારે જ એવો ‘ક્યાસ’ કાઢી શકાય. હાલ, નિફ્ટી છેલ્લા પાંચ મહિના સળંગ ઘટી છે. આ મહિને જો નિફ્ટી 22194 ની નીચે બંધ આવી, તો સળંગ છ મહિનાનો ઘટાડો કહેવાશે. આ મહિને આપણાં બજાર ઉપરાંત યુ.એસ.ના બજારમાં પણ મોટા ઘટાડા જોવાયા છે. ગ્લોબલ માહોલ ખરડાયો છે. એટલે, આપણે હવે ચોક્કસપણે માની શકીએ કે સપ્ટેમ્બરમાં જે ઉચ્ચત્તમ ભાવ જોવાયા, તે ‘ટોપ’ હતું.
અગાઉના બુલ-રન / બેર માર્કેટનો સમયગાળો :

અહી આપેલ ટેબલમાં આપણે જોઈ શકીએ છીએ કે, 2003-04, 2006 અને 2019-20 ના કરેક્શન સહુથી ટૂંકાગાળાના હતા. અનુક્રમે 5, 2 અને 3 માહિનામાં આ કરેક્શન પૂરા થયા હતા અને બજારમાં પાછો બુલ-રન જોવા મળ્યો હતો. હવે, આ ડેટાને ફરી ધ્યાનપૂર્વક જોઈએ, તો જણાય છે કે, 2004-06 ના 23 મહિનાના બુલ-રન અને 2006-07 ના 18 મહિનાના બુલ-રન વચ્ચે એક નાનકડું 2 મહિનાનું કરેક્શન આવ્યું હતું. જો આ 2 મહિનાના કરેક્શનને એકવાર બાજુ પર રાખીએ, તો એમ કહી શકાય કે, (23 + 2 + 18 = 43) મહિનાનો એક સળંગ સમય એવો હતો કે જ્યાં નિફ્ટી લગભગ 400% થી વધુ (1483 થી વધીને 6148 સુધી) સુધરી હતી. ત્યારપછી જે કરેક્શન જોવાયું તે 13 મહિના ચાલ્યું હતું અને નિફ્ટી પચાસ ટકાથી વધુ ઘટી હતી. આમ, બે મોટા બુલ-રન વચ્ચે આવેલ બે-ત્રણ મહિનાના કરેક્શનને તે જ બુલ-રનના ભાગ તરીકે જોઈએ છીએ, ત્યારે આપણને જણાય છે કે, આવા લાંબા બુલ-રન પછી જોવાતાં કરેક્શન પણ લાંબા અને ભાવની દ્રષ્ટિએ મોટાં હોય છે.
છેલ્લા બુલ-રનની વાત કરીએ તો, જાન્યુઆરી 2016 માં પૂરા થયેલ 12 મહિનાના કરેક્શન પછી 46 મહિના બુલ-રન જોવાયો, જેમાં નિફ્ટી 74% વધી. પછી, કોવિડ વાળું 3 મહિનાનું કરેક્શન આવ્યું, જેમાં નિફ્ટી 29% ઘટી. તેના તુરંત બાદ શરૂ થયેલ 54 મહિનાના બુલ-રનમાં નિફ્ટી 200% વધી. કોવિડવાળું કરેક્શન માત્ર ત્રણ મહિના ચાલ્યું હોઇ, આપણે ઉપર ગણતરી કરી તેમ, તેને બે બુલ-રન્સની અંદર સમાવી લઈએ, તો કુલ 103 મહિનાનો બુલ-રન જોવાયો, જેમાં નિફ્ટી લગભગ 400 ટકા (7000 થી 25800 સુધી) વધી. આપણે ઉપર ચર્ચા કરી તેમ, અગાઉ 400% નો બુલ-રન 43 મહિના ચાલ્યો હતો, જ્યારે હમણાંનો 400% નો બુલ-રન 103 મહિના ચાલ્યો છે. જો 400 ટકાના 43 મહિનાના બુલ-રન પછી 55 ટકાનું કરેક્શન આવતું હોય અને તે 13 મહિના ચાલતું હોય, તો 400 ટકાના 103 મહિનાના બુલ-રનનું કરેક્શન 26 કે 30 મહિના ન ચાલી શકે?
‘ચાર્ટેડ ટેરીટરી’માં બજાર:
ટેકનિકલ લેવલને આધારે બજારમાં સોદા કરનાર ઘણીવાર કહેતાં હોય છે કે, હાલ બજાર અન-ચાર્ટેડ ટેરીટરીમાં છે એટલે આગળની ચાલ વિષે કાઇ કહી શકાય નહિ. ‘ટોપ’ બની ગયા પછી સહુથી મોટી શાંતિ એ રહે છે કે બજાર ચાર્ટેડ ટેરીટરીમાં આવી ગયું છે. હવે, આપણી પાસે દરેક લેવલ પર જ્ઞાત સપોર્ટ અને રેઝિસ્ટન્સ છે. અગાઉ જોવા મળેલ ચાલ પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે બજાર ક્યાં ટેકો લે તેમ છે અથવા ક્યાં અવરોધ જણાય છે. હાલ આપણે જાણીએ છીએ કે, 24 ફેબ્રુઆરીએ નિફ્ટી ગેપ-ડાઉન ખૂલી હતી, ત્યારે આગલા ટ્રેડિંગ સેશનનો નીચલો ભાવ 22720 હાલ મુખ્ય અવરોધ તરીકે કામ કરે છે. જો બજાર આ અવરોધ પાર કરવાના મૂડમાં હોત, તો બેંકિંગ, આઈ.ટી. ઓટો, FMCG જેવાં હેવીવેટ સેક્ટર્સ, કે જેમનું નિફ્ટીમાં વેટેજ લગભગ 55% છે, તેમાંથી કોઈક એકાદમાં સારી એવી તેજી જોવા મળી હોત. પરંતુ, આ ચારેય સેક્ટર ઘટી રહ્યા છે અથવા તો સાવ સુસ્ત છે. વિતેલા અઠવાડિયે બેન્કનિફ્ટી એક ટકા જેટલી ઘટી, નિફ્ટી આઈ.ટી. સાડા ચાર ટકા ઘટી, નિફ્ટી ઓટો સવા બે ટકા ઘટાડે અને નિફ્ટી FMCG શૂન્ય ટકા રહ્યો. બીજી તરફ વોલેટિલિટી ઇંડેક્સ નિફ્ટી VIX વિતેલા અઠવાડિયે 13.28 બંધ રહ્યો છે. પાછલાં એક વર્ષનો ડેટા જોઈએ તો જણાય છે કે, બજારની ચાલમાં રિવર્સલ માટે ઉપરમાં 17 થી 19 ની રેન્જ અને નીચેમાં 12.5 થી 10.50 ની રેન્જ નિર્ણાયક રહે છે. તે જોતાં હાલ વોલેટિલિટીમાં કોઈ ધરખમ બદલાવ આવવાની શક્યતા ઓછી જણાય છે. તેવી સ્થિતિમાં આ અઠવાડિયે બજારમાં નરમી આગળ વધી શકે. સાથે જ, જ્યારે વોલેટિલિટીમાં કોઈ મોટો ફેરફાર ન થાય તો આવો ઘટાડો સાધારણ રહે. એટલે કે સપાટાબંધ ઘટાડો ન જોવાય, પણ ધીમેધીમે બજાર નીચું આવતું હોવાનું જોવા મળી શકે, જે છેલ્લા ત્રણેક અઠવાડીયાથી થઈ રહ્યું છે અને આપણે તેને અનુરૂપ આપણો ‘વેપાર’ ગોઠવીએ પણ છીએ. એવો જ ‘વેપાર’ ફરી એક અઠવાડિયું કરી લેવાનો!