
કોલકાતા : ભારતના દરિયાઈ ક્ષેત્રને બંદરોની માળખાગત સુવિધાઓ અને લોજિસ્ટિક્સ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે રૂ. 3-4 લાખ કરોડના રોકાણની જરૂર છે, જેનાથી દેશ વેપારમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકે છે, એમ એક ઉદ્યોગ સંસ્થાએ ગુરુવારે જણાવ્યું હતું. “આ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં ખાનગી રોકાણ મુખ્ય ચાલકબળ રહેશે. ખાનગી ક્ષેત્રની સામેલગીરી માત્ર ભંડોળ માટે જ નહીં, પરંતુ નવીનતા અને કાર્યક્ષમતા દ્વારા વિકાસની ગતિને વેગ આપવા માટે પણ મહત્વપૂર્ણ છે,” ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અભ્યુદય જિંદાલે જણાવ્યું હતું.
નિષ્ણાતોના મતે, નજીકના ભવિષ્યમાં ભારતમાં ખાનગી ક્ષેત્રના રોકાણમાં વધારો થવાની ધારણા છે. “સરકારે મેરીટાઇમ ડેવલપમેન્ટ ફંડનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં આ ક્ષેત્રમાં પ્રોજેક્ટ્સને સરળ બનાવવા માટે રૂ. 25,000 કરોડ ફાળવવામાં આવ્યા છે,” ‘પીએમ ગતિ શક્તિ’ના નિષ્ણાત રાજેશ મેનને જણાવ્યું હતું.
“આ ભંડોળ એક ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે, ભંડોળના અભાવને દૂર કરવામાં અને પ્રોજેક્ટ અમલીકરણને ઝડપી બનાવવામાં મદદ કરશે,” તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ અગાઉ પીએમ ગતિ શક્તિ – મલ્ટી-મોડલ કનેક્ટિવિટી માટે રાષ્ટ્રીય માસ્ટર પ્લાન લોન્ચ કર્યો હતો જે મૂળભૂત રીતે રેલ્વે અને રોડવેઝ સહિત 16 મંત્રાલયોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સના સંકલિત આયોજન અને સંકલિત અમલીકરણ માટે એકસાથે લાવવા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ છે. દરિયાઈ ક્ષેત્ર દેશના કુલ વેપારના લગભગ 75 ટકાનું સંચાલન કરે છે, અને વધતી જતી માળખાકીય માંગને પહોંચી વળવા માટે નોંધપાત્ર રોકાણોની જરૂર છે.
“એક સુસંકલિત મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ માળખું હવે ભારતના આર્થિક વિસ્તરણ માટે એક વિકલ્પ નથી પરંતુ જરૂરિયાત છે. સરકાર, ઉદ્યોગ અને શિક્ષણવિદોને એકસાથે લાવીને, અમે એક કાર્યક્ષમ, ટકાઉ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પરિવહન માળખાનો પાયો નાખી રહ્યા છીએ,” જિંદાલે એક નિવેદનમાં જણાવ્યું હતું. આઇ.સી.સી.ની લોજિસ્ટિક્સ કમિટીના ચેરમેન અને વેસ્ટર્ન કેરિયર્સના સી.ઇ.ઓ. કનિષ્ક સેઠિયાએ ગતિ શક્તિને સપ્લાય ચેઇન માટે “ગેમ-ચેન્જર” ગણાવતા કહ્યું, “મલ્ટિ-મોડલ ઇન્ટિગ્રેશન દ્વારા સિલો તોડવાથી ભારત 2040 સુધીમાં 20 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ આગળ વધી શકે છે.”