ગુરુવારે ઈરાની પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ પેદાશોમાં વ્યાપાર સબબ અમેરિકાએ ભારતની એટલાન્ટીક નેવિગેશન ઓ.પી.સી. પ્રાઈવેટ લિમિટેડ સહિત ચાર શિપિંગ કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો.
સ્ટોક ટુડે એક્સક્લુઝિવ: ગુરુવારે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ ઈરાનીયન પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ પેદાશોમાં વ્યાપાર કરવા સબબ ચાર એંટીટી અને છ જહાજો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમાં ભારતની એક કંપની એટલાન્ટીક નેવિગેશન ઓ.પી.સી. પ્રાઈવેટ લિમિટેડ પણ સામેલ છે. આ કંપની પનામાના ધ્વજ તળે આંતરાષ્ટ્રીય ઓઇલ ટ્રાન્સપોર્ટમાં ઉપયોગમાં લેવાતા જહાજ ‘વિગોર’ માટે ISM મેનેજમેંટ (આંતરરાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાપન) સાંભળતી હતી॰
વાણિજ્યિક બાબતોના મંત્રાલય સમક્ષની નોંધણીમાં આ કંપનીનું સરનામું ઓફિસ નં. એ/903, સમર્થા ઐશ્વર્યા, લિન્ક રોડ પાસે, ઓશિવારા, અંધેરી પશ્ચિમ, મુંબઈ 400053 દર્શાવવામાં આવ્યું છે. પરંતુ, કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ સરનામું રૂમ નં.10, ચાલ નં. બી, સાઈ શ્રદ્ધા નગર, ઉમભારણી રોડ પાસે, ટીટવાલા પશ્ચિમ, થાણે – 421102 દર્શાવવામાં આવ્યું છે.
વર્ષ 1979 માં તહેરાન સ્થિત અમેરિકન દૂતાવાસ કબ્જે કરી લીધાની ઘટના બાદ અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો લગાવ્યા છે અને ચાલીસ વર્ષથી વધારે સમયથી આ પ્રતિબંધો ચાલુ રહ્યા છે. હાલની ઈઝરાયેલ – ઈરાન વચ્ચેના તણાવની સ્થિતિમાં યુ.એસ. આ પ્રતિબંધો બાબત વધુ ચોકસાઇ રાખી રહ્યું છે. ઈરાન પોતાના ખનીજ ભંડારો માંથી મળતા પેટ્રોલિયમ ઉત્પાદનોનું વેચાણ કરી, પોતાના ન્યુક્લિયર પ્રોગ્રામ માટે સ્ત્રોતો એકઠાં કરતું રહ્યું હોવાનો આરોપ યુ.એસ. લગાવતું રહ્યું છે.
આથી, ઈરાન પાસેથી પેટ્રોલિયમ પેદાશોની ખરીદી કરનાર કે તેને આંતરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનો વેચવામાં સહાય કરનાર દેશ કે કંપનીઓને પણ યુ.એસ.ના પ્રતિબંધોનો સામનો કરવો પડે છે. ઘણીવાર યુ.એસ. આવા પ્રતિબંધોમાંથી અમુક રાષ્ટ્રો કે કંપનીઓને છૂટ પણ આપે છે.
હાલમાં યુ.એસ. એ ચાર કંપનીઓ અને ત્રણ ખનીજતેલ વાહક જહાજો સામે એવાં આરોપસર પ્રતિબંધ લગાવ્યો છે કે તેઓ હજારો કરોડ ડોલરના પેટ્રોલિયમ પેદાશોના વ્યાપારમાં ઈરાનની મદદગારી કરી રહ્યા છે.
યુ.એસ.ના ટેરરિઝમ એન્ડ ફાઈનાન્શિયલ ઇન્ટેલિજન્સના કાર્યકારી ઉપ-સચિવ બ્રેડલી ટી. સ્મિથે નિવેદન આપ્યું છે કે, “ઇરાન પોતાના પરમાણું કાર્યક્રમ અને હથિયાર પ્રણાલીઓના વિકાસ અને પોતાના વતી કામ કરી રહેલ પક્ષકારોને મદદ કરવા માલવાહક જહાજો, કંપનીઓ અને તેના સહયોગીઓના છ્દ્મ નેટવર્કનો સતત ઉપયોગ કરી રહ્યું છે.”
યુ.એસ.ના ડિપાર્ટમેંટ ઓફ સ્ટેટ્સે હાલમાં આ કંપનીઓ અને જહાજોની ઓળખ કરી તેમના પર પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાના કાયદા ‘કાઉન્ટરિંગ અમેરિકન એડવરસરિસ થ્રુ સેંકશન્સ એક્ટ’ની કલમ 106 ના માપદંડો મુજબ ઈરાન સ્થિત ગિઝેલ હેઝર પ્રિસન કાર્યવાહીને પાત્ર જાણતા હોવાનું પણ ડિપાર્ટમેંટ ઓફ સ્ટેટ્સે જણાવ્યુ છે.
ઈરાનમાં આંતરાષ્ટ્રીય સ્વીકૃત માનવાધિકારોનો ભંગ, વ્યક્તિઓ પર ક્રૂર, અમાનવીય સજાઓ દ્વારા ઘાતકીપણું આચરવા સબબ ગિઝેલ હેઝર પ્રિસનની યુ.એસ.ના ડિપાર્ટમેંટ ઓફ સ્ટેટ્સે ઓળખ કરી છે. એક રીતે કહી શકાય કે, આંતરરાષ્ટ્રીય ધોરણે સ્વીકૃત અભિવ્યક્તિની આઝાદીના માનવાધિકારના ઉલ્લંઘન સબબ તેની સામે આ તહોમત ફરમાવાયું છે.
ભારતની એટલાન્ટીક નેવિગેશન ઉપરાંત ટાપુ-દેશ સેશેલ્સ સ્થિત શાઈની સેલ શિપિંગ લિમિટેડ, સુરીનામ સ્થિત ગેલેક્ષી મેનેજમેંટ એન.વી. અને હોંગકોંગ સ્થિત બ્રેકાલીન હોંગકોંગ કંપની લિમિટેડ પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. યુ.એસ. એ આરોપ લગાવ્યો છે કે આ તમામ કંપનીઓ ઈરાની પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ પેદાશો ખરીદવામાં, તેનું વેચાણ, માર્કેટિંગ અને પરિવહન કરવામાં સંડોવાયેલ છે.
સેશેલ્સ સ્થિત શાઈની સેલ શિપિંગ લિમિટેડ કેમેરૂન દેશના ધ્વજ તળે ચાલી રહેલ માલવાહક જહાજ અવિતલ અને સુરીનામ સ્થિત ગેલેક્ષી મેનેજમેંટ એન.વી. પનામા દેશના ધ્વજ તળે ચાલતાં માલવાહક જહાજ વિગોરમાં હિત ધરાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે હોંગકોંગ સ્થિત બ્રેકાલીન હોંગકોંગ કંપની લિમિટેડ બાર્બાડોસના ધ્વજ તળે ચાલતાં માલવાહક જહાજો પ્રોગ્રેસ-5 અને સ્કોરપિયસ અને પનામાના ધ્વજ તળે ચાલતાં માલવાહક જહાજો તાસ્કા અને એલિઝા-2ની માલિક હોવાનો આરોપ છે.