કેતન પારેખ અને અન્યો સામે સેબીના આદેશમાં પીબી ફિનટેકના શેર વેચવા માટે ૧૧, નવેમ્બરના રોજ આપવામાં આવેલી ટ્રેડીંગ સૂચનાઓની ચેટના સ્ક્રિનશોટનો ઉલ્લેખ
મુંબઈઃપીબી ફિનટેકના શેરમાં અમેરિકા સ્થિત ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ટાઈગર ગ્લોબલના ફ્રન્ટ-રનિંગ ટ્રેડમાં ઓપરેટરોની રિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ સેબી તપાસમાં થયો છે. સ્ટોક એક્સચેન્જોના ડેટા એ પુષ્ટિ કરી છે કે, સેબીએ માર્કેટ ઓપરેટર કેતન પારેખ અને સિંગાપોર સ્થિત ટ્રેડર રોહિત સાલગાવકર અને અન્ય કંપનીઓ સામે તેના ૨, જાન્યુપઆરીના આદેશમાં બિગ ક્લાયન્ટ તરીકે ઉલ્લેખ કર્યો છે.
સ્ટોક એક્સચેન્જના ડેટા દર્શાવે છે કે, તે ટાઈગર ગ્લોબલ અને યુ.એસ. સ્થિત ઈન્વેસ્ટમેન્ટ ફર્મની માલિકીનું ફંડ હતું, જેણે ૧૧, નવેમ્બર ૨૦૨૨ના રોજ પીબી ફિનટેકના શેરો વેચ્યા હતા. સેબીના આદેશમાં પોલિસી બઝારની પેરન્ટ કંપની પીબી ફિનટેકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આ કંપનીમાં ફ્રન્ટરનિંગ કરીને કથિત ખોટું કરનારાઓ મામલે સેબીએ ફંડ અથવા એન્ટિટીનું નામ જાહેર કર્યું નથી. સેબીએ પણ ફંડને ‘બિગ ક્લાયન્ટ’ તરીકે ઓળખાવ્યું છે.
કેતન પારેખ, સલગાંવકર અને અન્યોનું જૂથ સોદા-ટ્રેડ્સમાં ફ્રન્ટ-રનિંગ કરવા ઉપરાંત ટાઈગર ગ્લોબલને પીબી ફિનટેકના શેરો વેચવામાં આવ્યા ત્યારે એ બીજી બાજુ ખરીદીમાં હતા એમ સેબીની તપાસમાં બહાર આવ્યું છે. ફ્રન્ટ-રનિંગ એ મોટા આગામી ઓર્ડર વિશે બિન-જાહેર માહિતીના આધારે વ્યક્તિગત સોદા મૂકવાની ગેરકાયદેસર ગણાતી પ્રથા દર્શાવે છે. જે સુરક્ષિત ભાવ નિર્ધારણને અસર કરે છે. આ પ્રથા ટ્રેડરને મોટા ઓર્ડરો બજારમાં આવે તે પહેલા ખરીદી અને વેચાણ થકી નફો કરવાની તક આપે ચે અને એ બજારમાં મેનીપ્યુલેશન કહેવાય છે.
૧૧, નવેમ્બર ૨૦૨૨ના રોજ બિગ ક્લાયન્ટના બે ફંડોએ પીબી ફિનટેક (પોલિસી બઝાર)ના ૫૨.૫ લાખ શેરો વેચ્યા હતા. જેમાં એવું જાણવા મળ્યું હતું કે, જીઆરડી સિક્યુરિટીઝ લિમિટેડ (ફ્રન્ટ-રનર-૧), સાલાસર સ્ટોક બ્રોકિંગ લિમિટેડ (ફ્રન્ટ-રનર-૨) અને અનિરૂધ્ધ દામાણી (ફ્રન્ટ-રનર-૩) દ્વારા ૨૦.૬૧ લાખ શેરો માટે બિગ ક્લાયન્ટ સાથેના તેમના સોદાનો તાળો મળતો આવે છે એમ સેબીના ૧૮૮ પાનાના આદેશમાં જણાવાયું છે.
બીએસઈના ડેટા દર્શાવે છે કે, બે કંપનીઓ, ટાઈગર ગ્લોબલ એઈટ હોલ્ડિંગ્સ અને ઈન્ટરનેશ ફંડ થ્રી પીટીઈ લિમિટેડ જે ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટ દ્વારા સંચાલિત વેન્ચર કેપિટલ ફંડ છે એમણે ૨૦૨૨માં પીબી ફિનટેકના કુલ ૧.૨૩ કરોડ શેરો વેચ્યા હતા. ટાઈગર એઈટ હોલ્ડિંગ્સે ૭૬.૧૩ લાખ શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ઈન્ટરનેટ ફંડ થ્રી પીટીઈ લિમિટેડે ૫૧.૬ લાખ ઈક્વિટી શેરોનું વેચાણ કર્યું હતું.
ટાઈગર ગ્લોબલે એનએસઈ પર પણ પીબી ફિનટેકના ૩૨.૮૪ લાખ ઈક્વિટી શેરો વેચ્યા હતા, જે ૧૧, નવેમ્બર ૨૦૨૨ના રોજ રૂ.૩૮૮.૩૪ ભાવે વેચ્યા હતા. સેબીના આદેશમાં ગુ્રપ ચેટ્સના સ્ક્રીનશોટનો સમાવેશ કરાયો છે, જેમાં પારેખ કથિત રીતે પીબી ફિનટેકના શેરો માટેના ઓર્ડર વેચવાના સંદર્ભમાં અન્ય લોકોને ટ્રેડિંગ સૂચનાઓ આપી રહ્યા છે.
આ આદેશમાં ઘટનાઓના ઘટનાક્રમ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેમાં સલગાંવકર, જેમની સાથે ટાઈગર ગ્લોબલ ચોક્કસ ઓર્ડર આપતા પહેલા પરામર્શ કરતું હતું, તેણે પારેખને માહિતી આપી હતી, જેણે ત્યાર બાદ વોટ્સએપ ગુ્રપોમાં ટ્રેડિંગ સૂચનાઓ આપી હતી.
‘રોહિત સલગાંવકરને તે દિવસે પોલિસી બઝાર વેચવા અંગે બિગ ક્લાયન્ટના ટ્રેડર પાસેથી સૂચના મળી હોવાથી, તેની જાણ કેતન પારેખને કરવામાં આવી હતી, જેણે બદલામાં ફ્રન્ટ રનર-૨(સાલાસર સ્ટોક બ્રોકિંગ)ને પોલિસી બઝાર લિમિટેડના શેર વેચવાની સૂચના આપી હતી, એમ સેબીના આદેશમાં જણાવાયું છે.’
‘એ દિવસે બજારના ટ્રેડીંગ કલાકો પહેલા, સવારે ૯:૦૦થી ૯:૫૮ વાગ્યા દરમિયાન રોહિત સલગાંવકર અને બિગ ક્લાયન્ટના ટ્રેડર વચ્ચે પોલિસી બઝાર વિશે ચર્ચા થઈ હોવાનું અને બિગ ક્લાયન્ટના ટ્રેડરે રોહિત સલગાંવકરને પુષ્ટિ આપી હતી કે, તેઓ તે દિવસે પોલિસી બજારના શેરો વેચશે.
કેતન પારેખે વોટ્સએપ ગુ્રપ ‘જેક-સેરો’માં અલગ અલગ ભાવે પોલિસી બજારના શેર વેચવા માટે અનેક સૂચનાઓ આપી હતી, એમ આદેશમાં ઉમેરવામાં આવ્યું છે.સેબીના આદેશમાં વધુ જણાવાયું છે કે, સવારે ૧૧:૧૬ વાગ્યે, ફ્રન્ટ રનર-૨ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે, બીએસઈ પર ૫,૮૦,૮૬૯ શેરોનો ખરીદીનો ઓર્ડર અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેમાંથી ૫,૭૯,૦૦૧ શેરો બિગ ક્લાયન્ટ સાથે મેળ ખાત હતા.