ઉત્તરાયણમાં લોકો જે વિવિધ રંગબેરંગી પતંગ ઉડાડે છે તે ગુજરાતમાં ખંભાત અને નડીયાદની જેમ અમદાવાદના અનેક વિસ્તારો પતંગ ઉદ્યોગના હબ જેવા છે. અમદાવાદમાં અનેક પરિવાર વર્ષના નવ મહિના પતંગ બનાવ્યા જ કરે છે. માત્ર ચોમાસાના ચાર મહિના જ કામગીરી બંધ રહે છે. વર્ષ દરમિયાન પતંગ બનાવતા અનેક પરિવારોને રોજી પુરી પાડતો આ ગૃહઉદ્યોગ અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળે છે.
ઉત્તર ભારતમાંથી વર્ષે દોઢ લાખ કારીગરો પતંગ બનાવવા માટે અમદાવાદ અને સુરત આવે છે. એકલું ગુજરાત રૂ. 650 કરોડના પતંગ બનાવીને સમગ્ર ભારતનું 95% માર્કેટ ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદ અને સુરતના હાથમાં છે. શિયાળામાં સ્વાભાવિક રીતે આકાશમાં પતંગો દેખાવાના શરુ થાય છે જે જાન્યુઆરીની 14મી અને 15મી તારીખે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સર્વોચ્ચ સ્તરે દેખાતા જ સમગ્ર તહેવાર અનેક યાદો સાથ શમી જાય છે. પતંગના માર્કેટ સક્રિય થઈ જાય છે પરંતુ માર્કેટની આ પૂર્તિ માટે છ મહિના પહેલા અમદાવાદના જમાલપુર, કાળુપુર, દરિયાપુર, રાયખડ, ઘીકાંટા, નરોલ, વટવા, જમાલપુર, રામોલ, ઓઢવ, ઈસનપુર, ગોમતીપુર, બાપુનગર, અમરાઈવાડી જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં મુસ્લીમ કારીગરો પતંગ બનાવવા બીજા શહેરોમાંથી આવે છે. ખાસ કરીને જયપુર, રાયબરેલી, મેરઠ, ગાઝીયાબાદ, ઈન્દોર જેવા શહેરોમાંથી કારીગરો પતંગ બનાવવા માટે અમદાવાદ આવે છે.
પતંગની બનાવટ માટે બટર પેપર, ટીસ્યૂ પેપર, લોકલ ઉપરાંત પોલીસ્ટર પ્લાસ્ટિક પેપરનો ઉપયોગ થાય છે. જેના માટે વાંસની સળીઓનો ઉપયોગ થાય છે. પતંગની ચારેય બાજુને બાંધવા માટે દોરીનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે પતંગ પર થ્રી ડી પ્રિન્ટિંગ પણ કરવામાં આવે છે. પતંગ માત્ર લોકલ માર્કેટમાં જ નહીં પરંતુ કોર્પોરેટ ગિફટિંગમાં પણ સ્થાન પામ્યા હોવાથી કંપનીઓ પોતાના કર્મચારીઓને પતંગ ફીરકીની ભેટ આપતી હોવાથી કસ્ટમાઈઝ પતંગ પણ બજારમાં મળવા લાગ્યા છે.
અમદાવાદમાં માત્ર બે રૂપિયાથી લઈને રૂ.1000 અને રૂ.5000ના પતંગો પણ મળે છે. જેમાં તેની સાઈઝ, કાગળ અને વપરાયેલા મટીરિયલ્સ પર આધારિત છે. અમદાવાદમાંથી અન્ય દેશોમાં પણ પતંગો એકસપોર્ટ થાય છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, મધ્ય એશિયાઈ દેશોમાં અમદાવાદથી પતંગો જાય છે.