ખાદ્યચીજોમાં ભેળસેળ સહીતનાં દુષણો બેફામ હોય તેમ ગુજરાતમાં ચાલુ વર્ષે 8.3 ટકા સેમ્પલો ગુણવતા માપદંડોમાં ફેઈલ થયા હતા. એપ્રિલથી સપ્ટેમ્બરનાં છ મહિનામાં 4316 ખાદ્યચીજોનાં સેમ્પલ ચકાસવામાં આવ્યા હતા તેમાંથી 360 નિષ્ફળ રહ્યા હતા.
સંસદમાં પેશ થયેલા રીપોર્ટ પ્રમાણે 2021-22 માં 824, 2022-23 માં 978 તથા 2023-24 માં 910 સેમ્પલ નિષ્ફળ માલુમ પડયા હતા.ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા દ્વારા ખાદ્યચીજોમાં થતી ભેળસેળ વિશેના સવાલ પૂછવામાં આવ્યો હતો. દુધ, ખાદ્યતેલ, મીઠાઈ સહીતની ચીજોમાં ભેળસેળ આચરતા તત્વો સામે પગલાની પણ માહીતી માંગવામાં આવી હતી.
કેન્દ્રીય આરોગ્ય રાજયમંત્રી પ્રતાપરાવ જાદવે લેખીત જવાબમાં કહ્યું કે ફૂડ સેફટી એન્ડ સ્ટાર્ન્ડડ એકટ હેઠળ ખાદ્યચીજોની ગુણવતા ચકાસવા માટે નિયમીત રીતે તપાસ કરવામાં આવતી હોય છે.
2021-22 ના વર્ષમાં 13663 માંથી 824 ફેઈલ થયા હતા.તેની ટકાવારી 6.03 ટકા હતી. 2022-23 માં 6.72 ટકા તથા 2023-24 માં 5.74 ટકા સેમ્પલ ફેઈલ થયા હતા.ચાલુ વર્ષે પ્રથમ છ માસમાં આ ટકાવારી 8.3 ટકા થઈ છે.
ગુજરાત ફૂડ વિભાગ દ્વારા તહેવારોની સિઝન પૂર્વે ખાદ્યચીજોમાં ભેળસેળ પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને તે દરમ્યાન 6.32 કરોડની કિંમતની 2.26 લાખ કિલો ખાદ્યચીજો જપ્ત કરવામાં આવી હતી
ગત 3 થી 17 ઓકટોબર દરમ્યાન આ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. રાજયવ્યાપી દરોડા ઓપરેશનમાં 115 સ્થળોએ દરોડા પાડીને 8246 સેમ્પલ લીધા હતા. મીઠાઈ, ખાદ્યતેલ, ઘી, અનાજ, મસાલા, ડ્રાયફ્રુટ, સહીતની ખાદ્યચીજોમાં ભેળસેળ પકડવામાં આવી હતી.