મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિફ્ટ સિટીમાં
ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટનો પ્રારંભ
કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રી શ્રી કિંજરાપુ રામમોહન નાયડુની વિશેષ ઉપસ્થિત
- આઈ.એફ.એસ.સી.એ ફાઈનાન્સ એન્ડ લિઝિંગ એક્ટીવિટીઝનું ઓન-શોરિંગ કેન્દ્ર બન્યુ છે. જાન્યુઆરી-૨૦૨૫ સુધીમાં ૩૩ એરક્રાફ્ટ એન્ડ ફાઈનાન્સિંગ કમ્પનીઝનું આઈ.એફ.એસ.સી.એ.માં રજીસ્ટ્રેશન થયુ છે.
- સીમલેસ ઈન્ટીગ્રેશન ઓફ પ્રોડક્શન – ફાઈનાન્સિંગ અને લિઝિંગ કેપેબિલીટીસથી દેશમાં નજીકના ભવિષ્યમાં જ સિવિલ એવિએશન એરક્રાફ્ટ બનતા થશે.
ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ગુજરાતના વધતા પ્રભાવને પરિણામે ગ્લોબલ ઓરીજીનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEM) ગુજરાતમાં આકર્ષિત થયા છે.
એટલું જ નહીં, ઉદ્યોગોને અનુકૂળ માહોલ, પોલીસી ડ્રીવન ગવર્નન્સ અને સ્કીલ્ડ વર્ક ફોર્સની સરળ ઉપલબ્ધિને કારણે મોટા એન્જિનિયરિંગ, ઓટો ઇન્ડસ્ટ્રીઝ અને એરોસ્પેસ સેક્ટરની કંપનીઝના એકમો રાજ્યમાં કાર્યરત થયા છે.
મુખ્યમંત્રીશ્રી ગીફ્ટ સીટી ખાતે આયોજિત ઇન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ-૨૦૨૫નો પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કિંજરાપુ રામમોહન નાયડુ, નાગરિક ઉડ્ડ્યન સચિવ શ્રી વી વુલનમ, ગિફ્ટ સિટીના ચેરમેન શ્રી ડૉ. હસમુખ અઢિયા, આઈ.એફ.એસ.સી.ના ચેરમેન શ્રી કે રાજા રમણ સહિત એવિએશન એન્ડ એરક્રાફ્ટ ક્ષેત્રના અગ્રણીઓ આ સમિટના ઉદઘાટન સત્રમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં નિર્માણ થયેલું ગિફ્ટ સિટી હવે દેશના ફિનટેક હબ તરીકે ખ્યાતિ પામ્યું છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આવા યોગ્ય સ્થળે આ સમિટનું આયોજન એવિએશન સેક્ટર માટે નવા અવસરો ખોલશે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પાછલા દસકામાં એવીએશન ક્ષેત્રમાં મોટા બદલાવ આવ્યા છે અને ભારત એવીએશન ઈકોસિસ્ટમનું મજબૂત આધાર સ્તંભ બન્યું છે. દેશમાં મેન્ટેનન્સ, રીપેર અને ઓવરઓલ સર્વિસીસ MRO ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે વિશેષ નીતિ પણ બનાવવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશનો સામાન્ય માનવી પણ વિમાનની યાત્રા કરી શકે તેવા અભિગમ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉડાન યોજના શરૂ કરાવી છે. દેશમાં એરપોર્ટ્સની સંખ્યા પણ બમણી થઈ છે અને હવે તો થ્રી ટીયર અને ટુ ટીયર સિટીઝ પણ એર કનેક્ટિવિટીથી જોડાયા છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતને પાછલા બે અઢી દાયકાથી વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ મળતો રહ્યો છે. તેમના દિશાદર્શનમાં રાજ્ય સરકાર એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપી રહી છે. રાજ્યમાં બે ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત ૧૯ એરપોર્ટ કાર્યરત છે. તેમજ દેશના પહેલા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ધોલેરામાં સ્ટેટ ઓફ ધ આર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એરપોર્ટનું નિર્માણ થવાનું છે તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, ગિફ્ટ સિટીમાં કાર્યરત આઈ.એફ.એસ.સી.એ. એરક્રાફ્ટ લિઝિંગ અને ફાઇનાન્સિંગની સુવિધાઓ એક જ છત્ર નીચે પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. ભારતમાં આવનારા ગ્લોબલ એવીએશન લીડર્સ માટે આ સુવિધા ફાયદારૂપ થશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી કિંજરાપુ રામમોહન નાયડુએ વિશ્વમાં ઇકોનોમિક પાવર હાઉસ તરીકે ઉભરી રહેલા ભારતના ગ્રોથ એન્જિન રાજ્ય ગુજરાતમાં યોજાઇ રહેલી આ સમિટને ઉપયુક્ત ગણાવી હતી.
તેમણે વડાપ્રધાનશ્રીના આગવા વિકાસ વિઝનથી નિર્મિત ગિફ્ટ સિટી આજે સિંગાપોર, દુબઈ જેવા ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર્સ સમકક્ષ બન્યું છે અને બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. તેનો શ્રેય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના પરિણામદાયી પ્રયાસોને આપ્યો હતો.