ખાડિયાના કુખ્યાત મોન્ટુ નામદારના ખાડિયા હજીરાની પોળમાં આવેલા મકાનમાંથી રોકડા રૂ1.80 કરોડ અને 2 એરગન મળી આવી હતી. એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને મોન્ટુ નામદારના ભાઈ ડેનીની ધરપકડ કરી હતી. મોન્ટુ નામદારે ખાડિયાના ભાજપના નેતા રાકેશ મહેતાની જાહેરમાં હત્યા કરી હતી. અને નડિયાદ જેલમાં છે. આ પૈસા દારુ, જુગાર, ક્રિકેટ સટ્ટા કે હવાલાના હોવાની હોવાની આશંકા છે અને આ પૈસા મોન્ટુના હોવાની શંકા પોલીસે નકારી નથી. એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળાને બાતમી મળી હતી કે હજીરાની પોળમાં રહેતા ડેની ઉર્ફે ફોન્ટીસ સુરેશભાઈ ગાંધી ઉર્ફે નામદારના મકાનમાં કરોડો રૂપિયા રોકડા અને હથિયારો આવ્યા છે. જેના આધારે ટીમે દરોડો પાડયો હતો. દરમિયાનમાં તેના ઘરમાંથી રોકડા રૂ.1.80 કરોડ અને 2 એરગન મળી આવી હતી. આ અંગે એસઓજીની ટીમે ગુનો નોંધી પૈસા અને એરગન સાથે ડેનીની ધરપકડ કરી હતી.
મોન્ટુ નામદાર નડિયાદ જેલમાં બેઠા બેઠા જ ગેંગ ઓપરેટ કરી રહ્યો છે. જેના કારણે રાકેશ મહેતાની હત્યા કેસના ફરિયાદી પવન ગાંધી અને તેમના પરિવારને જીવનું જોખમ હોવાની ફરિયાદો પવન ગાંધી એ પોલીસને કરી હતી.