ક્રિસમસની ઉજવણી ટાણે જ દેશના અનેક રાજયોમાં હવામાનપલ્ટો સર્જાયો છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા ઉતરાખંડના પર્વતીય ભાગો બરફથી ભરચકક છે અને પ્રવાસીઓમાં આનંદોત્સવ છે. સાથોસાથ અનેક અવરોધોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ પાટનગર દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશમાં વરસાદ વરસ્યો હતો. રાજસ્થાનમાં કરા પડવાનુ એલર્ટ જારી કરાયુ છે.
પર્વતીય રાજયોમાં હિમવર્ષાને પગલે સમગ્ર ઉતરભારતમાં ઠંડી કહેર વરસાવા લાગી છે. કાશ્મીરમાં સોનમર્ગ સહિતના ભાગો બરફથી ઢંકાઈ ગયા છે. અનેક હાઈવે-માર્ગો બંધ છે. હિમાચલમાં રોહતાંગ તથા કુકરીમાં ભારે વરસાદથી 10 હજાર પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તથા 115થી વધુ માર્ગો બંધ કરાયા હતા.
બીજી તરફ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણામાં વરસાદ પડયો હતો. રાજસ્થાન-મધ્યપ્રદેશમાં હજુ બે-ત્રણ દિવસ કરા-વરસાદનુ એલર્ટ અપાયુ છે. રાજસ્થાન સરકાર દ્વારા 5 જાન્યુઆરી સુધી સ્કુલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
કાશ્મીરમાં તાપમાનનો પારો નોર્મલ કરતા 2થી5 ડિગ્રી નીચે છે. શ્રીનગરમાં ન્યુનતમ તાપમાન માઈનસ 6.6 ડીગ્રી, પટલગામમાં માઈનસ 7.8 ડીગ્રી, ગુલમર્ગમાં માઈનસ 7.4 ડીગ્રી નોંધાયુ હતું.
ઉતરાખંડના ઔલીમાં પણ ક્રિસમસના આગલા દિવસે ભારે હિમવર્ષા થઈ હતી અને સર્વત્ર અર્ધો ફુટ બરફ જામી ગયો હતો. ધાર્મિક સ્થાન ગંગોત્રીમાં તાપમાન માઈનસ 20.6, યમુનોત્રીમાં માઈનસ 8-9, કેદારનાથમાં માઈનસ 13 ડીગ્રી તાપમાન નોંધાયુ હતુ.
સિમલામાં ‘વ્હાઈટ ક્રિસમસ’: મનાલીમાં સેંકડો વાહનો હજારો પ્રવાસી અટવાયા
કાશ્મીર, હિમાચલ, ઉતરાખંડ જેવા રાજયોમાં હિમવર્ષાથી બરફની ચાદર પથરાઈ છે. ‘વ્હાઈટ ક્રિસમસ’ની ઉજવણી છે.સિમલામાં સાત સેમી બરફ વરસ્યો હતો. જેને પગલે પ્રવાસીઓની સંખ્યામાં એકાએક 30 ટકાનો વધારો થઈ ગયો હતો.
હિમવર્ષાને કારણે હિમાચલના 223 રસ્તા બંધ પડયા હતા.મનાલીમાં અટલ સરોવર નજીક 500 વાહનો ફસાયા હતા અને પ્રવાસી વાહનોની કતારો જોવા મળી હતી.