ભુજ
થોડા સમય પૂર્વે મોરબીના રામપરા વન્યજીવ અભયારણ્યમાંથી ખાસ પ્રકારના વાહનમાં બન્ની સુધી ટ્રાન્સલોકેટ કરવામાં આવેલા 30 જેટલાં ચિતલ હરણને કચ્છની આબોહવા ધીરે-ધીરે ફાવી રહી છે.
બન્ની પ્રદેશમાં આકાર પામી રહેલા ચિત્તા અને કાળીયાર પ્રજાતિના હરણના સંવર્ધન કેન્દ્રને પોતાનું નવું ઘર બનાવનારા ચિતલ હરણની અહીં વંશવૃદ્ધિ થઈ છે. એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાનોમાં વિચરનારી એક રૂપકડી માદાએ પાંચ બચ્ચાઓને જન્મ આપતાં સંવર્ધન કેન્દ્રમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
કચ્છના મુખ્ય વન સંરક્ષક ડો.સંદીપ કુમારે જણાવ્યું હતું કે, સાસણ ગીરના જંગલમાં રહેલા ચિતલને રણપ્રદેશ કચ્છની આબોહવા અનુકૂળ આવી રહી છે. બન્નીમાં 100 હેકટર વિસ્તારમાં ફેન્સીંગમાં તેમનો પરિવાર વધી રહ્યો છે. હાલ બચ્ચાંઓ પર સીસીટીવી કેમેરાથી રાઉન્ડ-ધી કલોક મોનિટરીંગ થઇ રહ્યું છે અને તેમની દેખભાળ માટે અલાયદો સ્ટાફ પણ ફાળવાયો છે.
જંગલમાં રહેવા ટેવાયેલા ચિતલને કચ્છ જેવા સૂકા રણપ્રદેશમાં વસાવવા માટે 100 હેકટર વિસ્તારમાં ફેન્સીંગ ઉભી કરી અત્યાધુનિક સંવર્ધન કેન્દ્રના નિર્માણકાર્યની પ્રક્રિયા ચાલી રહી છે.
મૃગને ઘાસના પ્લોટમાં જ મૂકવામાં આવ્યા છે અને શેડ, પાણીના પોઇન્ટ અને ખોરાક સાથે આસપાસની અનૂકૂળ સ્થિતિઓ ઉભી કરવામાં આવી રહી છે. ગીરના જંગલમાં ચિત્તલની વસ્તી 90 હજારથી વધુ છે. તાજેતરમાં બરડા અભયારણ્યમાં સફળતાપૂર્વક 23 ચિતલને ટ્રાન્સલોકેટ કરવામાં આવ્યા હતા તેમ સંદીપ કુમારે ઉમેર્યું હતું.