ગાઝા : દક્ષિણ ગાઝામાં મંગળવારે મોડી રાત્રે ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયાં હતાં. આ હવાઈ હુમલામાં માર્યા ગયેલાં લગભગ તમામ મહિલાઓ અને બાળકો હતાં. આ પહેલાં ઈઝરાયેલના ફાઈટર પ્લેન અને ડ્રોને ગાઝા પટ્ટીમાં 100થી વધુ સ્થળો પર બોમ્બમારો કર્યો હતો.
જેમાં 200 જેટલાં લોકોનાં મોત થયાની માહિતી સામે આવી હતી. નજીકનાં ખાન યુનિસમાં નાસેર હોસ્પિટલનાં બાળકોનાં વોર્ડના ડિરેકટર અહેમદ અલ-ફારાએ જણાવ્યું હતું કે એક જ કેમ્પમાં રહેતાં પાંચ બાળકોનાં મોત થયાં છે. કેમ્પ, ઘરો અને વાહન પર હુમલા બાદ 8 બાળકોનાં અને 5 મહિલાઓનાં મૃતદેહો હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં.
આ હુમલા અંગે ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, તેણે 7 ઓક્ટોબર, 2023ના રોજ હુમલામાં ભાગ લેનારાં આતંકવાદીઓને નિશાન બનાવ્યાં હતાં. તેણે નાગરિકોને થતાં નુકસાનના જોખમને ઘટાડવા માટે પગલાં લીધાં અને હમાસને નાગરિકોની જાનહાનિ માટે જવાબદાર ગણાવ્યું હતું.
ગાઝામાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો કોઈ અંત જોવા મળતો નથી, જોકે યુદ્ધવિરામ અને હમાસ દ્વારા રાખવામાં આવેલા ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાના હેતુથી લાંબા સમયથી ચાલતી વાટાઘાટોમાં તાજેતરમાં પ્રગતિ થઈ છે.