આધાર સાથે મોબાઈલ લીંકઅપ ધરાવનારા જાન્યુઆરીથી ઘરબેઠા લર્નિંગ લાયસન્સ
લર્નિંગ લાયસન્સ મેળવવા માંગતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર છે. જાન્યુઆરી મહિનાથી ઘરબેઠા જ લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે અને તે માટે આરટીઓ કચેરી કે અધિકૃત કેન્દ્રો પર રૂબરૂ જવાની જરૂરિયાત નહીં રહે.
પરિવહન વિભાગના સૂત્રોએ કહ્યું છે કે સૂચિત યોજનાનો જાન્યુઆરીથી અમલ કરવાનો નિર્ણય લેવાયો છે. આધાર સાથે મોબાઈલ ફોન નંબર લીંક ધરાવતા લોકો તેનો લાભ લઈ શકશે. વિસ્તૃત વિચારણા તથા ચકાસણી બાદ નવી સીસ્ટમ લાગુ કરવાનું નકકી કરાયુ છે. પ્રવર્તમાન સિસ્ટમમાં લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ કચેરી કે પોલીટેકનીક-આઈટીઆઈ જેવા અધિકૃત કેન્દ્રો પર રૂબરૂ જવુ પડે છે.
કેન્દ્ર સરકાર દ્વારા લર્નિંગ ટેસ્ટ માટે અરજદાર ગમે ત્યાંથી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા કહેવામાં આવ્યુ હતું. સૂત્રોએ કહ્યું કે નવી વ્યવસ્થા હેઠળ અરજદારના આધારકાર્ડના ડેટાના આધારે ‘ફેસ રીકોગ્નીઝન’થી સીસ્ટમ કામ કરશે. આ હેઠળ અવાજને ધ્યાને નહી લેવાય.
રાજય સરકારે તાજેતરમાં કોમ્પ્યુટર ટેસ્ટમાં ઉતીર્ણ થવા માટે માર્કસની મર્યાદા ઘટાડી હતી. અગાઉ 15માંથી 11 પ્રશ્ર્નોના સાચા જવાબ આપવાનું ફરજીયાત હતું તે સંખ્યા હવે 9ની છે. દેશના 19 રાજયોમાં આ નવી સીસ્ટમ અપનાવી જ લીધી છે. આ સિસ્ટમ ફુલપ્રુફ હોવાની ચકાસણી કરીને જ ગુજરાતમાં લાગુ કરવા રાજય સરકારે નિર્ણય લીધો હતો. ગુજરાતે મહારાષ્ટ્ર મોડલ મુજબ આ સિસ્ટમ લાગુ કરવાનુ નકકી કર્યુ છે.
આ સિસ્ટમ માટે વાહન 4.0 તથા સારથી 4.0માં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. ઘરબેઠા કે ઓફિસમાંથી જ લર્નિંગ લાયસન્સ પ્રક્રિયા માટે ‘પરિવહન’ વેબસાઈટનો ઉપયોગ કરવાનો રહેશે. ઉમેદવારે રોડ સેફટીનો વિડીયો નિહાળવો પડશે અને પછી જ અરજી પરીક્ષા શકય બનશે. 60 ટકા પ્રશ્ર્નોના સાચા જવાબ બાદ તેની પ્રિન્ટઆઉટ પણ કાઢી શકશે.