
એક જાણીતી બિઝનેશ ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં મોતીલાલ ઓસ્વાલ ફાયનેનશ્યલ સર્વિસિસ લિમિટેડના સહ-સંસ્થાપક અને જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રામદેવ અગ્રવાલે બજારની હાલની પરિસ્થિતિઓ અંગે ખુલ્લા મને ચર્ચા કરી હતી. સારાં શેર્સની પસંદગી કરી તેને લાંબા સમય સુધી જાળવી રાખવાની (બાય રાઇટ, સીટ ટાઈટ)ની ઈન્વેસ્ટમેન્ટ ફિલસૂફીના દ્યોતક શ્રી અગ્રવાલના મતે બજારમાં;
- આવતા પાંચ વર્ષમાં ખૂબ વેલ્થ બનવાની છે.
- ભારતનું બજાર વિશ્વમાં સૌથી વધુ ડાયનેમિક (સંભાવનાઓ યુક્ત) બજાર છે. અહી દર સાત-આઠ વર્ષે બજાર બમણું થઈ રહ્યું છે.
- ચૌદ-પંદર કરોડ રોકાણકારો બજારમાં પૈસા બનાવી રહ્યા છે. વિતેલા પાંચ વર્ષોમાં તેમણે બજારમાંથી સારાં પૈસા બનાવ્યા અને આગામી પાંચ વર્ષોમાં હજુ વધુ બનાવશે.
- વિતેલા પાંચ વર્ષોમાં ટોચની 100 કંપનીઓએ રૂપિયા 135 લાખ કરોડની વેલ્થનું સર્જન કર્યું. બજારમાં કુલ રૂપિયા 165 લાખ કરોડની વેલ્થ ઉમેરાઈ.
- 2035 સુધીમાં બજારમાં રૂપિયા 500 – 700 લાખ કરોડ બનવાના છે. આગામી દશકમાં છેલ્લા પાંચ વર્ષોમાં જેટલું વેલ્થ સર્જન થયું તેનાં ત્રણથી પાંચ ગણી વેલ્થનું સર્જન થવા જઇ રહ્યું છે.
- બજારમાં પૈસા ખૂબ બનશે, પણ તમારો ગેમ-પ્લાન સુવ્યવસ્થિત હોવો જોઈએ. કોના ખિસ્સામાં કેટલું આવશે એ આ ગેમ-પ્લાન (રોકાણની વ્યુહરચના) પરથી નિર્ણિત થશે.
- કરેક્ટ થયેલ બજાર ‘રોકાણ’ની સોનેરી તક આપે છે. કોવિડ પહેલા બજારની ટોચે રોકાણ કરનારને પાંચ વર્ષમાં બે થી સવા બે ગણું વળતર મળ્યું, જ્યારે કોવિડના કરેક્શનમાં ઘટાડે રોકાણ કરનારને ત્રણ-સાડા ત્રણ ગણું વળતર મળ્યું.
- આગામી પાંચ વર્ષમાં નિફ્ટી 45000 આવી શકે.
- હાલ આપણી માર્કેટકેપ રૂ.400 લાખ કરોડ છે, તો આગામી પાંચ વર્ષોમાં રૂ. 400 લાખ કરોડ નવા ઉમેરાશે.
- છ એક વર્ષમાં બજારમાં રૂ.600 લાખ કરોડ સુધીની નવી માર્કેટ કેપ બની શકે. તે પછીના પાંચ વર્ષોમાં એટલી જ બીજી માર્કેટ કેપ ઉમેરાશે.
- હાલના કરેક્શનમાં હવે ઇન્ડેક્સ કરતાં શેર્સના ભાવ વધુ કરેક્ટ થાય. જે શેર્સ અધધ વેલ્યૂએશન પર પહોંચી ગયા છે, તે શેર્સ જરૂર કરેકટ થાય.
- હાલના સ્તરેથી વધુ નીચે જવાની જગ્યા ઓછી છે. “કરેક્શનમાં લેણ કરનારને નિરાશાવાદના તળિયે થી આશાવાદની ઊંચાઈનો લાભ મળે છે.”
- 1980 પછીના તમામ બુલ-રન, બેર-ગ્રીપ જોયાં છે. બજારમાં નકારાત્મક પરિબળો ભાવો પર અસર કરી ચૂક્યા છે. હવે, સકારત્મક પરિબળોની અસર જોવવાની બાકી છે. દરેક વખતે બજારની તેજી કે મંદીની કહાની નવી હોય છે.
- બેંકિંગ, કેપિટલ માર્કેટ આ સેગમેન્ટ વેલ્થ સર્જનમાં એક તૃતીયાંશ ફાળો આપે. ડિજિટલ સેક્ટર પણ સારું કરી શકે.
- હાલ નિફ્ટીનો ફોરવર્ડ પ્રાઇસ ટુ અરનિંગ રેશિયો 18-19 છે. આ વેલ્યૂએશન પર ડર ન લાગવો જોઈએ.
- ટ્રમ્પ સાહેબની જાહેરાતો કે FII ની વેચવાલી રોકવી આપણાં હાથમાં નથી. તો પછી એની ચિંતા જ શા માટે કરવી.
- ભારત ટોચના પાંચ અર્થતંત્રોમાં નું એક છે. FII પાસે ભારતમાં આવ્યા સિવાય વિકલ્પ નથી. આજે વેચશે તો કાલે ફરી ખરીદશે.
- આપણાં અંકુશમાં એટલું જ છે કે આપણે સારી કંપનીના શેર્સ, સારાં વેલ્યૂએસન પર લઈએ.
- બજારમાં સટ્ટાકીય વૃત્તિ રાખશો તો દાઝશો. રોકાણકારનો અભિગમ રાખશો તો સારું વળતર મેળવશો.
શંકર શર્માની નજરે:

એક પ્રતિષ્ટિત યુ-ટ્યૂબરને આપેલ ઇન્ટરવ્યુમાં ફર્સ્ટ ગ્લોબલના સંસ્થાપક અને આંતરરાષ્ટ્રીય રોકાણકાર શ્રી શંકર શર્માએ બજાર અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. તે સંવાદના કેટલાંક અંશોનો ભાવાનુવાદ અહી આપ્યો છે.
ગયા વર્ષે મિડકેપ તરખાટ મચાવી રહ્યું હતું. ચાલીસ-પિસ્તાળીસ ટકા ચક્રવૃદ્ધિ વિકાસ દર્શાવી રહ્યું હતું. તે સ્વાભાવિકપણે કરેક્શન ‘દસ્તક’ દઈ રહ્યું હોવાની નિશાની હતી.
- સહુ કોઈને રિટેલ ઈન્વેસ્ટર્સના પૈસા જોઈએ છે, એટલે બધાં માત્ર હરિયાળું ચિત્ર જ બતાવે છે. ભારતીય શેરબજાર છેલ્લા બે વર્ષથી શ્રેષ્ટ પર્ફોર્મન્સ નથી આપી રહ્યું. ગયા વર્ષે આપણે તળિયાના પચીસ બજારોમાંના એક રહ્યા. કેટલાં મીડિયા-હાઉસે તે ખબર બતાવી?
- બજારમાં ટાઈમિંગ ખૂબ મહત્વનું છે. એક કરેક્શન શરૂ થયું હોય ત્યારે તમે લેણ કર્યું હોય, ત્રણ-ચાર વર્ષ એ કરેક્શન ચાલે, પછી ચાર-પાંચ વર્ષની તેજી થાય અને પાછું જ્યારે બે-ત્રણ વર્ષનું કરેક્શન આવે, ત્યારે તમે જે રોકાણ કર્યું હતું તેમાં માંડ ચાર-પાંચ ટકા વળતર મળ્યું હોય. તો પછી શા માટે કોઈ જોખમ લે? ફિક્સ ઇન્કમના સ્ત્રોતોનું પૂરતું માર્કેટિંગ નથી થતું કેમ કે, તેમ કરવાનું જે ઇન્સેટિવ મળે છે, તે ઓછું છે. તેની સામે ઇક્વિટીમાં રોકાણનું માર્કેટિંગ કરવાનું ઇન્સેટિવ મોટું છે. એટલે બધાં એનું જોરશોરથી માર્કેટિંગ કરે છે. દરેક રોકાણકારે ઇક્વિટીમાં રોકાણ કરવાની સાથે-સાથે આવાં ફિક્સ આવકના સ્ત્રોતોમાં પણ પૂરતું રોકાણ કરવું જોઈએ.
- હાલનું કરેક્શન સમય લેશે. બજારને સુધારવામાં સમય લાગશે.
- સ્મોલકેપ ખૂબ સારું વળતર આપે છે, પણ તેમાં જોખમનું પ્રમાણ પણ વધુ છે. સારાં સ્મોલ કેપના રોકાણમાં વાર્ષિક 15-17 ટકા CAGR મળવું જોઈએ, જ્યારે લાર્જ કેપમાં 10-12 ટકાની અપેક્ષા રાખી શકાય.
- જે શેર્સ હાલના પુલબેકમાં પણ નથી ચાલી રહ્યા તે આગામી તેજીમાં પણ નહિ ચાલે.
- ભારતીય તેજીનો આખલો ચાર-પાંચ વર્ષે વિરામ લે છે, અમેરિકન આખલો આઠ-દસ વર્ષ દોડી શકે છે.
- SIP સારો વિકલ્પ છે, પણ તે શ્રેષ્ઠ નથી. SIP થકી કરેલ રોકાણોની પડતર હમેશા બજારની સરેરાશના પંદર-વીસ ટકા આસપાસ રહે છે. જેવુ બજાર વીસેક ટકા કરેક્ટ થયું કે તમારું રોકાણ નકારાત્મક વળતર બતાવતું થઈ જાય.
- છેલ્લા દસ મહિનાથી સોનું સારી તેજી બતાવી રહ્યું છે અને આ તેજી હજુપણ આગળ ચાલુ રહે.
- બજાર સારું નહીં હોવાનું કહેનાર બેયર હોય તેવું નથી. હું બજારનું ‘સસલું’ છુ, જે બજારમાં ટકી રહેવા ચપળતા દાખવતું રહે છે.
- ભારતીય ઉદ્યોગજગત સતત સ્થાનિક બજારને નજર સમક્ષ રાખતું રહ્યું છે. આપણે ક્યારેય વૈશ્વિક બજારો સર કરવા પહેલ નથી કરી. ભારતમાં શ્રેષ્ઠ બેન્ક મેનેજમેંટ છે, અનેક ખાનગી બેન્કો ખૂબ સારું કરી રહી છે, પરંતુ આમાંની કોઈ ખાનગી બેન્ક વિદેશોમાં બ્રાન્ચ ખોલવા અને ત્યાંથી ધંધો મેળવવા પ્રયત્નો નથી કરતી. બધાંને ભારતીય ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ વેચવા છે.
- આજે આખી દુનિયા આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ પર મંથન કરી રહી છે. અનેક ક્ષેત્રોમાં લોકોની નોકરીઓ જઇ રહી છે. ભારત કે જ્યાં સેવા ક્ષેત્ર સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર છે અને જ્યાં AIનો સૌથી વધુ પ્રભાવ પડવાનો છે ત્યાં આ બાબતે કોઈ ગંભીર મંથન નથી થઈ રહ્યું એ બહુ ખેદજનક છે. ચીનનું અર્થતંત્ર તેનાં મેન્યૂફેક્ચરિંગના જોરે ગતિશીલ રહ્યું છે. સેવા ક્ષેત્રની સરખામણીએ તેની નિકાસોમાં ઉત્પાદનનો હિસ્સો ઘણો મોટો છે. છતાં ચીન સતત AIમાં રોકાણ વધારી રહ્યું છે, વિદેશી રોકાણકારોને આકર્ષી રહ્યું છે. ભારતે AI ના માર્ગે આવી રહેલ બદલાવો સામે સુસજ્જ થવાની જરૂર છે.
- આજે અર્થતંત્રની બજાર પરની નિર્ભરતા વધી ગઈ છે. સરકારની કર-આવકો જોઈએ તો તેમાં કોર્પોરેટ ટેક્સથી વધુ આવક વેરો હતો. તેમાં આ વર્ષે છૂટછાટો વધારી છે. તેવામાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, કેપિટલ ગેન ટેક્સ વિગેરે મહત્વપૂર્ણ આવકના સ્ત્રોત બન્યા છે. આ સ્થિતિમાં બજારમાં ઘટાડો આવે તો કર-આવકોને અસર થાય અને તેનાથી સરકાર દ્વારા બજારને મળી રહેલ ‘કેપેક્સ’નું બૂસ્ટર ઘટે. તેથી સરકાર પાસે કેપિટલ ગેન ટેક્સમાં રાહત માંગવી ગેરવાજબી છે.