નવી દિલ્હી : ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથના પોડકાસ્ટમાં પીએમ મોદીએ અમેરિકા દ્વારા વિઝા આપવાના ઈન્કારના મુદ્દા પર વાત કરી હતી. તેમણે કહ્યું કે તેમને વિઝા ન આપવાનો યુએસ સત્તાવાળાઓનો નિર્ણય કેટલાક લોકો દ્વારા ફેલાવવામાં આવેલાં ’જૂઠાણા’ પર આધારિત હતો અને તેનાથી તેઓ નારાજ થયાં કારણ કે તે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર અને સમગ્ર દેશનું અપમાન હતું.
નિખિલ કામથે પીએમ મોદીને પૂછયું હતું કે, તેમને તેમનાં જીવનમાં સૌથી વધુ તકલીફ ક્યારે પડી ? આના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે ’તમે પૂછયું કે મારાં માટે સૌથી દુ:ખદ ક્ષણ કઈ હતી, તે એ જ ક્ષણ હતી જ્યારે અમેરિકાએ મારો વિઝા કેન્સલ કર્યો હતો. સામાન્ય વ્યક્તિ તરીકે અમેરિકાની મુલાકાત લેવી મારા માટે મહત્ત્વનું ન હતું.
પરંતુ હું મુખ્યમંત્રી હતો, લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારનું નેતૃત્વ કરતો હતો અને છતાં પણ યુએસ દ્વારા વિઝાનો ઇનકાર એ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર અને દેશનું અપમાન હતું. આ ઘટનાએ મને ખુબ પરેશાન કર્યો. કેટલાક લોકોએ જુઠ્ઠાણા ફેલાવ્યા હતાં. પરંતુ જ્યારે મેં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી ત્યારે મેં એક સંકલ્પ લીધો હતો…મેં કહ્યું હતું કે હું એવાં દિવસની કલ્પના કરી રહ્યો હતો જ્યારે લોકો ભારતીય વિઝા માટે કતારમાં ઊભાં રહેશે
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ’તે મારા જીવનનો મુશ્કેલ સમય હતો અને હું ચોંકી ગયો હતો. પછી તો ઘણું બધું સુધર્યું, પણ મેં હંમેશાં મારો સંકલ્પ જાળવી રાખ્યો. મેં આ વાત 2005 માં કહી હતી કારણ કે હું સ્પષ્ટપણે જોઈ શકતો હતો કે ભારતનો સમય આવી રહ્યો છે. આજે આપણે 2025 માં છીએ.
હવે ભારતનો સમય છે. આજે જ્યારે હું અન્ય દેશોમાં જાઉં છું અને લોકોનાં મનમાં ભારતની અલગ છબી જોઉં છું ત્યારે મને આનંદ થાય છે. હું જોઉં છું કે તેઓ પણ ભારત આવવા માંગે છે. અન્ય દેશોનાં લોકો કહે છે કે અમે ભારતમાં અમારાં માટે વ્યવસાય અને અન્ય તકો જોઈએ છીએ. મોદીએ કહ્યું કે હું હંમેશાં ભવિષ્ય વિશે વિચારીને કામ કરું છું.
પીએમ મોદીએ ગોધરાની ઘટનાને યાદ કરી
પીએમ મોદીએ નિખિલ કામથના પોડકાસ્ટમાં સાબરમતી એક્સપ્રેસ સળગાવવાની ઘટના વિશે પણ વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે 24 ફેબ્રુઆરી 2002ના રોજ હું પહેલીવાર ધારાસભ્ય બન્યો અને 27 ફેબ્રુઆરીએ હું વિધાનસભામાં ગયો હતો. મોદીએ કહ્યું કે ગોધરામાં આવી ઘટના બની ત્યારે હું માત્ર ત્રણ દિવસનો ધારાસભ્ય હતો. અમને પહેલાં ટ્રેનમાં આગના સમાચાર મળ્યાં, પછી ધીમે ધીમે અમને જાનહાનિના સમાચાર મળવા લાગ્યાં.
હું ગૃહમાં હતો અને હું ચિંતિત હતો. બહાર આવતાં જ મેં કહ્યું કે મારે ગોધરા જવું છે. એક જ હેલિકોપ્ટર હતું. મને લાગે છે કે તે ઓએનજીસીનું છે, પરંતુ તેઓએ કહ્યું કે તે સિંગલ એન્જિનનું હેલિકોપ્ટર હોવાથી તેઓ તેમાં કોઈ વીઆઈપીને મંજૂરી આપી શકે નહીં. અમે દલીલ કરી અને મેં કહ્યું કે જે પણ થશે તેનાં માટે હું જવાબદાર હોઈશ.
મોદીએ કહ્યું કે હું તેને લખીને આપીશ. તેણે આગળ કહ્યું કે ’હું ગોધરા પહોંચ્યો ત્યારે દર્દનાક દ્રશ્ય હતું. દરેક જગ્યાએ મૃતદેહો હતાં, પરંતુ હું જાણતો હતો કે હું એવી સ્થિતિમાં હતો જ્યાં મારે મારી લાગણીઓથી ઉપર ઊઠવું હતું. મેં મારી જાતને કાબૂમાં રાખવા માટે ગમે તે કર્યું.