દેશની કોર્ટમાં લાખોની સંખ્યામાં કેસો પેન્ડિંગ છે. જેના કારણે લોકોએ ન્યાય મેળવવામાં વર્ષો સુધી રાહ જોવી પડતી હોય છે. દેશમાં આ સ્થિતિમાં સુધારો લાવવા માટે કેન્દ્ર સરકારે કેસોના નિકાલ માટે સમય સીમા નક્કી કરવા તરફ કામગીરી શરૂ કરી છે. અમદાવાદમાં યોજાયેલા 11,300 વકીલોના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, FIR થી લઈને સુપ્રીમકોર્ટ સુધી કેસ જાય તેના ચુકાદો 03 વર્ષમાં આવી જશે, ટુંક સમયમાં ટાઇમ ફ્રેમ લાવવામાં આવશે.
11,300 વકીલોનો શપથગ્રહણ સમારોહ યોજાયો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આજે દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ ખાતે રાજ્યના 11,300 વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. . જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, સોલીસીટર જનરલ તુષાર મહેતા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનના મિશ્રા તેમજ રાજ્યના 200 થી વધુ બાર એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે વકીલાત એ વ્યવસાય નહીં પવિત્ર ફરજ છે. વકીલાતના વ્યવસાયમાં ચૂક કોઈના જીવનને મોટી અસર કરે છે. ભારતની આઝાદીમાં વકીલોના મોટો ફાળો હતો. સંવિધાન નિર્માણમાં વકીલોનો મોટો ફાળો છે. સરકારે બંધારણના આર્ટિકલ 370ની સમાપ્તી કરી છે. ન્યાયતંત્રમાં ન્યાય મેળવવા વિલંબ થાય તો લોકોનો વિશ્વાસ લાંબો ટકી શકે નહીં. ઘણી બાબતોમાં સમય સીમા નક્કી કરાઈ છે. જેમ કે આરોપ ઉપર પહેલી સુનાવણી 60 દિવસમાં, 90 દિવસમાં ચાર્જશીટ, 60 દિવસમાં સુનવણી પછી ચુકાદો આપવાની વાત છે. 03 વર્ષમાં FIR થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થાય તેવી ટાઇમ ફ્રેમ લાવવામાં આવશે. ન્યાયિક પ્રક્રિયામાં બધું કામ ડીજીટલી થઈ રહ્યું છે.
આજના કાર્યક્રમમાં BCG ચેરમેન જે.જે.પટેલે જણાવ્યું હતું કે સૌ પ્રથમ લંડનમાં પોલીસ દળની સ્થાપના થઈ હતી. ભારતમાં IPC, Crpc અને એવિડન્સ એક્ટ અંગ્રેજો દ્વારા લાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશને સ્વદેશી કાયદા આપ્યા છે. પોતે 1987થી અમિત શાહ સાથે કામ કરી રહ્યા છે. તેમની બે છબિ એક ચાણક્ય તરીકે અને એક કાયદા સર્જક તરીકે છે. કોઈ પણ દેશ કેટલો શક્તિશાળી તે માપવાની પારાશીશી તે દેશનું ન્યાયતંત્ર છે. ભારતના નેતાઓ મોટા ભાગે વકીલો રહ્યા છે. BCI ની ચિંતાઓ સાંભળીને તેનું સમાધાન આપવા અમિત શાહને રજૂઆત કરાશે. BCGને ગુજરાત સરકાર તરફથી 28.25 કરોડ જેટલી કુલ રકમ મળી છે.
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજે ગર્વનો દિવસ છે. અમિત શાહ 32 લક્ષણયુક્ત વ્યક્તિ છે. ન્યાયાધીશ નિષ્પક્ષ, વિઝનરી, ધીરજ, શુદ્ધ બુદ્ધિ યુક્ત હોવા જોઈએ. જ્યારે વકીલ વકૃત્વમાં પાવરફુલ, સ્ટ્રેટેજી યુક્ત અને લક્ષ યુક્ત હોવો જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ નવા વકીલોને સૂચનો કર્યા હતા. જેમને જણાવ્યું હતું કે આખુ જીવન તમારી વ્યવસાયિક વિશ્વસનિયતા સાથે રહેશે. જીવનમાં નૈતિક રહેવું, કોઈ પક્ષ લેવો જોઈએ. સફળતાની પરિભાષાને આર્થિક રીતે મૂલવવા કરતા દર વર્ષે તમે વધુ સારા વકીલ બની શક્યા કે કેમ તે ચકાસવું જોઈએ. ગુજરાતી હોવા છત્તા ગુજરાતી બોલવામાં શરમ ના રાખવી.
જે ભાષામાં તમે સપના જુઓ અને ગાળો બોલો તે તમારી પહેલી ભાષા છે. ફકત અસીલને ઇમ્પ્રેસ કરવા અંગ્રેજી ના બોલો. અંગ્રેજી ભાષા તમે બોલો તો મૂળ ભાષાની છાંટ આવે જ તેમાં કોઈ શરમ રાખવી જોઈએ નહીં, આત્મવિશ્વાસ સાથે પ્રત્યાયન કરો. શબ્દભંડોળ વધારવા કાયદા સિવાય પણ પુસ્તક વાંચવા સોલિસિટર જનરલે નવા વકીલોને સૂચના આપી હતી. વકીલાતમાં એકની જીત અને બીજાનો પરાજય નક્કી છે. જીવનમાં જે વ્યક્તિ વિકાસની સીડી ચઢે છે ,તે ઊતરે પણ છે, જેથી દરેક મળતા લોકો સાથે વિનમ્ર રહો.