અદાણી ગ્રૂપની વિરુધ્ધ સંશોધ્નાત્મકઅહેવાલ બહાર પાડી સનસનાટી ફેલાવી દેનારા હિન્ડનબર્ગ રિસર્ચના સ્થાપકે પોતાની કંપની બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે X પર એક ભાવુક પોસ્ટ દ્વારા આ માહિતી આપી. જેમાં તેમણે પોતાની યાત્રા, સંઘર્ષ અને સિદ્ધિઓ વિશે વિગતવાર જણાવ્યું. સ્થાપક નાથન એન્ડરસને તેમના સંદેશમાં લખ્યું છે કે ગયા વર્ષના અંતમાં મેં મારા પરિવાર, મિત્રો અને અમારી ટીમ સાથે શેર કર્યું હતું કે હું હિન્ડનબર્ગ રિસર્ચ બંધ કરવાનો નિર્ણય લઈ રહ્યો છું. અમે જે વિચારો પર કામ કરવાનું નક્કી કર્યું હતું તે પૂર્ણ કર્યા અને અમારા ઉદ્દેશ્યો સાકાર થતાં જ અમે આજે અમારી કંપની બંધ કરવાનો નિર્ણય લઈ રહ્યા છીએ.એન્ડરસન પોતાના શરૂઆતના સંઘર્ષોને યાદ કરતા કહે છે, “મને શરૂઆતમાં ખબર નહોતી કે સંતોષકારક રસ્તો શોધવો શક્ય બનશે કે નહીં. તે સરળ પસંદગી નહોતી, પરંતુ હું જોખમ પ્રત્યે ભોળો હતો અને ખૂબ જ ઝડપથી કામ તરફ આકર્ષાઈ ગયો.”જ્યારે મેં કામ શરૂ કર્યું ત્યારે મને શંકા હતી કે હું તે કરી શકીશ કે નહીં. કારણ કે મને પરંપરાગત અનુભવ નહોતો. આ વિસ્તારમાં મારા કોઈ સગા નથી. હું સરકારી શાળામાં ભણ્યો હતો. હું ચાલાક સેલ્સમેન નથી. મને પહેરવા માટે યોગ્ય કપડાંની પણ ખબર પડતી નથી. હું ગોલ્ફ રમી શકતો નથી. હું એવો સુપરહ્યુમન નથી જે 4 કલાકની ઊંઘ પર કામ કરી શકે.
હું મારી મોટાભાગની નોકરીઓમાં સારો કર્મચારી હતો, પરંતુ મોટાભાગની નોકરીઓમાં મારી અવગણના કરવામાં આવી. જ્યારે મેં આ કામ શરૂ કર્યું ત્યારે મારી પાસે પૈસા નહોતા, અને હું ગેટમાંથી બહાર નીકળતાની સાથે જ મારા પર 3 વાર કેસ થયો અને બાકીના પૈસા પણ ખલાસ થઈ ગયા. જો મને વિશ્વ કક્ષાના વ્હિસલબ્લોઅર વકીલ બ્રાયન વુડનો ટેકો ન મળ્યો હોત, જેમણે નાણાકીય સંસાધનોના અભાવ છતાં કેસ સંભાળ્યો હતો, તો હું શરૂઆતના તબક્કામાં જ નિષ્ફળ ગયો હોત. વર્ષ 2023માં હિંડનબર્ગે ભારતના અબજોપતિ ગૌતમ અદાણી (Gautam Adani) પર આરોપ લગાવતો રિપોર્ટ જાહેર કર્યો હતો. એમાં લખ્યું હતું કે, ‘વિશ્વના ત્રીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ એવા ગૌતમ અદાણી કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટું ફ્રોડ કરી રહ્યા છે. અદાણીએ પોતાની કંપનીઓના શેરના ભાવમાં ચેડા કર્યા છે. એમના શેરની વાસ્તવિક વેલ્યૂ કરતા 85 ટકા સુધી ભાવ વધારવામાં આવ્યા છે. અદાણીના સ્વજનો વિદેશમાં શેલ કંપનીઓ ચલાવીને મની લોન્ડરિંગ કરે છે.’આ રિપોર્ટને કારણે અદાણીના શેરોમાં કડાકો બોલી ગયો હતો અને તેઓ ટોચના 30 અબજપતિઓની યાદીમાંથી પણ બહાર થઈ ગયા હતા. એ સમયે ભારતના લોકો હિંડનબર્ગના નામ અને કામથી પરિચિત થયા હતા.
‘હિંડનબર્ગ રિસર્ચ’એ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ છે, જેની સ્થાપના વર્ષ 2017 માં નથાન એન્ડરસન દ્વારા થઈ હતી. ન્યુ જર્સીના માન્ચેસ્ટર ટાઉનશિપમાં 6 મે, 1937ના રોજ હિંડનબર્ગ એરશિપ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 36 લોકો માર્યા ગયા હતા. નથાનનું માનવું છે કે એ ‘માનવસર્જીત’ દુર્ઘટના ટાળી શકાય એવી હતી. વર્તમાન જગતમાં એવી માનવસર્જીત કોર્પોરેટ છેતરપિંડી અને ગેરરીતિને ઊઘાડા પામવાની નેમ હોવાથી નથાને એની ફર્મને હિંડનબર્ગનું નામ આપ્યું છે.
અમેરિકાની કનેક્ટિકટ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસમાં સ્નાતક થયા પછી નથાન એન્ડરસને ડેટા રિસર્ચ કંપનીમાં કામ કર્યું હતું. એ નોકરી દરમિયાન તે શેરબજારની જટિલતાઓ શીખી ગયો. એને સમજાઈ ગયું કે શેરબજારમાં ઘણી એવી બાબતો બને છે, જે સામાન્ય લોકોની સમજની બહારની છે. એમાંથી જ એને પોતાની રિસર્ચ કંપની શરૂ કરવાનો અને દુનિયાભરની કંપનીઓની છેતરપિંડીઓને ઉઘાડી પાડવાનો વિચાર આવ્યો. તેણે નોકરી છોડી દીધી અને ‘હિંડનબર્ગ રિસર્ચ’ની સ્થાપના કરી.હિંડનબર્ગ રિસર્ચ ફર્મ સ્ટોક માર્કેટ, ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્સ પર સંશોધન કરે છે અને કોઈ કંપની ગેરરીતિ આચરતી હોય તો એનો રિપોર્ટ દુનિયા સામે રજૂ કરવાનું કામ કરે છે. તે એ શોધવાની કોશિશ કરે છે કે, શું શેરબજારમાં નાણાની ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે? શું મોટી કંપનીઓ પોતાના ફાયદા માટે તેમના ખાતાઓનો ગેરવહીવટ કરી રહી છે? શું કોઈ કંપની પોતાના ફાયદા માટે શેરબજારમાં તેના શેર પર ખોટી રીતે સટ્ટો લગાવીને અન્ય કંપનીઓને નુકસાન પહોંચાડી રહી છે? આવા મુદ્દા પર સંપૂર્ણ સંશોધન કર્યા પછી હિંડનબર્ગ વિગતવાર અહેવાલ તૈયાર કરે છે અને તેને પ્રકાશિત કરે છે.