શેરબજારમાં આજે એકાએક વિજળીક તેજી થવા સાથે સેન્સેક્સમાં 1800 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. અદાણી સામે અમેરિકામાં કેસનો આઘાત પચાવાઇ ગયો હોય તેમ સાર્વત્રિક લેવાલીથી તેજીનો ધમધમાટ રહ્યો હતો.
શેરબજારમાં આજે માનસ તેજીનું બન્યું હતું. વૈશ્વિક તેજીની અસર હેઠળ શરૂઆત પ્રોત્સાહક ટોને થયા બાદ બપોરથી ઓલરાઉન્ડ લેવાલીનો દોર શરૂ થતાં તેજી વધુ ઝડપી અને વ્યાપક બનવા લાગી હતી.
વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલીનું કારણ ડીસ્કાઉન્ટ થઇ ગયું હતું. લોકલ ફંડોની લેવાલીના જંગી ઓર્ડરથી તેજીને ટેકો મળ્યો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે મહારાષ્ટ્ર-ઝારખંડની વિધાનસભા ચૂંટણીના કાલે પરિણામો જાહેર થવાના છે અને તેમાં ભાજપ-એનડીએનું શાસન આવવાના આશાવાદથી સારી અસર હતી.
બુકી બજારે એનડીએને 165થી વધુ બેઠક મળવાનો વરતારો આપતા તેજીને મજબૂત ટેકો મળ્યો હતો. હવે આવતીકાલે સત્તાવાર પરિણામ જાહેર થશે અને તેના આધારે નવા સપ્તાહનો ટ્રેન્ડ નક્કી થઇ શકે છે.
શેરબજારમાં આજે મોટાભાગના શેરો ઓલરાઉન્ડ લેવાલીને પગલે ઉછળ્યા હતા. બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, હિન્દ લીવર, આઇસીઆઇસી બેંક, ઇન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, લાર્સન, મહિન્દ્ર, મારૂતિ, એનટીપીસી, પાવર ગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, તાતા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઇટન, એશિયન પેઇન્ટસ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરો ઉછળ્યા હતા.
રસપ્રદ બાબત એ છે કે, ગઇકાલે પટકાયેલા અને આજે પણ પ્રારંભિક કામકાજમાં મંદીમાં રહેલા અદાણી ગ્રુપના શેરોમાં ઉછાળો આવી ગયો હતો. અદાણી સામે અમેરિકામાં લાંચ-છેતરપીંડીનો કેસ થતાં અને ધરપકડ વોરંટ ઇસ્યુ થયાને પગલે ગઇકાલે અદાણી ગ્રુપના શેરોમાં મસમોટા ગાબડા પડ્યા હતા તે ઉલ્લેખનીય છે.
મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડે 1800 પોઇન્ટ ઉછળ્યો હતો. બપોરે અઢી વાગ્યે 1672 પોઇન્ટના ઉછાળાથી 78827 સાંપડ્યો હતો તે ઉંચામાં 78978 તથા નીચામાં 77226 થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 498 પોઇન્ટના ઉછાળાથી 23848 હતો. તે ઉંચામાં 23787 તથા નીચામાં 23359 રહ્યો હતો.
શેરબજારમાં જોરદાર તેજીને પગલે માર્કેટ કેપીટલાઇઝેશનમાં ઉછાળો નોંધાયો હતો અને ઇન્વેસ્ટરોની સંપત્તિમાં 8 લાખ કરોડની વૃદ્ધિ થઇ હતી.