નવી દિલ્હી: નેશનલ ફાઈનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરીટીએ સુઓ-મોટો હાથ ધરેલ તપાસના બે અલગ-અલગ મામલાઓમાં 23 ડિસેમ્બરના રોજ બે અલગ-અલગ કંપનીઓના ઓડિટર્સ અને ક્વોલિટી કંટ્રોલ રિવ્યુઅર્સને દંડ ફટકાર્યો છે તેમજ તેમને કોઈપણ કંપનીના ઓડિટિંગ સાથે જોડાવા માટે ત્રણથી પાંચ વર્ષ સુધી પ્રતિબંધિત કર્યા છે.
મેસર્સ ડિલ્લોઇટ એન્ડ હોસ્કીન એન્ડ સેલ્સ એલ.એલ.પી. નેશનલ સ્ટોક એક્ષચેન્જ તેમજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપની ઝી એન્ટરટેનમેન્ટ લિમિટેડના ઓડિટર તરીકે નાણાંવર્ષ 2018-19 અંદ 2019-20 માં કાર્યરત હતી. આ સમયગાળા દરમ્યાન ઝી એન્ટરટેનમેન્ટના પ્ર્મોટર કે જેઓ એસ્સેલ ગ્રૂપ ઓફ કંપનીઝના પણ પ્રમોટર છે તેમણે એસ્સેલ ગ્રીન મોબિલિટી લિ. કંપનીને યસ બેન્કે આપેલ લોન સામે ઝી એન્ટરટેનમેન્ટની રૂ. 200 કરોડની ફિક્સ ડિપોઝિટ ગેરેંટી તરીકે આપી હતી. પ્રમોટરની સાત ગ્રૂપ કંપનીઓના ધિરાણની વસૂલાત માટે યસ બેન્કે આ ફિક્સ ડિપોઝિટ જુલાઇ 2019 માં લઈ લીધી હતી.
NFRAએ કરેલા હુકમ મુજબ કંપનીના ઓડિટર્સ આ ‘રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન’નું યોગ્ય રિપોર્ટિંગ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે આપેલા પોતાના અભિપ્રાય અહેવાલમાં આ બાબતે પૂરતો ખુલાસો કરવામાં નહોતો આવ્યો.
જ્યારે નાણાંવર્ષ 2015-16 માં કંપની માંથી રિલેટેડ પાર્ટીઝને મસમોટી રકમની સંખ્યાબંધ લોન બાબત પૂરતો અભિપ્રાય આપવામાં ઓડિટિંગ સ્ટાન્ડર્ડનું અનુસરણ નહીં કરવા સબબ અન્ય એક મામલામાં ડીબી રિયલ્ટીના ઓડિટર્સ સામે પગલાં લેવામાં આવ્યા છે. ચાટર્ડ એકાઉન્ટન્ટ રાકેશ રાઠી અને ચાટર્ડ એકાઉન્ટન્ટ ચેતન દેસાઇ આ કંપનીના ઓડિટર તરીકે કાર્યરત હતા.
કંપનીના કોન્સોલિડેટેડ ફાયનાંશ્યલ સ્ટેટમેન્ટમાં ઓડિટર દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રૂ.2406 કરોડની જે બેન્ક ગેરંટી આપવામાં આવી છે તે કંપનીના હિતમાં નથી. છતાય જ્યારે કંપનીના સ્ટેન્ડઅલોન ફાયનાંશ્યલ સ્ટેટમેન્ટ તેમજ ઓડિટ અહેવાલ તૈયાર કરવામાં આવ્યા ત્યારે આ હકીકતને નજર અંદાજ કરવામાં આવી હતી. ડીબી રિયલ્ટીએ આ સમયગાળામાં રૂ.1079 કરોડ રિલેટેડ પાર્ટીઝને લોનરૂપે આપ્યા હતા, તેના વિષે પણ અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો નહોતો.
NFRAની વેબસાઇટ પર ઉપલબ્ધ બંને હુકમોમાં જણાવ્યા મુજબ આ બે કંપનીઓ સાથે જે તે સમયે જોડાયેલ ઓડિટર્સને ત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધીનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તેમજ તેમને રૂપિયા એક લાખ થી દસ લાખ સુધીનો દંડ ફટકાર્યો છે.
ઉલ્કેલેખનીય છે કે, સેબીના LODR નિયમન મુજબ પ્રાઇસ સેંસેટિવ માહિતીની જાણ માહિતી મળ્યાના ત્રીસ મિનિટમાં એક્સચેન્જને કરવાની હોય છે. આ બંને કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં નોધાયેલી છે. પરંતુ હાલ એક્સચેન્જની વેબસાઇટ પર આ હુકમો અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. તો શું સેબી આ મામલે તેમની સામે પગલાં લેશે?