
મુંબઈ : વેદાંતાના ડિમર્જરના સંબંધમાં તલવંડી સબો પાવર લિ. ના લેણદાર સેપ્કો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે તલવંડી સાબો પાવર લિમિટેડ (ટી.એસ.પી.એલ.) દ્વારા દાખલ કરાયેલી ડિમર્જર સ્કીમને ફગાવી દીધી છે. મંગળવારે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું, “…હાલના કેસના તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખીને, અમે કંપની એક્ટની કલમ 230 હેઠળ અરજદાર દ્વારા રજૂ કરાયેલી યોજનાને નકારી કાઢવાનું યોગ્ય માનીએ છીએ.”
તેમાં વધુમાં અવલોકન કરવામાં આવ્યું હતું કે “…અરજદાર કંપની દ્વારા મહત્વપૂર્ણ તથ્યો જાહેર કરવામાં આવ્યા નથી, જે કંપની અધિનિયમ, 2013 ની કલમ 230 (2)(એ) નું ઉલ્લંઘન કરે છે, જે અમારા મતે મોટાભાગે જાહેર હિતને પૂર્વગ્રહિત કરે છે.”
ચીન સ્થિત સેપ્કો ઇલેક્ટ્રિક પાવર કન્સ્ટ્રક્શન કોર્પોરેશન દ્વારા ડિમર્જર સામે વાંધો ઉઠાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાવર યુનિટે તેમના 1,251 કરોડ રૂપિયાના બાકી દેવાને જાણી જોઈને લેણદારોની યાદીમાંથી બાકાત રાખ્યું છે. એસ.ઇ.પી.સી.ઓ. (સેપ્કો)એ આ યોજનાનો વિરોધ કર્યો, અને આરોપ લગાવ્યો કે ટી.એસ.પી.એલ. એ તેની જવાબદારીઓ વિશેની મહત્વપૂર્ણ માહિતી છુપાવી છે. નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “સેપકોના અધિકારોનો હ્રાસ કરવા માટે આ જાણી જોઈને કરવામાં આવ્યું છે.” વેદાંતાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એન.સી.એલ.ટી.નો ચુકાદો ફક્ત ટી.એલ.પી.એલ.ની અરજી અને પાવર બિઝનેસ ઉપક્રમને લગતો છે અને તે ડિમર્જર થવા માટે પ્રસ્તાવિત અન્ય બિઝનેસ ઉપક્રમોની પ્રગતિને અસર કરતો નથી અથવા તેમાં ફેરફાર કરતો નથી.
“વેદાંતા કોર્પોરેટ ગવર્નન્સ અને પારદર્શિતાના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, અને આગળના કોઈપણ વિકાસ વિશે તમામ હિસ્સેદારોને જાણ કરશે,” પ્રવક્તાએ ઉમેર્યું. તલવંડી પાવર એન.સી.એલ.ટી.ના આદેશ સામે અપીલ દાખલ કરે તેવી શક્યતા છે. સેપ્કોને રૂ.1,251 કરોડના અસુરક્ષિત લેણદાર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું, જે મૂલ્યની દ્રષ્ટિએ અસુરક્ષિત દેવાના 75 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરતું હતું અને તેના પરિણામે, સેપ્કોનો મત પોતે જ યોજનાની વિરુદ્ધ હોય, જે ટી.એસ.પી.એલ. ના હિતને સંભવિત રીતે અસર કરશે.
ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે, આવી મહત્વપૂર્ણ જવાબદારીનો ખુલાસો ન કરવાથી લેણદારો અને શેરધારકોના હિતોને નુકસાન થઈ શકે છે, અને સેપ્કોના દાવાને ધ્યાનમાં લીધા વિના હાથ ધરવામાં આવેલ ટી.એસ.પી.એલ.નું મૂલ્યાંકન ખામીયુક્ત હતું અને જાહેર હિતને અસર કરી શકે છે. કંપનીઝ એક્ટ, 2013 ની કલમ 230 થી 232 હેઠળ દાખલ કરાયેલી આ યોજનામાં વેદાંતાના બિઝનેસ વર્ટિકલ્સને પાંચ અલગ અલગ એન્ટિટીમાં વિભાજીત કરવાનો સમાવેશ થતો હતો – વેદાંત એલ્યુમિનિયમ મેટલ, તલવંડી સાબો પાવર, માલ્કો એનર્જી, વેદાંત બેઝ મેટલ્સ અને વેદાંત આયર્ન એન્ડ સ્ટીલ.
તેનો ઉદ્દેશ્ય સ્વતંત્ર, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક કંપનીઓ બનાવવાનો હતો, જેમાં દરેક તેના મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરે અને વિશિષ્ટ રોકાણકારો અને હિસ્સેદારોને આકર્ષિત કરે. સંબંધિત કંપનીઓના બોર્ડે સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2023 ની વચ્ચે આ યોજનાને મંજૂરી આપી હતી.