
મુંબઇઃ NBFCsના એક લોબી જૂથે મંગળવારે જણાવ્યું હતું કે તેમણે દેશમાં FAME અથવા ઉત્પાદન-સંલગ્ન પ્રોત્સાહન (Production Linked Incentive – PLI) યોજનાઓની તર્જ પર ઇલેક્ટ્રિક વાહન ધિરાણને પ્રોત્સાહન આપવા માટે એક યોજનાની માંગ કરી છે.
કેન્દ્ર સરકારની થિંક ટેન્ક નીતિ આયોગ સાથેની તાજેતરની બેઠકમાં ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ (FIDC) એ જણાવ્યું હતું કે જ્યારે ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યાંકો હાંસલ કરવા માટે ઇલેક્ટ્રિક વાહનો તરફ સ્થળાંતર કરવું નિર્ણાયક છે, ત્યારે ઇ.વી. ધિરાણ એક “અવરોધ” છે.
“જે રીતે સરકારે FAME (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હિકલ્સ) અને PLI (પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ્સ) યોજનાઓ દ્વારા ઇ. વી. ના ઉત્પાદનને સમર્થન અને પ્રોત્સાહન આપ્યું હતું, તે જ રીતે નાણાકીય સહાયકો માટે પણ આવી જ પહેલ સમયની જરૂરિયાત છે.
તેમણે જણાવ્યું હતું કે ઇ.વી. ધિરાણને આંતરિક કમ્બશન એન્જિન વાહન ધિરાણની જેમ જ ગણવામાં આવે છે અને ધિરાણકારો માટે કોઈ પ્રોત્સાહન નથી, અને ઉમેર્યું હતું કે પડકારોમાં પ્રમાણિત બેટરી જીવન મૂલ્યાંકન અને પુનર્વેચાણ પદ્ધતિઓનો અભાવ પણ સામેલ છે. તે ઉપરાંત, વિકસતી બેટરી ટેકનોલોજી અને અસ્પષ્ટ વોરંટીને કારણે ધિરાણકારો અવમૂલ્યનની આશંકાઓ સાથે ઝઝૂમી રહ્યા છે.
બૅટરીના મોરચે, ઝડપી તકનીકી પ્રગતિઓ છે, જે ધિરાણકારો માટે સંપત્તિના જોખમોમાં વધારો કરે છે, જ્યારે ભારતીય પરિસ્થિતિઓમાં બૅટરીના ડેડ થવા અંગેનો ડેટા પણ મર્યાદિત છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે સિડબી અથવા નાબાર્ડ સાથે એક સમર્પિત ભંડોળ સ્થાપિત કરી શકાય છે, જે ખાસ કરીને નોનબેંકિંગ ફાયનેન્સ કંપનીઝને ઇલેક્ટ્રીક વાહનો પર ધિરાણ આપવા માટે ભંડોળ પૂરું પાડી શકે છે અને 10 લાખ રૂપિયાથી ઓછી ઇ.વી. લોન માટે વ્યાજ સહાય યોજનાઓના વિસ્તરણ દ્વારા સબસિડીવાળા વ્યાજ દરો માટે પણ ભાર મૂક્યો હતો.