નવી દીલ્હી (PTI): નેસ્લે ઇન્ડિયાએ જણાવ્યું છે કે સ્વિત્ઝર્લેન્ડ દ્વારા ‘મોસ્ટ ફેવર્ડ નેશન’ નો દરજ્જો પરત લીધાની તેનાં કામકાજ પર કોઇ અસર થશે નહિ. કંપનીએ જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ચુકવણાંના વ્યવહારો વખતે તે ૧૦ ટકા રકમ કાપી પોતાની પાસે આમ પણ રાખે જ છે.
ભારત અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે ‘ડબલ ટેક્સેસન એવોઇડન્સ ટ્રીટી’ છે, જેનાં ભાગરૂપે ભારતને સ્વિત્ઝર્લેન્ડ દ્વારા મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવામાં આવ્યો છે. નીતિગત પ્રશ્નોને પગલે હાલ સ્વિત્ઝર્લેન્ડે આ દરજ્જો પરત લીધો છે. નેસ્લેએ જણાવ્યું છે કે, આ પ્રશ્ન નીતિગત હોઇ, તે માત્ર નેસ્લે સાથે સંબંધિત નથી.
મેગી, નેસ્કેફી, કીટકેટ જેવી પ્રખ્યાત બ્રાન્ડ ધરાવતી એફ.એમ.સી.જી. કંપની નેસ્લેએ જણાવ્યું છે કે, તે આમ પણ આંતરરાષ્ટ્રીય ચુકવણાં વખતે ૧૦ ટકા રકમ પોતાની પાસે કપાત પેટે રાખે છે, જે કર-જવાબદારી પેટે હોય છે.
ગયા વર્ષે ભારતની સર્વોચ્ચ અદાલતે એક મામલામાં, કે જેમાં નેસ્લે પણ પક્ષકાર હતો તેમાં, ચુકાદો આપ્યો હતો કે, સિવાય કે આવકવેરા અધિનિયમની કલમ ૯૦ હેઠળ તેને સૂચિબદ્ધ કરવામાં આવ્યું હોય, ડબલ ટેક્સેસન એવોઇડન્સ ટ્રીટી હેઠળનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો લાગૂ પાડી શકાય નહિ. ત્યારબાદ, હમણાં ૧૧ ડિસેમ્બરના રોજ સ્વિત્ઝર્લેન્ડે ભારતને આપેલ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો મોકૂફી પર મૂક્યો હતો.
વર્ષ ૨૦૨૧ માં દીલ્હી ઉચ્ચ ન્યાયાલયે, ડબલ ટેક્સેસન એવોઇડન્સ ટ્રીટી માંના મોસ્ટ ફેવર્ડ નેશન વાળા ક્લોઝને ધ્યાને લઇ, ઠેરવ્યું હતું કે શેષ દરે કરવેરો ભરવાપાત્ર થાય. આ ચુકાદાને સર્વોચ્ચ ન્યાયાલયે ગયા વર્ષે પલટાવ્યો છે. તેનાં પગલે સ્વિત્ઝર્લેન્ડમાં કારોબાર કરી રહેલ ભારતીય કંપનીઓની કર-જવાબદારીમાં વધારો થયો છે.
નેસ્લે ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું છે કે, આ મામલો માત્ર નેસ્લેને સંબંધિત નથી અને તે બે દેશો વચ્ચેનો નીતિગત પ્રશ્ન છે. સાથે જ કંપનીએ જણાવ્યું છે કે, તે અગાઉ પણ ૧૦ ટકા કરવેરા પેટે કપાત કરતી હતી અને હજુપણ કરી રહી છે. નોંધનીય છે કે, સ્વિત્ઝર્લેન્ડની કંપની નેસ્લે ભારતમાં ૧૧૨ વર્ષથી કારોબાર કરી રહી છે અને તેનાં ટોચના ૧૦ બજારોમાં ભારતનું સ્થાન છે. કંપની ભારતમાં પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવા ૨૦૨૦ થી ૨૦૨૫ ના ગાળામાં રૂ.૬ હજાર કરોડ ખર્ચ કરવા જઇ રહી છે.
હાલ ભારતમાં નેસ્લે ઇન્ડિયાની નવ ફેક્ટરી કાર્યરત છે અને હવે દસમી ફેક્ટરી ઓરિસ્સામાં સ્થપાવા જઇ રહી છે. નોંધવું રહ્યું કે સપ્ટેમ્બરમાં નેસ્લેના શેરનો ભાવ રૂ.૨૭૫૦ આસપાસ હતો, તે હાલ ઘટીને રૂ.૨૧૫૦ આસપાસ પહોંચ્યો છે. આમ, બે મહિનામાં આ શેરનો ભાવ વીસ-બાવીસ ટકા ઘટ્યો છે.