બજાર નિયામક સેબીએ સોફ્ટવેર સેવા માટે ચુકવણી અંગે સ્પષ્ટ ખુલાસો નહીં કરવાના કારણે મલ્ટી કોમોડિટી એક્સચેંજ ઓફ ઈન્ડિયા એટલે કે એમસીએક્સને 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સેબીએ આ દંડ 45 દિવસની અંદર જ ભરવા કહ્યું છે. એમસીએક્સને આ દંડ 63 મૂન ટેકનોલોજીસ તરફથી આપવામાં આવેલી સોફ્ટવેર સર્વિસેઝના બદલામાં ચુકવણી અંગે પૂરતું વિવરણ નહીં આપવા બદલ લગાવાયો છે.
63 મૂન્સ ટેક્નોલોજીસ પહેલા ફાયનાન્સિયલ ટેક્નોલોજી ઈન્ડિયા લિમિટેડ તરીકે ઓળખાતી હતી. આ મામલો ટ્રેડિંગ સોફ્ટવર કરાર માટે 63 મૂન્સ ટેક્નોલોજી માટે કરવામાં આવેલા ચુકવણી સંબંધિત છે.
એમસીએક્સે 2003માં 63 મૂન્સ ટેક્નોલોજી સાથે એક ટ્રેડિંગ સોફ્ટવેર કરાર કર્યો હતો. તે સમયે 63 મૂન્સ પાસે એમસીએક્સની સંપૂર્ણ માલિકી હતી. પરંતુ 2020માં એમસીએક્સે એક નવા ટ્રેડિંગ મંચ પર જવાનો નિર્ણય કર્યો હતો અને તેનો કરાર ટીસીએસને આપ્યો હતો.
સમયસર સેવા શરૂ નહીં થઈ શકવાના કારણે એમસીએક્સે 63 મૂન્સ સાથે કરાર લંબાવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેના માટે કરવામાં આવેલી ચુકવણીનો ઉલ્લેખ કર્યો નહોતો.
સેબીએ તેના આદેશમાં કહ્યું કે, ઓકટોબર 2022 થી જૂન 2023 સુધીમાં કુલ 222 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. જે નાણાકીય વર્ષ 2021-22ની તુલનામાં કંપનીના લાભથી લગભગ બમણી હતી. તેમ છતાં તેનો ખુલાસો જાન્યુઆરી 20233માં કરવામાં આવ્યો હતો.